સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 27 પર પડી શકે છે પંજો, 2 સીટ પર ફરી શકે છે ઝાડુ: AB2

ગુજરાત વિધાનસભાનું બન્ને તબક્કાનું મતદાન થઈ ગયું છે. આ વખતે મતદાનમાં થયેલા ઘટાડાથી રાજકીય પક્ષો ગોથે ચડ્યા છે. નિષ્ણાતો પણ અભિપ્રાય આપતા પહેલા દરેક મુદ્દો તોળી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 સીટમાંથી Congress 2017 જેટલી સીટ જાળવી શકે છે. તો બીજી તરફ ભાજપને નુકસાન થઈ રહ્યું છે, જેની પાછળ આમ આદમી પાર્ટીનું ફેક્ટર ભૂમિકા ભજવી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા અને અમરેલીનો સમાવેશ થાય છે. આ ઝોનની 54 સીટમાંથી ભાજપ 23 તો કોંગ્રેસને 27 સીટ મળવાની સંભાવના છે. જ્યારે આમ આદમી પાર્ટી 2 અને અન્યને ફાળે એક સીટ આવી શકે છે.

રાજકોટ જિલ્લો
રાજકોટ પૂર્વ: બેઠકમાં પાટીદાર નારાજ હતા, કેમ કે મંત્રી રહેલા રૈયાણીની ટિકિટ કાપી ઉદય કાનગડને ટિકિટ આપી હતી, એટલે આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો. માત્ર એટલું જ નહીં, આ સીટ પર કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ કમિટેડ વોટબેંક પણ ધરાવે છે. આ સીટ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કાનગડને બરાબરની ટક્કર આપી છે. આ સીટ ભાજપને મળવાની શક્યતા ધુંધળી છે. આમ રાજ્યગુરુની જીતની શક્યતા છે.

રાજકોટ પશ્ચિમ: ઓછું મતદાન જોવા મળ્યું હતું. 2017માં 67 ટકા મતદાન સામે આ વખતે માત્ર 57 ટકા મતદાન થયું છે. જે ભાજપ માટે નુકસાનકારક છે. આ બેઠક ભાજપનો ગઢ છે. આ સીટ પરથી જ મોદી જીતીને પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યા હતા. ત્યાર બાદ રુપાણી પણ આ સીટ પરથી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા. આ વખતે ભાજપે ડો.દર્શિતા શાહને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જો કે આ સીટ ભાજપ જીતી તો જશે, પરંતુ ગઈ ચૂંટણીમાં રુપાણીને મળીને 51000ની લીડ ભૂલી જવાની રહેશે.

રાજકોટ દક્ષિણ: બેઠકમાં ગોવિંદ પટેલનો દબદબો હતો. જેમાં ખોડલધામના ટ્રસ્ટી રહેલા રમેશ ટીલાળાને ટિકિટ મળતા છેડેચોક નારાજગી જોવા મળી હતી. મતદાનના દિવસે કાર્યકરોમાં જ કોઈ ઉત્સાહ નહોતો અને નિષ્ક્રિય રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. આ સીટ પર ત્રણેય પક્ષે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે. માત્ર એટલું જ નહીં, આ ત્રણેય ઉમેદવાર ખોડલધામ કનેક્શન ધરાવે છે. આ સીટ પર ભાજપ પાતળી સરસાઈથી જીતી શકે છે.

રાજકોટ ગ્રામ્ય: પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરિયાના પુત્ર વધુ ભાનુબેન બાબરિયા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આ પહેલા પણ આ સીટ પરથી જીતી ચૂક્યા છે. પરંતુ આ વખતે તેની સામે કોંગ્રેસના સુરેશ બથવાર કરતા આપના ઉમેદવાર વશરામ સાગઠિયા મજબૂત ટક્કર આપી રહ્યા છે. વશરામ સાગઠીયા કોની વોટબેંક તોડે છે તેના પર હાર-જીતનો આધાર છે. જો કે ભાનુબેન પાતળી સરસાઈ સીટ બચાવી લેશે એવી આંતરિક ચર્ચા ચાલી રહી છે.

ધોરાજી: અહીં કડવા અને લેઉવા પાટીદારોનું વર્ચસ્વ છે અને અહીં નરેન્દ્ર મોદીએ અહીં પણ સભા ગજવી હતી. પરંતુ સભા પ્રમાણે લોકોએ મતદાનમાં નિરસતા દેખાડતા 57.19 ટકા મતદાન નોંધાયું છે. જે 2017 કરતા થોડું ઓછું છે. આથી ભાજપને મુશ્કેલી પડશે. તેમજ ભાજપના મહેન્દ્ર પાડલિયા કરતા લલિત વસોયા સીધો લોક સંપર્ક ધરાવે છે. આ સીટની હાર-જીત મુસ્લિમોના મતદાનના આધારે નક્કી થાય છે અને તેઓ કોંગ્રેસના પરંપરાગત મતદારો રહ્યા છે. જેથી આ સીટ લલિત વસોયા જીતી શકે છે.

જસદણ: બેઠકની વાત કરીએ તો અહીં ગૃહમંત્રી અમિત શાહે સભા ગજવી હતી. કોળી સમાજનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર ભાજપે કુંવરજી બાવળિયાને ઉતાર્યા તો સામે કોંગ્રેસે પણ કોળી સમાજમાંથી ભોળાભાઈ ગોહિલને ઉતાર્યા છે. અહીં કોળી મતો બે ભાગલા પડ્યા છે. બીજી તરફ આ પંથકમાં પાટીદારો પણ નારાજ હોવાથી ભાજપથી વિમુખ થયા છે. આ સીટ કુંવરજી માટે જોખમી સાબિત થઈ રહી છે. જો કે પાતળી સરસાઈ બાવળિયા સીટ બચાવી ન શકે એવી સંભાવના છે.

ગોંડલ: જગજાહેર છે કે, બે ક્ષત્રિય આગેવાન વચ્ચેની લડાઈ ભાજપને મોંઘી પડી શકે છે. રીબડા પંથકનું મતદાન આ બેઠક પર સૌથી વધુ અસર કરશે, કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં રીબડા પંથકની લીડને કારણે જ ભાજપ જીત્યો હતો. પરંતુ આ વખતે મતદાન પણ ઘટ્યું છે, આથી પરિસ્થિતિ વિપરીત આવી શકે છે. આ સીટ પરથી ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પત્ની ગીતાબા લડી રહ્યા છે. ભાજપે જયરાજસિંહના પરિવારમાં ટિકિટ આપતા અનિરુદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહને હરાવવા બાંયો ચડાવી હતી. તેમજ રિબડા પંથકમાં કોંગ્રેસમાં મતદાન કરાવવા આખો દીવસ ગાડીઓ દોડાવી હતી. અહીં કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈ છે. પરંતુ કોંગ્રેસનો ગજ વાગતો નથી. જો કે અનિરુદ્ધસિંહે કોંગ્રેસને સાથ આપતા ગીતાબા જાડેજાની લીડ કપાઈ શકે છે.

જેતપુર: સીટ પર ભાજપે રૂપાણી સરકારમાં મંત્રી રહેલા જયેશ રાદડિયાને અને કોંગ્રેસે નવોદીત એવા દીપક વેકરિયાને જ્યારે આમ આદમી પાર્ટીએ રાહુલ ભુવાને ટિકિટ આપી છે. ત્રણેય લેઉવા પાટીદાર ઉમેદવાર વચ્ચેના આ જંગમાં રાદડિયાનું પ્રભુત્વ વધારે છે. તેઓ જેતપુર, જામકંડોરણા અને વીરપુરમાં મજબૂત વોટબેંક ધરાવે છે. આ ઉપરાંત ગ્રામ્યમાં પણ તેમનું વર્ચસ્વ છે. તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાની ખેડૂત નેતા તરીકેની છબિ જયેશ રાદડિયાએ પણ અકબંધ રાખી છે. ખેડૂતોના પ્રશ્નો હંમેશા ઉકેલતા રહ્યા છે. માત્ર એટલું જ નહીં, કોરોનાકાળમાં પણ સતત ખડે પગે રહ્યા હતા. જેથી આ સીટ પર રાદડિયાની જીત નિશ્ચિત છે.

