
9 વર્ષની દેવાંશી દીક્ષા લેશે
દીક્ષા નગરી સુરતના વેસુમાં આવેલા બલર ફાર્મમાં એક 9 વર્ષની દેવાંશી સંઘવી દીક્ષા ધરણ કરવા જઇ રહી છે. તેનો આ દીક્ષા મહોત્સવ 5 દિવસ સુધી ચાલશે. મંગળવારે દીક્ષાર્થીની વર્ષિદાન યાત્રા યોજાઈ હતી. આજે દીક્ષા વિધિ કરવામાં આવનારી છે. આજે બુધવારે સવારે 5 વાગ્યાથી દીક્ષા વિધિનો આરંભ થશે.
બલરફાર્મ જિનશાસનની ઐતિહાસિક 77 તથા 74 દીક્ષાની ભુમિ છે. જ્યાં આજે દેવાંશીની દીક્ષા વિધિ દરમિયાન ભગવંતો અને 35 હજારથી વધુ સંયમ પ્રેમીઓની ઉપસ્થિતિમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા દીક્ષાના દાન-રજોહરણ અર્પશે. દીક્ષા વિધિ ઉપસ્થિત લોકો સારી રીતે માણી શકે એ માટે વિશાળ મંડપમાં પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભેરુતારક તીર્થ સ્થાપક સંઘવી સુંદરબેન ભેરૂમલજી પરિવારના મોહનભાઈ અને ભારતીબેનની પૌત્રી તથા ધનેશભાઈ તથા અમીબેનની 9 વર્ષની બહુમુખી પ્રતિભાશાળી દીકરી દેવાંશીકુમારીનો દીક્ષા ઉત્સવ તા – 14 મી જાન્યુઆરીએ વેસુનાં બલર ફાર્મમાં આરંભ થયો હતો. મહોત્સવમાં ચોથા દિવસે મંગળવારે સવારે 9.30 કલાકથી અઠવા ગેટ ચોપાટી પાસે વર્ષીદાનની યાત્રાનો આરંભ થયો હતો. જે રાજમાર્ગો પર ફરીને દીક્ષા સ્થળે પહોંચ્યો હતો. ઐતિહાસિક વરઘોડાના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. લગભગ 1 લાખ આંખોંએ વરઘોડો નિહાળ્યો હતો.

જાજરમાન વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ નગારા અને વિવિધ સંગીતના સુરોની રેલમ છેલમ હતી. અનેક નૃત્ય મંડળીઓ અને મનોરંજનના પણ અનેક માધ્યમ વરઘોડામાં આકર્ષણ જમાવતા હતા. દેવાંશી કુમારી દેવવિમાન સમા રથમાં શોભી રહ્યા હતા.

માર્ગમાં ચાર જગ્યાએ વર્ષીદાન થયુ હતું. જ્યારે ત્રણ જગ્યાએથી નાના વરઘોડા મુખ્ય વરઘોડા સાથે મળ્યા હતા. જેથી વરઘોડો વધુ ભવ્ય બન્યો હતો. વરઘોડો અઠવા ગેટથી લાલ બંગલા, પાર્લે પોઇન્ટ, પીપલોદ, રાહુલ રાજ મોલ થઇ બલર ફાર્મ બપોરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુંબઈ અને એન્ટવર્પ માં પણ દેવાંશીની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી તેમજ વિદાય સમારોહ યોજાયા હતા.

દેવાંશીનો પરિચય અને આરાધના
9 વર્ષની વયે દીક્ષા લેવા જ રહેલી દેવાંશી ધનેશભાઈ સંઘવી એમજ દીક્ષા લઇ રહી નથી. જન્મતાની સાથેજ તેને દીક્ષાના સંસ્કાર મળ્યા છે. માતા અમીબહેને એના જન્મ બાદ તુરંતજ નવકાર સંભળાવ્યો હતો. ત્યારબાદ અનેક સ્તોત્ર અને પદો દેવાંશીના જીવનને પવિત્ર કરતા રહ્યા. ચાર માસની વયમાં જ ચોવિહાર શરૂ થઈ ગયો હતો.

બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7માં વર્ષે પૌષધ કર્યા છે. જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ કર્યો નથી, ટીવી-થિયેટર પણ નથી નિહાળ્યા. આટલી ઉંમરમાં તેણે 10 -12 નહી પણ પૂરા 367 દીક્ષાના દર્શન કર્યા છે. પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્વાર્થના અઘ્યાય જેવા અનેક મહાગ્રંથો તેમને કંઠસ્થ છે.

આ સિવાય અનેક જૈનગ્રંથોનું એમનું વાંચન છે. ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે . તેમજ ક્યૂબમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે. તો સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારત નાટ્યમમાં પણ નિપુણ છે.

યોગનાં અનેક આસાન કરી જાણે છે. આમ સર્વગુણ સંપન્ન અને દોમ દોમ સાહ્યબી છોડીને દેવાંશી પુષ્કળ અભ્યાસ બાદ દીક્ષા માર્ગે જઈ રહી છે. વિદાય સમારોહમાં સંવેદના વખતે એણે સાચું જ કીધુ હતું કે, હું સિંહનું સંતાન છું અને સિંહની જેમ દીક્ષા લઇ રહી છું અને સિંહની જેમ જ દીક્ષા જીવન જીવવાના મારા ભાવ છે.


व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button