
કાલે કાલે… હેલ્લો, હેલ્લો… ફોન કટ!! ચૂંટણી પુરી, બાકી નીકળતા પૈસાની તારીખો પુરી ન થઈ
વિધાનસભા ચૂંટણી પુરી થવાને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં, ઉમેદવારોના ચૂંટણી ચુકવણા પૂર્ણ ન થયા હોય તેમ ચૂંટણી સમયે જીતવાની આશામાં વચનોની લ્હાણી કરતા નેતાઓના કેટલાંક ચુકવણા હવામાં અધ્ધર તાલ છે, ચૂંટણી સમય દરમ્યાન કાર્યાલયો સંભાળતા લોકો આવા ચુકવણના સાક્ષી હોવા છતાં હવે ખો ખો ની રમત રમતા હોય તેમ એક બીજા માથે અને બીજો ત્રીજા માથે ફેકમફેક કરી રહ્યા છે,
આ અંગે ભોગ બનેલા લોકો તેનું નામ જાહેર ન કરવાની શરતે કહી રહ્યા છે કે ચૂંટણી પત્યા પછી ઉમેદવારો હારે કે જીતે પણ ચુકવણા ચુકવાતા નથી, પરિણામો બાદ કબૂલ કરેલા નેતાઓ ફોન ઉપાડતા નથી અને ભૂલથી ઉપાડી લે તો નવી તારીખો આપવામાં કોઈ જ કન્જુસાઈ કરતા નથી,
એવું નથી કે ચુકવણાઓ અર્બો ખરબો રૂપિયાના હોય છે, ચુકવણાઓ મામૂલી હોય છે જેમકે વાહનભાડા, મજૂરી કામ, પ્રિન્ટિંગ, બેનરો કે કોમ્પ્યુટર કામ કરી આપનાર લોકોના પૈસા ન ચુકવવામાં આવા નેતાઓની શી રાજનીતિ હશે એ તો એ જાણે પરંતુ જો ઉમેદવારો ઈમાનદાર હોય તો શું સંચાલકો ઈમાનદારી ચુકે છે? કે ઉમેદવારોની જાણ બહાર આવા પૈસા ન ચૂકવીને પોતાના ખિસ્સા ભરે છે?
વહેપાર ધંધામાં આવી ચૂક ગુડવીલની ગંભીર ચૂક ગણવામાં આવતી હોય છે જયારે રાજકારણમાં આવી કોઈ ગુડવીલ હોતી નથી એ સર્વવિદિત બાબત બનતી જાય છે. રાજકારણના જુના અનુભવીઓ જણાવે છે કે ઉમેદવારો સારા જ હોય છે પરંતુ સંચાલકો આવા પૈસા પોતાના વિકાસ માટે દબાવી લેતા હોય છે જેની અસરો લાંબેગાળે ખુબ ખરાબ પણ પડતી હોય છે.
એક મીડીયા કર્મીના ભાજપ અને કોંગ્રેસ પક્ષ બંને પાસેથી એડવાન્સ સિવાયની બીજી રકમ ની લહેણી રકમ હજુ ચૂકવાઈ નથી, જયારે માલેતુજાર મીડીયા પાસે આવા પક્ષોના વ્યવસ્થાપકો સામે ચાલીને કવરો પહોંચાડી આપતા હોય છે. જોકે આવા મીડીયા કર્મીઓને પોતાની ગુડવીલ જાળવી રાખવા આવા બાકી નીકળતા પૈસા જાતે વહન કરવા પડતા હોય છે.
કહેવાય છે કે વચનો જ નહીં વાયદાઓ આપવામાં હોશિયાર નેતાઓની ટીમમાં, નજીકનાં સહાયકો અને વ્યવસ્થાપકો પણ જબરા વાયદાબાજ હોય છે અને ચૂંટણી દરમ્યાન કે ચૂંટણી બાદના દરેક વહીવટોમાં તગડા કમિશનો ઓળવી જતા હોય છે અને જે કોઈ કમિશન આપવા હામી ભણતા નથી એના આખે આખા બીલો ઓળવી જવામાં આવે છે. અને એટલે જ તેઓ ફોન ઉપાડે નહીં અને ઉપાડે તો બીજો વાયદો કરીને ફોન કટ કરી નાખતા હોય છે.
વાત કરીએ ખંભાળિયા વિધાનસભા સીટના મધ્યસ્થ કાર્યાલયોના ચુકવણાઓની તો ખાસ કરીને ભાણવડના ભાજપ કોંગ્રેસના વ્યવસ્થાપકો એક બીજા માથે અને બીજો ત્રીજા માથે, ની ખો ખો રમત રમી રહ્યા છે, જયારે આમ આદમી પાર્ટીએ તમામ ચુકવણાઓ મતદાન પૂર્ણ થયાના રાત્રી સુધીમાં જ ચૂકવી આપ્યાનું જાણવા મળે છે. જો કે જાણવા તો એમ પણ મળે છે કે સૌથી ઓછો ખર્ચ આપે કર્યો છે અને જેટલો કર્યો છે તેમાં પાર્ટીની કે ઉમેદવારની ગુડવીલ જરાય ખરાબ ન થાય તેની કાળજી લેવામાં આવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button