અમરેલી જિલ્લો
અમરેલી: વિધાન સભા બેઠક પાટીદારોનો ગઢ છે. આ વખતે અહીં ત્રણેય પક્ષના ઉમેદવાર પાટીદાર ચહેરા છે. કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણી, ભાજપના કૌશીક વેકરીયા, આપ પાર્ટીના ઉમેદવાર રવિ ધાનાણી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હતી. જ્યારે હાલ 2022ની ચૂંટણીમાં અનામત આંદોલની કોઈ અસર નથી. કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય પરેશ ધાનાણીને પહેલી વાર ભાજપના યુવા ચહેરાએ પડકાર ફેંક્યો છે. હાલ જિલ્લા ભાજપ પ્રમુખ પદે રહેલા કૌશિક વેકરિયા અમરેલીના દેવરાજીયા ગામના વતની છે. તેઓ નાનામાં નાના કાર્યકર સાથે જોડાયેલા રહે છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધાનાણી જેવી જ કૌશિક વેરકીયાની પક્કડ છે. એટલે આ વખતે બંને વચ્ચે જબરદરસ્ત રસાક્સી જોવા મળી રહી છે. જ્યારે આપના ઉમેદવાર રવિ ધાનાણી પહેલા કોગ્રેસમાં હતા, જેથી તેઓ ચૂંટણીમાં કોંગ્રેસને થોડુંક નુકસાન કરી શકે છે. અહીં હિન્દુત્વનો મુદ્દો પણ સૌથી વધારે ચાલ્યો હોવાની વાત સામે આવી છે. મોટાભાગના લોકોના કહેવા મુજબ પરેશ ધાનાણી સામે ભાજપના કૌશિક વેકરિયા ખૂબ ઓછા માર્જિનથી આગળ નીકળી જશે.

સાવરકુંડલા-લીલીયા: વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત સામે ભાજપના ઉમેદવાર મહેશ કસવાળા છે. અહીં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાય છે. ભાજપનો આંતરિક જૂથવાદ ચરમ સીમા પર છે. ટિકિટ જાહેર થયા બાદ પણ મહેશ કસવાળાનો વિરોધ થયો હતો. કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની ફરજ પડી હતી. મતદાનના અંતિમ દિવસોમાં ભાજપે અહીં એટીચોટીનું જોર લગાવી જીતવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બેઠક ઉપર ભાજપની જીત મુશ્કેલ છે. પ્રતાપ દુધાતની ખેડૂતોમા લોકપ્રિયતાના કારણે અહીં હાલના વાતાવરણ પ્રમાણે કોંગ્રેસ હારી જશે તેવું હજુ કોઈ ખુલ્લીને બોલી શકતું નથી. જેથી કોંગ્રેસ આગળ નીકળી શકે છે.

ધારી-બગસરા: વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા, આમ આદમી પાર્ટીના કાંતિ સતાસીયા, કોંગ્રેસ ડો.કીર્તિ બોરીસાગર અને અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળા એમ ચોપાંખિયો જંગ ખેલાયો હતો. ચાર નામાંકિત ઉમેદવાર છતાં ધારી બેઠક પર માત્ર 52.83% મતદાન થયું હતું. ભાજપના કાકડિયા અને અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળા ચલાલના રહેવાસી છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.કીર્તિ બોરીસાગર ખાંભા શહેરના રહેવાસી છે. જ્યારે આપના કાંતિ સતાસીયા બગસરા તાલુકાના રહેવાસી છે. ચાર ઉમેદવારોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાઈ થાય તેવી શક્યતા છે. ભાજપને અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર વાળા નુકસાન કરી રહ્યા છે, કેમ કે અહીં કાઠી ક્ષત્રીય સમાજ નિર્ણાયક ભૂમિકામાં હોય છે. અગાઉ કાઠી ક્ષત્રીય સમાજ મોટાભાગે ભાજપ સાથે જોડાયેલો હતો. આ વખતે પોતાની જ્ઞાતિના ઉમેદવારને ચૂંટી લાવવા માટે એક કેમ્પઈન શરૂ થયું હતું જે ભાજપને નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી થોડા માર્જીનથી જીત મેળવી જાય તો નવાઈ નહીં.

લાઠી-બાબરા: વિધાનસભા વિસ્તારમાં પાટીદારોનું વર્ચસ્વ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયના ઉમેદવાર પાટીદાર ચહેરા છે. કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય વિરજી ઠુંમર સામે ભાજપના ઉમેદવાર જનક તળાવયા ચૂંટણી લડ્યા હતા. વિરજી ઠુમર કોંગ્રેસના સીનયર નેતા છે અને સાંસદ તરીકે પણ રહી ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમા તેમની સારી એવી પક્કડ છે. ભાજપના ઉમેદવાર જનક તળાવયા ઉધોગપતિ છે, 2017મા કોંગ્રેસની ટિકિટ નહિ મળવાના કારણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસ પક્ષમાંથી લાઠી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર જનક તળાવયાની યુવાનોમાં સારી પક્કડ છે, તેમ છતા ખેડૂતોના બળે કોંગ્રેસના વિરજી ઠુંમ્મર ઓછા માર્જિનથી આગળ નીકળી શકે છે.

રાજુલા-જાફરાબાદ: વિધાનસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. અહીં કોણ કોને નુકસાન કરી શકે તે કહેવું મુશ્કેલ બન્યું છે. અહીં ચાર મજબૂત ઉમેદવારો વચ્ચે ચોપાંખિયો જંગ જામ્યો હતો. ભાજપના ઉમેદવાર કોળી સમાજના હીરા સોલંકી, કોંગ્રેસના ઉમેદવાર આહીર સમાજમાંથી અંબરીષ ડેર, આપમાંથી પાંચાળી આહીર સમાજના ભરત બલદાણીયા અને અપક્ષ ઉમેદવાર જાફરાબાદ કોળી સમાજ અગ્રણી કરણ બારૈયા ચૂંટણી લડી રહ્યા છે. સીધો મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્ચે છે. પણ આ વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર ભાજપને નુકસાન કરી શકે છે તો આપ પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી શકે છે. અહીં કોળી સમાજ પછી બીજા નંબરે પાંચાળી આહીર સમાજનું પણ વર્ચસ્વ છે. કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય અંબરીષ ડેર યુવા ચેહરો છે અને તેમની રાજુલા વિસ્તારમાં લોકપ્રિયતા પણ છે. તેની સામે ભાજપના ઉમેદવાર હીરા સોલંકી સિનિયર નેતા છે અને 20 વર્ષથી પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તેમજ કોળીકિંગ તરીકે ઓળખાતા પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. બંને વચ્ચે બરાબરની ફાઈટ થઈ શકે છે. જેના કારણે અહીં કોની જીત થશે તે કહેવું મુશ્કેલ લાગે છે. રસાકસીભર્યા જંગમાં સાવ નજીવા માર્જિનથી હીરા સોલંકી આગળ નીકળી જાય તો નવાઈ નહીં.

