લઘુ બચત યોજનાઓ પર વેરાના લાભોથી બેન્કો માટે થાપણ આકર્ષવાનું મુશ્કેલ
મ્યુચ્યુઅલ ફન્ડસ તથા વીમા કંપનીઓમાં રોકાણકારોને જે રીતે વેરામાં રાહત પૂરી પાડવામાં આવે છે, તેવી રાહત બેન્કોના ગ્રાહકોને અપાતી નહીં હોવાથી બેન્કોને તેનો ગેરલાભ થઈ રહ્યો હોવાનો દાવો કરી દેશના બેન્કરોએ રૂપિયા પાંચ લાખ સુધીની બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટને સંપૂર્ણ વેરા મુકત રાખવા માગણી કરી છે.
ભંડોળ મેળવવામાં બેન્કોને વેપારનું સમાન સ્તર પૂરું પાડવું જોઈએ એમ બજેટ પૂર્વેની નાણાં મંત્રાલય સાથેની બેઠકમાં બેન્કરો દ્વારા રજુઆત કરાઈ હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
લઘુ બચત યોજનાઓ તથા વીમા પ્રોડકટસ સાથે પોતાની નાના કદની ડિપોઝિટસ સ્પર્ધા કરી શકે તેમ બેન્કરો ઈચ્છી રહ્યા છે, એમ બેન્કરો વતિ ઈન્ડિયન બેન્કસ એસોસિએશને (આઈબીએ) કરેલી રજુઆતમાં જણાવ્યું હતું.
હાલમાં બેન્કોમાં ધિરાણ વૃદ્ધિ જે ઝડપે થઈ રહી છે તેટલી ઝડપથી થાપણ વૃદ્ધિ જોવા મળતી નથી.
લઘુ બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફન્ડસ તથા વીમા પ્રોડકટસ જે તેમના નાના ગ્રાહકોને વેરા મુકત બચતના લાભો પૂરા પાડી શકે છે, તેવા લાભ બેન્કો પૂરા પાડી શકતી નહીં હોવાથી નાના ગ્રાહકોને આકર્ષવાનું બેન્કો માટે કઠીન બની રહ્યું છે, અને માટે નાણાં મંત્રાલય સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનું આઈબીએના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
બેન્કિંગ ક્ષેત્રમાં રૂપિયા પાંચ લાખ સુધીની નાના કદની ફિક્સ્ડ ડિપોઝિટસ આકર્ષક બને તેવી નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં જોગવાઈ કરવામાં આવે એમ બેન્કરો ઈચ્છી રહ્યા છે.
રૂપિયા પાંચ લાખ સુધીની એફડી પર પ્રાપ્ત થતાં વ્યાજને વેરા મુકત કરવા સરકારને સૂચન કરાયું છે. વર્તમાન વર્ષના નવેમ્બરના અંતે ધિરાણ વૃદ્ધિ અને થાપણ વૃદ્ધિ વચ્ચેનું અંતર ૯ ટકા જેટલું રહ્યું હતું. ધિરાણમાં ૧૭ ટકા વૃદ્ધિ રહી હતી જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૮.૨૦ ટકા રહ્યો હતો.
થાપણમાં મંદ વૃદ્ધિને પરિણામે બેન્કો લિક્વિડિટીની ખેંચ અનુભવી રહી છે, માટે થાપણ આકર્ષવા તેના પરના વ્યાજ દરમાં વધારો કરવાનું પણ દબાણ આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં થાપણથી ધિરાણનું પ્રમાણ પાંચ ટકા જેટલું વધી ૭૪.૪૦ સુધી આવી ગયું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button