
ભાણવડની શોષિત રાજનીતિનો નમૂનો, BOI શહેરની બહાર
ભાણવડ જે રાજાશાહી યુગમાં ટીમ્બા તરીકે ઓળખાતું હાલારી શહેર છે, સ્વ. વનરાવન કાકુભાઇ લાખાણી, સ્વ. ભગવાનજી બાપા જોશી, સ્વ. પરષોત્તમભાઇ હિંડોચા, સ્વ. મેપાભાઇ મેરામણભાઇ કનારા, સ્વ. હરદાસભાઈ એભાભાઈ બેરા, સ્વ. ગુલામહુશેનભાઈ કોટડીયા, સ્વ. ટપુભાઈ ભાણવડિયા અને સ્વ. દ્વારકાદાસ પ્રેમજી ઘેલાણી, સ્વ. કાંતીલાલ માણેકચંદ સંઘવી જેવા આગેવાનોના અભાવે ટીમ્બા પર વસેલા ભાણવડ શહેરને વર્તમાન રાજનીતિનો એરૂ આભડ્યો હોય તેમ શહેરનો કોટ વિસ્તાર દિવસે દોગણો અને રાત્રે ચોગણો બિસ્માર થઈ રહ્યો છે અને કોઈના પેટનું પાણી પણ હલતું નથી.
ટીમ્પે ટીમ્પે સિંચીને વસાવાયેલું આ શહેર આજે ખોબે ખોબે લૂંટાતું આવ્યું છે, અગાઉના ભાણવડમાં ગાંધી ચોકથી દરબાર ગઢ અને એની ચોતરફના વિસ્તારમાં પગ મુકવાની જગ્યા ન મળતી એ શહેર વર્તમાન રાજનીતિના ભોગે આજે એ હદે વેરાન બની ગયું કે કોઈને ત્યાં પગ મુકવો ગમતો નથી.
કહેવાય છે કે હાલ રાજનીતિ ગંદી છે, પરંતુ હકીકત તો એ છે કે રાજનીતિ ગંદી બનવા કેમ દીધી? કહી તો એમ શકાય કે રાજનીતિ ગંદી નહીં પરંતુ જરા વધારે પડતી ડાહી ડમરી થઈ ગઈ છે, ભાણવડના દરબાર ગઢમાં આવેલ ‘બેંક ઓફ ઇન્ડિયા’ સ્થળાંતર કરવા માંગે છે અને તેના આગામી સ્થળનું ટેન્ડર પણ બહાર પડી ગયું ત્યારે શહેરનો મહાજન વર્ગ સફાળો જાગી ગયો, પરંતુ ખુબ મોડો જાગેલો આ વર્ગ ત્યાં સુધી કેમ અજાણ રહ્યો જ્યારે શહેરની બહાર બેંકને લઈ જવાની પહેલી કાંકરી મંડાઈ હતી? આ પહેલી કાંકરી સુધી પહોંચવા આ લેખ વાંચવો રહ્યો.
બેંકને શહેર બહાર લઈ જવાના કારણને સુનિશ્ચિત કરવામાં આવ્યું ૨૦૧૯ ના JULY-AUGUST માં, જ્યારે ધોળે દાડે બપોરના ત્રણ કલાક સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, બેન્કની અંદર દદુડા પડી રહ્યા હતા, વીડિયો વાયરલ થઈ રહ્યા હતા અને ભાણવડથી દૂર એક પૂર્વ નેતા આ દ્રશ્યો મોબાઈલમાં નિહાળીને ખુદને દુઃખી અવસ્થામાં મુકી રહ્યા હતાં, પળનોય વિલંબ કર્યા વિના નેતાજીએ ફોન ઘુમાવ્યો અને ઈચ્છા વ્યક્ત કરી કે બેંકને સારા બિલ્ડીંગમાં ખસેડીએ તો કેમ ? ઈચ્છા આગળ વધે તે પહેલાં કોરોના નામના વાયરસે દસ્તક દેતાં, ઈચ્છા લુલી અને લાચાર બની સમસમી ગઈ, જોકે ઈચ્છા મૃત્યુ પામી ન હતી તેથી શહેરની બહાર એક આલીશાન બિલ્ડીંગના સ્વરૂપમાં ખુદને આકાર આપી રહી હતી. જોકે શહેરમાંથી અન્ય શહેરમાં સ્થાયી થયેલાં દિવ્ય દ્રષ્ટિ ધરાવતાં ભાણવડ વાસીઓને ઈચ્છાનો આકાર અને પ્રકાર બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતાં પરંતુ સૂઝબુઝ ધરાવતી અને ડાહી ડમરી રાજનીતિ પાસે તેનો ઈચ્છા પર્દાફાશ વ્યર્થ હતો. કારણ કે એ ઈચ્છા પાલિકા શાસકોમાં પ્રસારિત થઈ ચુકી હતી.
બેંક ઓફ ઇન્ડિયા હાલ જે બિલ્ડીંગમાં છે એ બિલ્ડીંગ ભાણવડ નગરપાલિકાનું બિલ્ડીંગ છે અને એને ક્ષતિગ્રસ્ત રાખવામાં પાલિકાના શાસકો મહદઅંશે જવાબદાર પણ છે. જેમ ઘોડા તબેલામાંથી વછૂટી જાય પછી તબેલાને તાળા વાસે, એમ હવે આ બેંક સ્થળાંતર ન કરે તેવી બધી જ કોશિશો બેકાર અને વ્યર્થ છે, અને જે રીતે તેની રજુઆતો થઈ રહી છે તે જોતાં તો એવું લાગી રહ્યું છે કે બેન્કનું સ્થળાંતર અટકાવવા કરતા તો છટકાવવામાં વધુ ધ્યાન લેવાઈ રહ્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button