જમ્મુ-કાશ્મીરના ક્રિકેટિંગ કિંગ્સનો ઇન્ટરવ્યૂ, ઓક્શનમાં સોલ્ડનું ટેગ મેળવવા હોટ ફેવરિટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ખાલી ભારત જ નહીં પરંતુ વર્લ્ડ ક્રિકેટનું ફેસ બદલી નાખ્યું છે. ક્રિકેટની રમત ફાઇનાન્સિયલીની સાથે સ્કિલસેટ વાઇસ પણ ખરા અર્થમાં રિચ થઈ છે. આ એ સ્ટેજ છે, જ્યા એક તક મળવાથી ક્રિકેટરોની લાઈફ રાતોરાત બદલાઈ જાય છે, તેમને ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે સ્પેસ શેર કરીને ઘણું બધું શીખવા અને જાણવા મળે છે. આવતીકાલે IPL 2023ની સીઝનનું ઓક્શન કોચી ખાતે છે. આ વખતના મીની ઓક્શનમાં ખાસ આકર્ષણ જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓનું છે, કારણકે આ વખતે જમ્મુ કાશ્મીરના સૌથી વધુ 21 ખેલાડીઓ ઓક્શન માટે શોર્ટલિસ્ટ થયા છે!
ત્યારે ગુજરાતી જાગરણે આ 21 ખેલાડીઓમાંથી એવા 2 પ્લેયર્સ સાથે ખાસ વાતચીત કરી છે, જેઓ ઓક્શન ટેબલ પર સોલ્ડનું ટેગ મેળવવા માટે હોટ ફેવરિટ છે. એક છે જમ્મુનો 27 વર્ષીય શુભમ ખજુરિયા, જે ઓપનિંગમાં ટીમને તાબડતોડ શરૂઆત અપાવવા માટે જાણીતો છે. તો બીજો છે કાશ્મીરનો 27 વર્ષીય ફાસ્ટ બોલર આકીબ નાબી, જે જરુર પડે તો બેટ વડે મોટા શોટ્સ રમવા પણ સક્ષમ છે. તેમણે આ વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીર ક્રિકેટમાં આવેલા બદલાવ સહિત અનેક ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ પર વાતો કરી છે.
ક્રિકેટ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ?
શુભમ ખજુરિયા: હું 10 વર્ષનો હતો ત્યારથી મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. મારા પપ્પા બહુ ઇન્ટરસ્ટેડ હતા, મને ક્રિકેટ રમાડવામાં, પોતાના જમાનામાં તેઓ પોતે રમવા માગતા હતા, પરંતુ તેવું થઈ શક્યું નહોતું. મેં તો એક હોબીની જેમ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ દર વર્ષે રમતમાં ઓટોમેટિક સુધારો થતો ગયો, 15 વર્ષની વયે રણજી ડેબ્યુ કરી લીધું હતું. બસ, ત્યારથી ક્રિકેટને સિરિયસલી એક પ્રોફેશન તરીકે લઈ લીધું.
આકીબ નાબી: જે રીતે બધા પોતાના મિત્રો સાથે ગલીમાં રમવાનું શરૂ કરે છે, મેં પણ એમ જ કર્યું હતું. નાની ઉંમર જ ક્રિકેટ મારુ પેશન થઈ ગયું. વિચાર્યું કે આમાં કંઈક મોટું કરવું છે અને ગલીથી સ્ટેટ ક્રિકેટ સુધી પહોંચવાની જર્ની સારી રહી છે. પોતાના રાજ્ય માટે રમી રહ્યો છું એટલે ખુશ છું, દરરોજ ગેમ ઈમ્પ્રુવ કરીને નેક્સ્ટ લેવલ પહોંચવું છે.

આ જર્ની દરમિયાન કેટલા પડકારો રહ્યા છે?
શુભમ: હું છેલ્લા 12 વર્ષથી રણજી ટ્રોફી રમી રહ્યો છું, આ જર્ની પર એક નજર કરું તો શરૂઆતમાં બહુ ચેલેન્જીસ હતા. એ વખતે અમારો વિનિંગ પર્સેન્ટેજ બહુ ઓછો હતો. ઓછી મેચો જીતતા હતા એટલે જ અમારા ઓછા પ્લેયર્સ ઉપરના લેવલે રમતા હતા. 2014માં અમે 10-12 વર્ષ બાદ રણજી ટ્રોફી માટે ક્વોલિફાય કર્યું હતું, ત્યારે પરવેઝ રસુલ ઇન્ડિયા માટે રમ્યા હતા. એ જ વર્ષે હું ઇન્ડિયા અંડર-19 રમ્યો હતો. ત્યારે અમારા બધા બોયઝનું માઈન્ડસેટ ચેન્જ થયું કે ઇન્ડિયા માટે પણ રમી શકીએ છીએ. છેલ્લા 4 વર્ષમાં અમારો વિનિંગ પર્સેન્ટેજ પણ ઉપર ગયો છે. અબ્દુલ સમદ IPL રમ્યો એ સીઝનથી જ આ બદલાવ થયો છે. સિમ્પલ વસ્તુ છે, ટીમ જીતશે તો પ્લેયર્સને આગળ તક મળશે. નહિતર નહીં મળે.