જામનગર જિલ્લો
કાલાવડ: બેઠકની વાત કરીએ ભાજપની સ્થાપના સમયથી તેમનો ગઢ રહ્યો છે. 1975થી 2017 સુધી આ સીટ પર કોંગ્રેસનો એકપણવાર વિજય થયો નહોતો, પરંતુ 2017માં પાટીદાર આંદોલનની વધુ અસર હોવાથી 45 વર્ષ બાદ કોંગ્રેસના પ્રવીણ મુસડિયાનો કોંગ્રેસના મૂળજી ધૈયાડા સામે 33 હજાર મતથી વિજય થયો હતો. અનામત સીટ પર ભાજપમાંથી મેઘજી ચાવડા અને કોંગ્રેસમાંથી પ્રવીણ મુસડિયા વચ્ચે જંગ છે. પાટીદાર આંદોલનનો પ્રભાવ ન હોવાથી પાટીદારો ભાજપ તરફ વળ્યા છે. જ્યારે નારાજગીના મતો આપને ફાળે ગયા છે. જેથી ત્રિ-પાંખિયો જંગ થવાથી ભાજપ આ સીટ કબ્જે કરી શકે.

જામનગર ગ્રામ્ય: બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. 1975થી 2017 સુધીમાં થયેલી 10 ચૂંટણીમાં આ સીટ પરથી 7 વાર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ભાજપ માત્ર બેવાર જ આ સીટ કબજે કરી શક્યો છે. આ સીટ પરથી ભાજપમાંથી રાઘવજી પટેલ અને કોંગ્રેસમાંથી જીવણ કુંભારવાડિયા તો આપમાંથી પ્રકાશ દોંગાએ ચૂંટણી લડી છે. જ્યારે બસપામાંથી કોંગ્રેસના 30 વર્ષ જૂના કાસમ ખપી પણ ઉમેદવાર છે. મુસ્લિમોના 45000 મતો હોવાથી આ મતો મુસ્લિમ ઉમેદવારને મળતા કોંગ્રેસની વોટબેંક તૂટી જશે. જ્યારે ભાજપથી નારાજ પાટીદારોના મત આપના લેઉવા પટેલ ઉમેદવાર પ્રકાશ દોંગાને મળી શકે છે. જેથી ભાજપ માટે આ સીટ સરળ બની ગઈ છે. આ વખતે કૃષિ મંત્રી જીત્યા હોય એવી પણ પહેલી ઘટના બની શકે છે.

જામનગર ઉત્તર: સીટ પર ભાજપે સીટિંગ MLA ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ની ટિકિટ કાપી ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને ઉતાર્યા છે. હકુભાની ટિકિટ કપાતા ભાજપમાં આંતરિક વિરોધ થયો હતો. જો કે છેલ્લી ઘડીએ પાછલા બારણેથી ઓપરેશન પાર પાડીને ભાજપના કાર્યકરોને કામે લગાડ્યા હતા. જ્યારે ભાજપથી નારાજ એવા સતવારા સમાજમાં ચાર ભાગલા પડતા તેના મતો વહેંચાઈ ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ વેપારી ભલે પણ આપના ઉમેદવાર કરશન કરમુર બેવાર ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તેમજ આહીર સમાજના પ્રમુખ હોવાથી તેઓ આહીર અને ગઢવીના મતો ખેંચી જશે. જેથી ભાજપ આ સીટ જીતે એવી પૂરી શક્યતા છે. પરંતુ કરશન કરમુર પણ ઉલટફેર કરી શકે છે.

જામનગર દક્ષિણ: આ સીટ પર 1962થી લઈ 2017 સુધીમાં યોજાયેલી 14 ચૂંટણીમાં કોંગ્રેસનો માત્ર 2 વાર જ વિજય થયો છે તેમજ ભાજપનો 9 વખત આ સીટ પર વિજય થયો છે. ભાજપનો આ સીટ પર 1985થી કબજો છે. ભાજપમાંથી દિવ્યેશ અકબરી તો કોંગ્રેસમાંથી મનોજ કથીરિયા મેદાનમાં હતા. આ સીટ પર મુસ્લિમ સમાજ બહુમતીમાં છે. બન્ને ઉમેદવાર પાટીદાર હોવાથી પટેલ મતો વહેંચાઈ જશે. જ્યારે ભાનુશાળી સમાજથી લઈ ઉજળિયાત વર્ગ ભાજપની કમિટેડ વોટબેંક છે. તેમજ ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી જમીન સાથે જોડાયેલા નેતા હોવાથી તેમના માટે જીત લગભગ નિશ્ચિત મનાઈ છે.

જામજોધપુર: 2017માં પાટીદાર આંદોલનની અસર ધરાવતી જામજોધપુર વિધાનસભાની બેઠકની. આ સીટ 10 વર્ષ ભાજપ પાસે તો 5 વર્ષ કોંગ્રેસ પાસે રહી છે.2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પર પાટીદાર આંદોલનનો પ્રભાવ પડ્યો હતો, જેને પગલે ભાજપના પૂર્વ કૃષિમંત્રી ચીમન સાપરિયા સામે કોંગ્રેસના યુવા નેતા ચિરાગ કાલરિયાની 2518 મતથી જીત થઈ હતી. આ સીટ પર ભાજપમાંથી ચીમન સાપરિયા અને કોંગ્રેસમાંથી ચિરાગ કાલરિયા લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી આહિરના યુવા નેતા હેમંત ખવા લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાં કડવા પાટીદાર ઉમેદવાર હોવાથી પાટીદાર મતો વહેંચાઈ જશે. તેમજ ધ્રાફા ગામમાં મતદાન ન થતા ભાજપને 1500 મતનો ફટકો પડ્યો છે. જ્યારે આહિરો આપ તરફ વળી ગયા હોવાથી આપનું પલડું ભારે છે. તેમજ ઇસુદાને પણ અહીં મહેનત કરી હોવાથી ગઢવીના મતો પણ આપને મળી શકે છે. જેથી આપ આ સીટ જીતી શકે છે. કોંગ્રેસના ચિરાગ કાલરિયા સામે રોષ હોવાથી ત્રીજા નંબરે રહે તો નવાઈ નહીં.

દેવભૂમિ દ્વારકા જિલ્લો
ખંભાળિયા: આહીર અને મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતી ખંભાળિયા બેઠકની વાત કરીએ તો આ સીટ પર હાલ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ છે. આ સીટ પર મોટા ભાગે માડમ પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. આ સીટ પર કોંગ્રેસમાંથી વિક્રમ માડમ અને ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુબેરાને ઉતર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન ગઢવીએ આ સીટ પરથી ઝંપલાવતા અહીંની ચૂંટણી એકદમ રસ્સાકસી વાળી થઈ ગઈ છે. ભાજપથી નારાજ સતવારા સમાજ પણ વિમુખ પડ્યો છે. સતવારા સમાજ અને ગઢવી સમાજ આપ તરફ વળ્યા છે. વિક્રમ માડમની પકડ મજબૂત છે. તેમજ મુસ્લિમ સમાજના મતો વિક્રમ માડમને મળે એવી શક્યતા છે. જેથી આ સીટ પર આપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે. જેથી કોંગ્રેસના વિક્રમ માડમ આ સીટ જીતી શકે છે.

દ્વારકા: પબુભા માણેકનો ગઢ ગણાતી દ્વારકા વિધાનસભા બેઠક પર પબુભા 7 ટર્મથી ચૂંટાતા આવે છે. તેઓ માત્ર 5000 મતથી જ વિજયી બનતા આવે છે. આ વખતે પણ ભાજપે પબુભાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ આહિર ઉમેદવાર મૂળુ કંડોરિયાને ટિકિટ આપી છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ લખમણ નકુમને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આહિર સમાજ આ વખતે કોંગ્રેસની સાથે રહ્યો છે. પબુભાની જીતમાં સતવારા સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહેતું હતું. પરંતુ આ વખતે સતવારા સમાજ ભાજપથી નારાજ હોવાથી 35000 જેટલા મતો કોંગ્રેસ અને આપમાં વળી ગયા છે. ભાજપ આ વખતે આ સીટ ગુમાવી શકે છે.

