સેન્ચુરી મિસ કરવા પર સામે આવ્યું ચેતેશ્વર પૂજારાનું રિએક્શન
ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ બાંગ્લાદેશ સામેની ચટ્ટોગ્રામના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 90 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ 48 રનમાં 3 અને 112 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, પૂજારાએ એક છેડો સાચવીને ટીમને મુસીબતમાંથી બહાર કાઢી હતી.
પૂજારાએ પોતાની ઇનિંગ્સ દરમિયાન 203 બોલમાં 11 ફોરની મદદથી 90 રન કર્યા હતા. તેણે અને શ્રેયસ ઐયરે પાંચમી વિકેટ માટે 149 રનની ભાગીદારી કરી હતી. ઇનિંગ્સ બાદ પૂજારાએ મીડિયા સાથે પોતાની ઇનિંગ્સ અંગે વાત કરી હતી.
ક્યારેક આપણે માત્ર ટ્રિપલ ડિજિટ પર ધ્યાન આપીએ છીએ
34 વર્ષીય પૂજારાએ કહ્યું કે, આ વિકેટ બેટિંગ કરવા માટે સરળ નહોતી. તેથી હું પોતાના પ્રદર્શનથી ખુશ છું. મારી ઇનિંગ્સથી ટીમને ફાયદો થયો છે. હું જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, તે પિચને અનુકૂળ હતી. ક્યારેક આપણે માત્ર ટ્રિપલ ડિજિટ પર ધ્યાન આપીએ છીએ. જો કે, એનાથી વધુ મહત્ત્વનું એ છે કે, રમત રમતી વખતે તમે ટીમને મેચ વિનિંગ પોઝિશનમાં મૂકી છો કે નહીં.
90 રન પણ ટીમ માટે એટલા જ મહત્ત્વના છે
પૂજારાએ વધુમાં કહ્યું કે, દરેક બેટર ટ્રિપલ ડિજિટ સુધી પહોંચવા માગે છે. જો કે, મેં કરેલા 90 રનનું પણ એવું જ મહત્ત્વ છે. તે ટીમ માટે જરૂરી હતા. ખાલી 10 રન વધુ ઉમેરવાની વાત નથી. હું જે બોલે આઉટ થયો તેમાં હું વધુ કઈ કરી શકું એમ નહોતો.
નોંધનીય છે કે, તૈજુલ ઇસ્લામની બોલિંગમાં બોલ લેટ ટર્ન થયો હતો, અને પૂજારાના ડિફેન્સને પાર કરીને ઓફ-સ્ટમ્પને અડ્યો હતો. આ બોલ માટે પૂજારાએ ઓફ-સ્પિનરના વખાણ કર્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button