આકિબ: શુભમે ઓલરેડી બધું કહી જ દીધું છે. પરવેઝ ભાઈનું નામ ઇન્ડિયા અને IPLમાં આવ્યું ત્યારે જમ્મુ-કાશ્મીરમાં બધા યંગસ્ટર્સ મોટિવેટ થઈ ગયા. વધુ મહેનત કરવા લાગ્યા. એ પછી અબ્દુલ સમદ અને ઉમરાન મલિક પણ ઉપર ગયા તો વધુ આત્મવિશ્વાસ આવ્યો કે આમને તક મળી તો અમને પણ તક મળી શકે છે.
વ્યક્તિગત રીતે એક મેચ અથવા એક ટૂર્નામેન્ટ બાદ પોતાની રમતનું સ્તર કેવી રીતે ચેક કરો છો?
શુભમ: હું તમને સાચેસાચું કહું તો આજથી થોડા વર્ષો પહેલાં હું રમતો હતો ત્યારે અમારું એક ટીમ તરીકે પરફોર્મન્સ સારું નહોતું રહેતું. તો મારો મેન ફોકસ માત્ર મારા પોતાના પ્રદર્શન પર રહેતો હતો. 4 વર્ષ પહેલાં જ્યારે ઈરફાન પઠાણ એક કોચ-એક મેન્ટર તરીકે આવ્યા હતા, ત્યારે તેમણે એક વાત કહી હતી કે, ‘જો ટીમ નહીં જીતે તો એ રનની કોઈ કિંમત નથી.’ મારું માઈન્ડસેટ એ ટાઈમથી બદલાઈ ગયું છે. હવે હું બેટિંગ કરવા જઉં તો એક જ વસ્તુ વિચારૂ છું કે અહીંથી ટીમને કેવી રીતે ફાયદો કરાવી શકું, જો મારા રનથી ટીમ ન જીતે તો એ રનનો કોઈ મતલબ નથી. અત્યારે બધા અમારી ટીમની એટલે વાત કરી રહ્યા છે કારણકે અમે ક્વાર્ટરફાઇનલ રમ્યા, જો અમે ક્વાર્ટરફાઇનલ ન રમ્યા હોત તો કોઈ અમારી વાત ન કરી રહ્યું હોત. બસ મંત્ર એક જ છે કે, ટીમ જીતવી જોઈએ અને હું ટીમ માટે વધુ સારી રીતે યોગદાન કઈ રીતે આપી શકું.
આકીબ: એ જ મહત્ત્વનું છે કે, ટીમનું પરફોર્મન્સ કેવી રીતે ઉપર આવે. વ્યક્તિ કરતા ટીમ મોટી છે. હા, વ્યક્તિગત પરફોર્મન્સની પણ દિવસના અંતે વાત થશે. જો કે, જો હું અથવા કોઈપણ પ્લેયર્સ ખાલી પોતાનું વિચારશે તો ટીમ ક્યાંથી આગળ આવશે?

તમે બંને ઘણી જગ્યાએ IPL માટે ટ્રાયલ્સ આપીને આવ્યા છો, એ અનુભવ વિશે જણાવો
આકીબ: હું લખનઉ સુપરજાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સના ટ્રાયલ્સ માટે ગયો હતો. ઘણો સારો એક્સપિરિયન્સ હતો કારણકે ત્યાં ઘણા દિગ્ગજ કોચીસ હતા, જેમ કે કુમાર સંગાકારા, આશિષ નહેરા અને અન્ય. તેમણે મારું ટેલેન્ટ જોયું અને થમ્બ્સ અપ પણ કર્યું, આશા એ જ છે કે, ઓક્શન વખતે કોઈ પીક કરી લે.