મોરબી જિલ્લો
વાંકાનેર: સીટની વાત કરીએ તો કોંગ્રેસે ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા મહમ્મદ જાવેદ પીરજાદાને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે જૂના જોગી જીતુ સોમાણીને મેદાનમાં ઉતાર્યા છે. જો કે પીરઝાદા પરિવારનો ગઢ ગણાતી આ સીટ પર આ વખતે આપને કારણે ત્રિ-પાંખિયો જંગ થયો છે. આ સીટ પર આપમાં કોળી સમાજમાંથી આવતા વિક્રમ સોરાણી ચૂંટણી લડી રહ્યા છે. કોળી સમાજે ભાજપને ટિકિટ ન આપતા કોળી સમાજ નારાજ હોવાથી ભાજપથી વિમુખ થયો છે. 2017માં પણ કોળી સમાજના અપક્ષ ઉમેદવાર ગોરધન સરવૈયા 25000 મતો ખેંચી ગયા હતા અને ભાજપના સોમાણી હારી ગયા હતા. આ વખતે આપમાંથી વિક્રમ સોરાણી કોળી મતો લઈ જઈ શકે છે. જેથી આ સીટ પર પુનરાવર્તન થવાની શક્યતા છે અને સતત ચોથી ટર્મમાં કોંગ્રેસને આ સીટ મળી શકે છે.

મોરબી: ઝૂલતા પૂલની દુર્ઘટના મતદારોને અસર કરે એ વાત સ્વભાવિક છે. અહીં ગત વખત કરતા ઓછું મતદાન થયું છે. પૂલ દુર્ઘટના સમયે ભાજપના ઉમેદવાર એવા કાંતિ અમૃતિયાએ મચ્છુમાંથી અનેકના જીવ બચાવતા હીરો સાબિત થયા હતા. તો બીજી તરફ પૂલ દુર્ઘટનાને લઈ મતદારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પરંતુ કોંગ્રેસમાંથી જીતે બ્રિજેશ મેરજા ભાજપમાં ભળી જતા કોંગ્રેસ પરથી મતદારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેની સાથે સાથે 2017માં કોંગ્રેસને પાટીદાર આંદોલનનો પણ ફાયદો થયો હતો. પરંતુ આ વખતે આવુ કોઈ ફેક્ટર નથી. જેથી આ સીટ ભાજપને મળી શકે છે.

ટંકારા: સીટ પરથી ભાજપમાંથી દુર્લભજી દેથરિયા તો કોંગ્રેસમાંથી વર્તમાન ધારાસભ્ય લલિત કગથરા વચ્ચે જંગ થયો છે. જ્યારે આપમાંથી સંજય ભટાસણા પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. દુર્લભજી નવો ચહેરો છે, જ્યારે લલિત કગથરા મજબૂત ઉમેદવાર છે. ભાજપે જો મજબૂત ઉમેદવાર ઉતાર્યા હોત તો આ સીટ પર લલિત કગથરા મૂળ પડધરીના છે અને તેઓ ટંકારા અને મોરબી સુધી પહોંચેલા છે. જ્યારે દેથરિયા પડધરી માટે સાવ નવો જ ચહેરો છે. જેથી આ સીટ કોંગ્રેસને મળી શકે છે.

કચ્છ જિલ્લો
અબડાસા: માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને તો કોંગ્રેસે મામદ જંગ જત અને આપેએ વસંત ખેતાણીને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જ્યારે હકુમતસિંહ જુવાનસિંહ જાડેજાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ સીટ પર રાજકારણના તમામ રંગો જોવા મળ્યા હતા. આ સીટ પર મુસ્લિમોના અંદાજે 69711, ક્ષત્રિયોના 33051, કડવા પાટીદારોના 30498 તથા અનુસૂચિત જાતિના 28896 મતદારો છે. કોંગ્રેસે મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા હોવાથી મુસ્લિમોના મત કોંગ્રેસને મળ્યા છે. જ્યારે ક્ષત્રિયોના મતો અપક્ષ ઉમેદવાર હકુમતસિંહ અને પ્રદ્યુમનસિંહ વચ્ચે વહેંચાઈ ગયા છે. જેથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. તેમજ અનસૂચિત જાતિના મતો પણ કોંગ્રેસ તરફ ઢળ્યા છે. ગૌશાળા ચલાવતા અને સેવાના ભેખધારી એવા મનજીભાઈ ભાનુશાળી કોંગ્રેસ તરફી રહ્યા છે. જેથી કોંગ્રેસ મજબૂત બની ગઈ છે. આ ઉપરાંત પાટીદારોના મત આપના ઉમેદવાર વસંત ખેતાણી ખેંચી ગયા છે. મતદાન પહેલા સ્થિતિ કાબૂ બહાર જતા ભાજપે ક્ષત્રિય મતોમાં ભાગલા પડતા અટકાવવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રાતોરાત દોડાવ્યા હતા. તેમણે હકુમતસિંહને મનાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. જેથી આ સીટ પર ભાજપ બાજી મારી શકે છે.

માંડવી: કચ્છની માંડવી સીટની વાત કરીએ તો ભાજપે જૂના જનસંઘી અને ભૂતપૂર્વ સાંસદ અનંત દવેના ભત્રીજા અનિરુદ્ધ દવેને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે રાજેન્દ્રસિંહ જાડેજાને અને આમ આદમી પાર્ટીએ કૈલાસ ગઢવીને ટિકિટ આપી હતી. કૈલાસ ગઢવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એક શિક્ષિત વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. તો બીજી તરફ ભાજપના અનિરુદ્ધ દવેમાં લીડરશીપ ક્વોલિટીનો અભાવ છે. તેઓ માત્ર પાર્ટીના સિમ્બોલ પર જ આધારિત રહ્યા છે. જેથી ભાજપના ઉમેદવાર ચિત્રમાં જ નથી. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા અને કૈલાસ ગઢવી વચ્ચે જ મુખ્ય જંગ ખેલાયો છે. બે વર્ષ પહેલા મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદોને ઉઠાવીને લોકઅપમાં ઢોર માર માર્યો હતો. જે પૈકી એકનું અરજણ ગઢવીનું કસ્ટડીમાં અને અન્ય એક યુવક હરજોગ ગઢવીનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી ગઢવી સમાજમાં રોષ છે. તેમજ ગઢવી સમાજના 10 જેટલા ગામો કૈલાસ ગઢવીની પડખે રહ્યા છે. જો કે આમ છતાં આ સીટ પર ભાજપની જીતની સંભાવના વધુ છે.

અંજાર: માં ભાજપમાંથી પૂર્વ મંત્રી વાસણ આહિરના નજીકના સંબંધી એવા ત્રિકમ છાંગા ચૂંટણી લડ્યા છે. તેઓ વાસણ આહિરના પ્રતિસ્પર્ધી રહેલા અને વ્યવસાયે શિક્ષક છે. લોક ચાહના પણ સારી એવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અરજણ રબારી અને કોંગ્રેસે આહિર એવા રમેશ ડાંગરને ચૂંટણી લડાવી છે. આ સીટ પરથી કોઈપણ પાર્ટીએ પહેલીવાર રબારીને ટિકિટ મળી છે. આ સીટ પર બે આહિર અને રબારી વચ્ચે ખરાખરીનો જંગ છે. 10 ગામમાં રબારીનું પ્રભુત્વ છે. જેથી ભાજપના પરંપરાગત રબારીના મતો આપને મળ્યા છે. આમ આદમી પાર્ટીએ નારાજ માલધારી સમાજના મતો કોંગ્રેસમાં જતા અટકાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર પણ મજબૂત છે. માત્ર એટલું જ નહીં, વાસણ આહિરે તેમના દીકરા ત્રિકમ આહિર માટે ટિકિટ માંગી હતી. પરંતુ ટિકિટ ન મળતા તેઓ પણ અંદરખાને નારાજ છે. જો કે આમ છતાં આ સીટ પર ભાજપની જીત લગભગ નિશ્ચિત છે.

