સુરતમાં ત્રણ ચીકલીગર ઈસમો ઝડપાયા, બંધ ઘરને બનાવતા હતા નિશાન
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ ચીકલીગર ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ચોરી કરવાના સાધનો મળી કુલ 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમીના આધારે પાંડેસરા વડોદ ચાર રસ્તા પાસેથી ઉધના પ્રભુનગર પાસે રહેતા સતુંસિંગ કાળુસિંગ ભાદા, આયાસિંગ ઉર્ફે છોટુસિંગ સંગતસિંગ ભાદા અને નિર્મળસિગ ઈમરત સિંગ ભાદાને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા ઇસમો પાસેથી ચાંદીની બે જોડ પાયલ, 1 જોડ ચાંદીના કડલા, ઘરફોડ ચોરી કરવાના પેચ્યા પાના તથા ઉધના વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરવા માટે ચોરી કરેલી બાઈક મળી કુલ 50,110નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગત 4 ડીસેમ્બર 2022ના રોજ રાત્રીના સમયે ભેગા થઇ ઘરફોડ ચોરી કર્યા બાદ પકડાઈ ન જાય તે માટે ઉધના બીઆરસી ગેટ સામે ગુરુદ્વારાની ચાલમાંથી એક મોટર સાયકલની ચોરી કર હતી. તે બાઈક પર ઉધના ઓમશ્રી સાઈ જલારામ સોસાયટીમાં આવેલા બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં તિજોરીનો લોક તોડી ઘરેણાની ચોરી કરી હતી. આરોપીની કબુલાતના પગલે ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
વધુમાં ઝડપાયેલા આરોપી આરોપી સતુંસિંગ કાળુસિંગ ભાદા સામે ભૂતકાળમાં ગીર સોમનાથના ઉના પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, તેમજ ઇકો ચોરી, આ ઉપરાંત ઉધના પોલીસ મથકમાં બે અને પાંડેસરા પોલીસ મઠકમાં 1 ગુનો નોંધાયો હતો. જ્યારે અન્ય આરોપી આયાસિંગ ઉર્ફે છોટુસિંગ સંગતસિંગ ભાદા સામે પણ ગીર સોમનાથના ઉના પોલીસ મથકમાં ઘરફોડ ચોરી, તેમજ ઇકો ચોરી, આ ઉપરાંત નવસારી વિજલપોર પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો નોધાયો હતો. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button