શુભમ: મને ટ્રાયલ્સ માટે 7 જગ્યાએથી કોલ આવ્યો હતો. હું મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્રાયલ્સ માટે નહોતો ગયો. બાકીની 7માંથી મેં 5 જગ્યાએ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. લખનઉ સુપરજાયન્ટ્સના ટ્રાયલ્સ વખતે સાઈડ સ્ટ્રેન થયો હોવાથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ટ્રાયલ્સ માટે નહોતો જઈ શક્યો. ટ્રાયલ્સ સારા જ ગયા છે. વ્હાઇટ બોલમાં છેલ્લી 3-4 સીઝનથી રન બનાવી રહ્યો છુ. હું બસ એ જ હોપ કરું છું કે, આ વખતે કોઈ ટીમમાં સિલેક્ટ થઈ જાઉં.
કોઈપણ કહાની ફેમિલી વગર અધૂરી હોય છે, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જણાવો
શુભમ: હું મારા મમ્મી-પપ્પા જોડે જ રહું છું, મારા હમણાં 6 મહિના પહેલાં જ લગ્ન થયા છે. ક્રિકેટ એક એવી જર્ની છે, જેમાં બહુ અપ્સ અને ડાઉન્સ હોય છે, અપ્સ ઓછા અને ડાઉન્સ વધારે. પેરેન્ટ્સનો પહેલેથી બહુ સપોર્ટ રહ્યો છે. મને આ સફરમાં ઇજા પણ બહુ થઈ છે. 2014માં અંડર-19 રમતી વખતે શોલ્ડર સર્જરી થઈ હતી. ત્યારે 1-2 વર્ષ સંઘર્ષ કરવો પડ્યો હતો. સારું રમતો હોવ કે ખરાબ ફેમિલી હંમેશા સાથ રહી છે. પપ્પા પહેલીથી જોડે જ રહ્યા છે. મારા પપ્પા સ્કૂલમાં ટીચર છે, જ્યારે મમ્મી હાઉસવાઈફ છે તો વાઈફ CA છે.
આકીબ: મારી ફેમિલીમાં મમ્મી-પપ્પા, ભાઈ-બહેન અને દાદી છે. મને પહેલેથી ફેમિલીનો સપોર્ટ નહોતો. મેં સ્ટેટ રમવાનું શરૂ કર્યું એ પછી સપોર્ટ આવાનું શરૂ થઈ ગયુ. ત્યારથી ફેમિલી બહુ સપોર્ટિવ રહી છે. હવે ટીમનો ભાગ હોઉં કે ના હોઉં, એમનો સાથ રહ્યો છે. મારા પપ્પા પણ સ્કૂલ ટીચર છે, મમ્મી હાઉસવાઈફ છે, જયારે સિબલિંગ્સ ભણી રહ્યા છે.

પોતાની ફેવરિટ ક્રિકેટ પ્લેઈંગ વિશે વાત વાત કરશો
શુભમ: મારા માટે 2014માં મુંબઈ સામે મુંબઈમાં રણજી ટ્રોફી જીત્યા હતા એ યાદગાર મેચ રહી છે. મેં ફર્સ્ટ ઇનિંગ્સમાં 100 અને બીજી ઇનિંગ્સમાં 80 રન બનાવ્યા હતા. એ પછી પણ ઘણી મેચોમાં રન બનાવ્યા છે અને ટીમ જીતી છે પણ એ મેચ મારા દિલની બહુ નજીક છે.
આકીબ: મેં 2019-20ની સીઝનમાં રણજી ડેબ્યુ કરતી વખતે મેં ઝારખંડ સામે 5 વિકેટ લીધી હતી. અમે જીત્યા પણ હતા અને ડેબ્યુમાં 5 વિકેટ ઝડપવી બહુ જ સ્પેશિયલ હતી મારા માટે.
તમારા બંનેમાંથી કોઈ સુપરસ્ટિસયસ છે?
શુભમ: હું તો છું. હું આખી ટૂર્નામેન્ટમાં એક જ કપડાંની જોડી પહેરું છું. 4 દિવસની મેચ હોય તો ચારેય દિવસ એક જ કપડાં પહેરું છું, બેકઅપ ક્લોથઝનો ઉપયોગ નથી કરતો. રમવાનું શરૂ કર્યું ત્યારથી આવું જ છે, કોઈ પર્ટિક્યુલર રિઝન નથી, ચાલતું આવ્યું છે તો હવે ચલાવી જ રહ્યો છું, આ ક્રમ તૂટવા નથી દીધો.
આકીબ: હું સુપરસ્ટિસયસ નથી.
અંતમાં એ કહો કે ઓક્શન જોવાનું કેવી રીતે પ્લાન કરો છો?
બંનેએ એક સ્વરમાં કહ્યું કે, મેચ ચાલુ હશે તો મેચ પછી જાણીશું, નહિતર લાઈવ ફોલો કરીશું, ઘરે બધા એક્સાઈટેડ છે. લેટ્સ સી શું થાય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button