ભુજ: સીટ પર ભાજપમાંથી કેશુભાઈ પટેલ તેમજ કોંગ્રેસમાંથી અરજણ ભુડિયા અને આપમાંથી રાજેશ પંડોરિયા ચૂંટણી લડ્યા છે. વ્યક્તિગત રીતે કેશુભાઈ કરતા અરજણ ભુડિયા મજબૂત ઉમેદવાર છે. આપના રાજેશ પંડોરિયા ખાસ કંઈ ઉકાળી શક્યા નથી. ભૂજ અને માધાપરનો શહેરી વિસ્તાર ભાજપનો રહ્યો છે. પરંતુ આ વખતે અરજણ ભુડિયા માધાપરના હોવાથી તેમને માધાપરનો લાભ મળી શકે છે. તેમજ બન્ની વિસ્તારમાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. ભુજમાં પણ મુસ્લિમોની સારી એવી વસતી છે. જેથી આ મતો કોંગ્રેસ તરફ વળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારની સ્વચ્છ છબિ છે. તો સામે કેશુભાઈ તેની સામે નબળા અને વિધાનસભા ચૂંટણીમાં બિનઅનુભવી સાબિત થયા છે. આમ પાટીદારોના મતોમાં ભલે ભાગલા પડે પણ મુસ્લિમ મતો તો કોંગ્રેસમાં ગયા છે. આ સિવાય લોહાણા સમાજે છાપામાં જાહેર ખબર આપીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત એકપણ સવર્ણને ટિકિટ ન આપતા ભાજપથી ખૂબ નારાજ છે. જેથી આ સીટ કોંગ્રેસને મળી શકે છે.

ગાંધીધામ: સીટ પર ભાજપમાંથી માલતી મહેશ્વરી, કોંગ્રેસમાંથી ભરત સોલંકી અને આપમાંથી બીટી મહેશ્વરી ચૂંટણી લડ્યા છે. ભાજપના માલતી મહેશ્વરી સામે નારાજગી જોવા મળી હતી. મતદાન સમયે પણ વેપારી વર્ગ ઉદાસીન રહ્યો હતો અને મતદાન કરવાને બદલે ઘરમાં જ બેસી રહ્યો હતો. આમ ભાજપના પરંપરાગત મતદારો મતદાનથી અળગા રહ્યા હતા. જ્યારે આપના ઉમેદવાર બીટી મહેશ્વરી ઇન્સ્યોરન્સ એજન્ટ છે અને તેમની છાપ પણ સારી છે. જો કે આમ છતાં ભાજપના માલતી મહેશ્વરી પાતળી સરસાઈથી જીતી શકે છે.

રાપર: સીટ પર ભાજપમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસમાંથી બિઝનેસમેન બચુભાઈ અરેઠિયા અને આપમાંથી અંબા પટેલ ચૂંટણી લડ્યા છે. ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા સામે ક્ષત્રિયોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તો બીજી તરફ પાટીદાર સમાજમાંથી આવતા બચુભાઈ અરેઠિયાના સમર્થન માટે મુંબઈથી પાટીદારોની બસો ભરાઈને આવી હતી. ગઈ ચૂંટણીમાં બચુભાઈ અરેઠીયાના પત્ની સંતોકબેન અરેઠીયા 13000 મતોથી જીત્યા હતા. આ વખતે એક અન્ય મુદ્દો પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે અને તે છે વજુભાઈ દ્વારા દલિત સમાજ માટેના અપમાનજનક ઉચ્ચારણો. 23 નવેમ્બરે રાપરમાં ભાજપે જાહેર સભા યોજી હતી. જેમાં વજુભાઈ વાળાએ સભામાં અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેથી દલિત સમાજે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હતું. આ સીટ પર કોંગ્રેસ ફરી વિજય મેળવે એવી ઉજળી શક્યતા છે.

સુરેન્દ્રનગર જિલ્લો
વઢવાણ: સીટ વર્ષોથી ભાજપનો ગઢ છે. આ સીટ પરથી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાને ટિકીટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસે આયાતી ઉમેદવાર તરૂણ ગઢવીને ટિકીટ આપી હતી. તરુણ ગઢવી પર આયાતી ઉમેદવારનું લેબલ લાગેલું છે અને મતદારોમાં ભાજપ પ્રત્યે ખાસ કોઈ રોષ જોવા મળ્યો નથી. જેથી આ સીટ ભાજપને મળી શકે છે.

ધ્રાંગધ્રા-હળવદ: સીટ પર ભાજપે ઉદ્યોગપતિ અને પાટીદાર એવા પ્રકાશ વરમોરાને ટિકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ભાજપમાંથી આવેલા અને જિલ્લા પંચાયતના સભ્ય છત્રસિંહ ગુંજારીયાને ટિકીટ આપી હતી. આ સીટ પર કોળી અને પાટીદાર ઉમેદવાર વચ્ચે જંગ છે. પરંતુ કોળી-ઠાકોરનું પ્રભુત્વ હોવાથી આ મતો કોળી ઉમેદવાર છત્રસિંહ ગુંજારિયાને મળ્યા છે. જેથી કોંગ્રેસના છત્રસિંહ ગુંજારીયાની જીતવાની પ્રબળ સંભાવના છે.

લીંબડી: વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનું પ્રભુત્વ છે. જ્યારે આ જ વિધાનસભા સીટમાં આવતા સાયલા પંથકમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. પરંતુ કોંગ્રેસે કોળી સમાજના કલ્પનાબેન મકવાણા અને આપે કોળી સમાજના મયૂર સાકરિયાને ચૂંટણી લડાવી છે. આથી કોળી મતોની આ બંને ઉમેદવારો વચ્ચે મતોની વહેંચણી થઈ ગઈ છે. જ્યારે ક્ષત્રિય મતો કિરીટસિંહ રાણાને એક તરફ મળ્યા છે. આમ આ સીટ પર ભાજપના કિરીટસિંહ રાણાની જીતની શક્યતા છે.

દસાડા: વિધાનસભા સીટ પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય નૌશાદ સોલંકીને અને ભાજપે સ્થાનિક ઉમેદવાર પી.કે.પરમારને ટિકિટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવારની ગ્રામ્ય પંથકમાં સારી એવી પકડ અને લોકચાહના છે અને પાછલા પાંચ વર્ષમાં એમણે કામો કર્યા છે. દસાડા વિધાનસભા સીટમાં આવતા લખતર તાલુકા 44 જેટલા અને લીંબડીના 17 ગામોમાં પણ કોંગ્રેસની સારી પકડ છે. જ્યારે પાટડીના 89 ગામમાં પણ કોંગ્રેસનું પ્રભુત્વ છે, તો બીજી તરફ શહેરી વિસ્તારો ભાજપ તરફી છે. મત વિસ્તારમાં રહેલા પ્રભુત્વને કારણે નૌશાદ સોલંકી આ સીટ જીતી શકે છે.

ચોટીલા: વિધાનસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. આપે આ વિધાનસભા ચૂંટણીમાં જાહેર કરેલા ઉમેદવારોની પ્રથમ યાદીમાં જ ચોટીલાના આપના ઉમેદવાર રાજુ કરપડાને ટિકિટ ફાળવી હતી. જ્યારે કોંગ્રેસે સિટીંગ MLA ઋત્વિક મકવાણા અને ભાજપે પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. આ સીટ પર ત્રણેય ઉમેદવાર કોળી સમાજના છે. આપના રાજુ કરપડા છેલ્લા ચાર વર્ષથી ચોટીલાના ગામડામાં ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહે એના માટે આંદોલન ચલાવે છે. આથી ખેડૂતોમાં એમની સારી પકડ છે. તેમજ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટમાં જીત માટે નિશ્ચિત ગણાતી ચોટીલા સીટ પર જ રોડ શો કર્યો હતો. જો કે આ ત્રિ-પાંખિયા જંગમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણાની સ્થિતિ મજબૂત છે તેઓ પાતળી સરસાઈથી જીતી શકે છે.

ભાવનગર જિલ્લો
ભાવનગર ગ્રામ્ય: પરથી ભાજપે સતત પાંચ ટર્મથી ચૂંટાતા પુરુષોત્તમ સોલંકીને ચૂંટણી લડાવી છે. જ્યારે તેની સામે કોંગ્રેસે રેવતસિંહ ગોહિલ અને આપના ખુમાનસિંહ ગોહિલે ચૂંટણી લડી છે. આ સીટ પર કોળી સમાજની મજબૂત વોટબેંક પુરુષોત્તમ સોલંકીની સાથે રહી છે. જ્યારે કોંગ્રેસ અને આપમાં ક્ષત્રિય ઉમેદવાર હોવાથી ક્ષત્રિય મતો વહેંચાઈ જશે. જેનો સીધો ફાયદો પુરુષોત્તમ સોલંકીને મળશે. માત્ર એટલું જ નહીં પુરુષોત્તમ સોલંકીના નામે જ મતો પડે છે. જેથી આ સીટ પરથી સોલંકી છઠ્ઠીવાર વિજયી થઈ શકે છે.

ભાવનગર પૂર્વ: ની બેઠક પરથી ભાજપે નવો જ પ્રયોગ કરી શહેર પ્રમુખ રાજીવ પંડ્યાનાં ધર્મ પત્ની સેજલબેન પંડ્યાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે કોળી સમાજમાંથી આવતા બળદેવ સોલંકીને ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભરવાડ સમાજના હમીર રાઠોડને ચૂંટણી લડાવી છે. જેથી આ સીટ પર કોળી સમાજનો કોંગ્રેસના ઉમેદવાર તરફ ઝોક રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપના મતો તોડી શકે છે. આમ છતાં આ સીટ પર કોંગ્રેસના કનુભાઈની હારવાની શક્યતા છે.

ભાવનગર પશ્ચિમ: સીટ પરથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને કોંગ્રેસમાંથી ક્ષત્રિય સમાજના કિશોરસિંહ ગોહિલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ રાજુ સોલંકીને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. અહીં ત્રિ-પાંખિયો જંગ છે. આ બેઠક ભાજપ માટે પ્રથમ નજરે સલામત લેખી શકાય. પરંતુ મતોનુ વિભાજન થાય તો તેમના માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે. તેમની સામે કોંગ્રેસનાં ઉમેદવાર કે.કે. ગોહિલ સમાજ, વેપારી વર્ગ તેમજ ઉદ્યોગપતિઓમાં સારી ઇમેજ ધરાવે છે. જિલ્લામા એકેય બેઠક પર ભાજપે ક્ષત્રિય સમાજને ટિકિટ ન આપતા અને કોંગ્રેસે કે.કે.ગોહિલને ટિકિટ આપતા ક્ષત્રિય સમાજના મતો કે.કે ગોહિલ તરફ વળી શકે છે. સાથે સાથે આમ આદમી પાર્ટીએ કોળી ઉમેદવાર રાજુ સોલંકીને મેદાનમા ઉતાર્યા છે. રાજુ સોલંકી વીર માંધાતાસિંહ સંગઠન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ પુરુષોત્તમ સોલંકીનો પણ આ સીટ પર પ્રભાવ છે. દલિત અને માઇનોરિટીના મતો કોંગ્રેસને મળ્યા છે. કોળી સમાજનાં મતો ભાજપની કમિટેડ વોટબેંક છે. તેમજ જ્યાંથી લીડ મળતી હતી ભાજપને એ વિસ્તારોમાં મતદાન ઘટ્યું છે. પરંતુ આ મતોનુ વિભાજન થતા વાઘાણી માટે કપરા ચઢાણ છે. જો કે આ સીટ પર વાઘાણી પાતળી સરસાઈથી હારી શકે છે.

પાલીતાણા: આ સીટ પર ભાજપે સિટીંગ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાને અને કોંગ્રેસે પ્રવીણ રાઠોડને ચૂંટણી લડાવી છે. આ સીટ પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પણ સીધી નજર રહેલી છે. પરંતુ હાલના ધારાસભ્યની નિષ્ક્રિયતાને કારણે મતદારો વિમુખ થઈ રહ્યા છે. તેમજ પ્રજાના કામો પૂરતા પ્રમાણ ન થવાને કારણે પણ આંતરિક નારાજગીનો ભોગ ભાજપ બને તો નવાઈ નહીં. આ સીટ પર કોંગ્રેસના પ્રવીણ રાઠોડ એકદમ મજબૂત થઈને ઉભર્યા છે. આમ આ સીટ પર કોંગ્રેસની જીત થવાની સંભાવના છે.

મહુવા: ભાજપે આ સીટ પર શિવા ગોહિલને તો કોંગ્રેસે આહિર સમાજમાંથી આવતા અને ખેડૂતો માટે લડત ચલાવતા કનુ કલસરીયાને જ્યારે આમ આદમી પાર્ટીએ અશોક જાળિયાને ચૂંટણી લડાવી છે. નિરમા આંદોલનને કારણે કનુભાઈ લોકપ્રિય છે. માત્ર એટલું જ નહીં, ભાજપ સામે વિરોધ જોવા મળી રહ્યો છે. કોળીઓ ભાજપ તરફ વળી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. તેની સાથે સાથે આર.સી.મકવાણાની ટિકિટ કપાતા તેઓ નારાજ છે. કનુ કલસરિયા સેવા ભાવિની છબિ ધરાવે છે. જો કે ભાજપની વોટબેંક ગણાતા સવર્ણો મતદાન કરવા ગયા જ નહીં. પરંતુ મુસ્લિમ અને દલિતોએ મોટા પ્રમાણમાં મતદાન થયું છે. ગઈ વખતે અપક્ષ લડેલા કનુ કલસરિયા માત્ર 5000 મતથી જ હાર્યા હતા, જેથી આ વખતે તેમની જીતની શક્યતા ઉજળી છે.

તળાજા: આ સીટ પરથી ભાજપે ગૌતમ ચૌહાણને અને કોંગ્રેસે કનુભાઈ બારૈયાને જ્યારે આમ આદમી પાર્ટીએ લાલુબેન ચૌહાણને ટિકિટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયા પલેવાળ બ્રાહ્મણ છે અને કોંગ્રેસના ગૌતમ ચૌહાણ અને આપના લાલુબેન ચૌહાણ કોળી છે. ભાજપના કનુભાઈ બારૈયા કોળી સમાજ અને ક્ષત્રિયોને સાથે લઈને ચાલ્યા હોવાથી આ બન્ને સમાજોએ ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું છે. જેથી આ સીટ ભાજપને મળે એવી પુરી શક્યતા છે.

ગારિયાધાર: ભાજપે આ સીટ પરથી 6 ટર્મથી જીતી રહેલા પાટીદાર સમાજમાંથી આવતા કેશુ નાકરાણી તો કોંગ્રેસે દિવ્યેશ ચાવડાને અને આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજના સુધીર વાઘાણીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ સીટ પર ભાજપના નાકરાણી સામે 6 ટર્મની એન્ટીઇન્કમબન્સી છે. જ્યારે આપના સુધીર વાઘાણી કોરોના સમયથી આ વિસ્તારમાં સેવા કરે છે. દવાઓથી લઈ સિલિન્ડર સહિતની વ્યવસ્થા કરતા ખૂબ લોકપ્રિય બન્યા છે. સુધીર વાઘાણી મતદાનના દિવસે 300 બસ ભરીને મતદારોને સુરતથી લાવી મતદાન કરાવ્યું હતું. આ સીટ પર આપના સુધીર વાઘાણીની જીતની શક્યતા વધી ગઈ છે.

બોટાદ જિલ્લો
બોટાદ: ભાજપે પટેલ સમાજમાંથી આવતા અને કોંગ્રેસમાંથી આયાત કરીને લાવેલા ઘનશ્યામ વિરાણીને ચૂંટણી લડાવી છે. તો કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર એવા મનહર પટેલને ચૂંટણી લડાવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા કોળી સમાજમાંથી આવે છે. પરંતુ પાટીદારોના મતોનું વિભાજન થતા આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને ફાયદો થઈ રહ્યો છે. સૌરભ પટેલની ટિકિટ કપાતા તેઓ નિષ્ક્રિય રહ્યા અને ઘનશ્યામ વિરાણી એકલા પડી ગયા છે. જ્યારે કોળીઓએ વન સાઈડ વોટ કર્યા છે. જેથી કસોકસની સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસ આ સીટ જીતી શકે છે.

ગઢડા: ભાજપે આ સીટ પરથી ધંધુકા તાલુકા સ્થિત ઝાંઝરકાના સવૈયાનાથ જગ્યાના મહંત શંભુનાથ ટુંડિયાને ચૂંટણી લડાવી છે. જ્યારે કોંગ્રેસે જગદીશ ચાવડાને તો આમ આદમી પાર્ટીએ રમેશ પરમારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. શંભુનાથ ટુંડિયા અમદાવાદ જિલ્લાના વતની છે અને ઝાંઝરકા ધામ પણ ત્યાં જ આવેલું હોવાથી બોટાદના મતદારો માટે આયાતી ઉમેદવાર ગણાય છે. જેથી મતદારો પર ખાસ પ્રભાવ ઉભો કરી શક્યા નથી. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય આત્મારામ પરમાર પણ ટિકિટ ન મળતા આંતરિક રીતે તેમના સમર્થકો સાથે છેલ્લી ઘડીએ નિષ્ક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દર વખતે ભાજપની ગઢડામાંથી લીડ નીકળતી હોવાથી આત્મારામ પરમાર જીતતા હતા. પરંતુ આ વખતે ગઢડામાંથી લીડ નીકળવી મુશ્કેલ છે. પાટીદારોનો આમ આદમી પાર્ટી તરફ ઝૂકાવ જોવા મળ્યો છે. જેથી આ સીટ જીતવી ભાજપ માટે મુશ્કેલ છે. આમ છતાં ભાજપના શંભુ પ્રસાદ પાતળી સરસાઈથી જીતી શકે છે.

પોરબંદર જિલ્લો
પોરબંદર: સીટની વાત કરીએ તો ભાજપે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બાબુ બોખીરીયાને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે જૂના જોગી અર્જૂન મોઢવાડિયાને અને આમ આદમી પાર્ટીએ ખારવા સમાજના જીવણ જુંગીને ટિકિટ આપી છે. બે ટર્મથી આ સીટ પરથી બાબુ બોખીરિયા ચૂંટાઈ આવે છે, જેથી તેમની સામે એન્ટી ઇન્કમબન્સી છે. તેમની સામે સ્થાનિક મુદ્દાઓ, ગ્રામ્ય વિસ્તારના ન થયેલા કામો તથા ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ, રસ્તા, બંદરના પ્રશ્નો, માછીમારોના પ્રશ્નો 10 વર્ષથી અધ્ધરતાલ છે. જ્યારે આપના ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના બન્નેના મતોમાંથી થોડા ઘણાં મતો તોડી શકે છે. તો બીજી તરફ 2017માં 1800 મતથી જ હારેલા કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાની સ્વચ્છ છબિ અને મજબૂત લોક સંપર્ક હોવાથી પોરબંદર વાસીઓ તેમના પર જીતનો કળશ ઢોળી શકે છે.

કુતિયાણા: સંતોકબેનના પરિવારનું વર્ચસ્વ ધરાવતી અને કાંધલને કારણે હાઇપ્રોફાઇલ ગણાતી આ સીટ પર ભાજપે કુતિયાણા નગરપાલિકામાં 28 વર્ષથી પ્રમુખ ઢેલીબેન ઓડેદારાને જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને જ્યારે આમ આદમી પાર્ટીએ ભીમા મકવાણાની ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર શહેરી વિસ્તારમાં પકડ ધરાવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કાંધલ જાડેજાની મજબૂત પકડ છે. તેઓ લોકપ્રિય છે અને રોડ રસ્તાના કામો પણ કર્યા છે. ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં પણ તેઓ ખૂબ સક્રિય રહે છે. નાના મોટા પ્રસંગોમાં પણ હાજરી આપતા હોવાથી પ્રજા સાથે સીધું કનેક્શન ધરાવે છે. જેથી આ સીટ પર કાંધલ જાડેજાની જીતવાની શક્યતા વધુ છે.

જુનાગઢ જિલ્લો
જુનાગઢ: આ સીટ પરથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જોશીને રીપિટ કર્યા છે, જ્યારે ભાજપે સંજય કોરડિયાને અને આમ આદમી પાર્ટીએ ચેતન ગજેરાને ટિકિટ આપી છે. કોર્પોરેશનની નબળી કામગીરીને કારણે સ્થાનિકોમાં રોષ છે. તેમજ વિકાસના કામોના દાવાથી શહેરીજનો ત્રાહીમામ હોવાની બૂમ ઉઠી છે. તેમજ જૂનાગઢની સીટ હેઠળ આવતા 17 ગામડામાં તેમનો લાઇવ કોન્ટેક્ટ છે. તેમજ ગ્રાન્ટનો પણ ગામડાંઓમાં વધુ ખર્ચ કર્યો છે. આ સીટ પર મુસ્લિમ, પાટીદાર અને બ્રાહ્મણોનું પ્રભુત્વ છે. પરંતુ પાટીદારોના મત ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે વિભાજીત થઈ જવાની શક્યતા છે. જ્યારે બ્રાહ્મણોનો કોંગ્રેસ તરફ ઝૂકાવ રહી શકે છે. જેથી આ સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીતની શક્યતા વધુ છે.

માણાવદર: આ સીટ પર ભાજપે રુપાણી સરકારમાં મંત્રી રહેલા જવાહર ચાવડા (મછોયા) ને તો કોંગ્રેસે અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જવાહર ચાવડાના એક સમયના સાથી એવા કરશનબાપુ ભાદરકા (સોરઠીયા) ને ટિકિટ આપી છે. આહિર અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર આપ અને ભાજપના ઉમેદવાર આહીર છે. જ્યારે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે. જેથી પાટીદારોનો કોંગ્રેસ તરફ ઝૂકાવ રહે એવી શક્યતા છે. તેમજ આહિરોનો એક વર્ગ આપ તરફ ઢળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત આહિર સમાજમાં પણ ક્યાંકને ક્યાંક જવાહર ચાવડા સામે નારાજગી જોવા મળી રહી છે. આહિર સમાજનો એક વર્ગ માને છે કે, જવાહર ચાવડા અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. તો બીજી તરફ કોંગ્રેસના અરવિંદ લાડાણી કોમનમેન છે, સાવ સાધારણ ઉમેદવારની છાપનો પણ તેમને લાભ થઈ રહ્યો છે. મેંદરડાના લેઉવા પાટીદારો પણ કોંગ્રેસના ઉમેદવાર તરફ ઢળ્યા છે. જેથી જવાહર ચાવડા માટે આ સીટ બચાવવી ખૂબ મુશ્કેલ છે.

વિસાવદર: આ સીટ પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા લેઉવા પટેલ સમાજના હર્ષદ રિબડિયાને જ્યારે કોંગ્રેસે કરશન વાડોદરિયાને અને આમ આદમી પાર્ટીએ ભૂપત ભાયાણીને ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ સીટ પર આપ અને ભાજપ વચ્ચે લડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આપની સભાઓ પણ ખૂબ હિટ રહી છે. જેથી આપના ઉમેદવાર કોંગ્રેસની કમિટેડ વોટબેંકમાં મોટું ગાબડું પાડી શકે તેમ છે. કોંગ્રેસ અને આપ વચ્ચે મતોનું વિભાજન થવાથી કોંગ્રેસ માટે મુશ્કેલી છે. જ્યારે ભાજપના હર્ષદ રિબડિયાનું પોતાનું સંગઠન, ભાજપનું સંગઠન અને ખેડૂત નેતાની છાપથી તેમનું પલડું ભારે છે.

કેશોદ: આ સીટ પરથી ભાજપે વર્તમાન મંત્રી અને કોળી સમાજમાંથી આવતા દેવાભાઈ માલમને તો કોંગ્રેસે હીરાભાઈ જોટવા અને આમ આદમી પાર્ટીએ રામજીભાઈ ચુડાસમાને ટિકિટ આપી છે. હાલના ધારાસભ્ય દેવા માલમ સામે સ્થાનિકોમાં વિરોધ છે. અપક્ષમાંથી પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ચૂંટણી મેદાનમાં છે. તેઓ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય હોવાથી શહેરના મતોમાં ભાગ પડાવી શકે તેમ છે. જ્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવા(કોળી) ઘણા સમયથી એક્ટિવ છે. કોળીઓનું પ્રભુત્વ હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કોળી મતોનું વિભાજન થઈ શકે તેમ છે. જેથી આ સીટ બચાવવી મંત્રી દેવા માલમ માટે કપરા ચઢાણ સમાન છે. જેથી કોંગ્રેસ આ સીટ પર જીતી શકે છે.

માંગરોળ: ભાજપે આ સીટ પરથી સતત ત્રીજીવાર ભગવાનજી કરગઠિયાને તો કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ વાજાને અને આમ આદમી પાર્ટીએ ક્ષત્રિય એવા પીયૂષ પરમારને ટિકિટ આપી છે. ભાજપની કમિટેડ વોટબેંક ગણાતા ક્ષત્રિયો આપ તરફ વળે એવી શક્યતા છે. જેથી ભાજપના મતોમાં ગાબડું પડી શકે છે. મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર AIMIMના ઉમેદવાર પણ ચૂંટણી જંગમાં છે. પરંતુ AIMIM કોંગ્રેસના મત તોડતા હોવાનું સમીકરણ બેસાડી મુસ્લિમોને કોંગ્રેસે પોતાની તરફે કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેથી કોંગ્રેસે નુકસાન થતા અટકાવી લીધું છે. તો બીજી બાજુ સાંસદ રાજેશ ચુડસમાનું હોમટાઉન હોવાથી તેમની સાખ પણ દાવ પર લાગેલી છે. કોંગ્રેસના ધારાસભ્યને બે ટર્મની એન્ટીઇન્કમ્બન્સી નડી શકે છે. આમ આ સીટ પર ભાજપની જીત થઈ શકે છે.

ગીર-સોમનાથ જિલ્લો
સોમનાથ: સીટ પરથી પૂર્વ ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના ભત્રીજા માનસિંહ પરમારને તો કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય અને કોળી વિમલ ચુડાસમાને અને આમ આદમી પાર્ટીએ આહિર સમાજના જગમાલ વાળાને ટિકિટ આપી છે. ભાજપે આ સીટ પર પાંચમા ક્રમે આવતા કારડિયા સમાજના ઉમેદવાર ઉતાર્યા છે. કોળી (50,000), મુસ્લિમ (47000), ખારવા (30,000) અને આહિરો (25000) નું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર ભાજપ ઉમેદવાર પસંદગીમાં થાપ ખાય ગયો હોવાનું કહેવાય રહ્યું છે. આ ઉપરાંત તેઓ નવોદીત હોવાથી લોકપ્રિયતા પણ નથી. તેની સાથે સાથે ભાજપે પૂર્વ મંત્રી જસાબારડ અને પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાને ટિકિટ આપી નથી, જેથી ભાજપમાં આંતરિક જૂથબંધી પણ જોવા મળે છે. રાજશી જોટવા અને જસા બારડ મુસ્લિમ મતોને ડાયવર્ટ કરવામાં પણ માહેર ગણાય છે. તેની સાથે સાથે ભાજપ માટે સૌથી મોટો પડકાર બે વર્તમાન અને વિચારધારાથી ભાજપી એવા નગર સેવક એવા ડો.ઇશ્વર સોનેરી અને ઉદય શાહ ભાજપના મત તોડી શકે તેમ છે. તો જગમાલ વાળા કોંગ્રેસના મતોમાં ભાગ પડાવે એવી શક્યતા છે. આમ કોંગ્રેસના વિમલ ચુડાસમાની લીડ ઘટી શકે, પરંતુ જીતની શક્યતા ઉજળી છે.

તાલાલા: માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા વર્તમાન ધારાસભ્ય અને આહિર સમાજના ભગવાનભાઈ બારડને તો કોંગ્રેસે કારડિયા રાજપૂત સમાજના માનસિંહ ડોડિયાને અને આમ આદમી પાર્ટીએ કોળી સમાજના દેવેન્દ્ર સોલંકીને ટિકિટ આપી છે. આ સીટ પર 55000થી વધુ કોળી અને આહિરોના 33000 તો પાટીદારોના 30,000 જ્યારે કારડિયા સમાજના 25000 મતદારો છે. આ સીટ પર જસુભાઈ બારડના ભાઈ ભગવાનભાઈ ભાજપમાંથી ચૂંટણી લડે છે. બારડ પરિવારનું મજબૂત સંગઠન અને તેની સાથે ભાજપનું સંગઠન મળીને તેમની સ્થિતિ મજબૂત કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની કોળી મત સિવાય અન્ય જ્ઞાતિ પર પકડ નથી. તેની સાથે સાથે ભાજપે નારાજ પાટીદારોને પણ મનાવી લીધા છે. તો બીજી તરફ ભગવાન બારડે કોંગ્રેસ છોડી દીધી હોવાથી કોંગ્રેસનું સંગઠન નબળુ પડ્યું છે અને આગેવાનોની પણ ખોટ છે. જેથી આ સીટ પર ભાજપના ભગવાન બારડની જીતની શક્યતા છે.

કોડીનાર: આ સીટ પરથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપીને RTI કાર્યકર્તા મહેશ મકવાણાને જ્યારે ભાજપે ડો. પ્રદ્યુમન વાજાન અને આમ આદમી પાર્ટીએ વેલજીભાઈ મકવાણાને ટિકિટ આપી છે. કોળી, મુસ્લિમ, કારડિયા રાજપૂત અને દલિતોનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર ભાજપ આક્રમક પ્રચાર કરી રહ્યો છે. તેમજ પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી પણ ભાજપને જીતાડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની પણ સભાઓ ગજવી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર અને એક સ્વચ્છ છબિ ધરાવે છે. તો બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહન વાળાએ ટિકિટ કપાવાથી અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ (દીનુ બોઘાને પણ હરાવ્યા હતા) એ ટિકિટ ન મળવાથી રાજીનામા આપી દીધા છે. આમ કોંગ્રેસના બન્ને પૂર્વ ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા છે. જેથી કોંગ્રેસનું સંગઠન જ રહ્યું નથી. માત્ર એટલું જ નહીં, કોંગ્રેસના મહેશ મકવાણાનો કોઈ પ્રભાવ નથી. નજીવા માર્જિનથી હાર-જીત થશે. હાલ ભાજપ નજીવી લીડથી જીતી જાય એવી શક્યતા છે.

ઉના: આ સીટ પરથી ભાજપે પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડ અને કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય પૂંજા વંશને અને આમ આદમી પાર્ટીએ સેજલબેન ખૂંટને ટિકિટ આપી છે. આ સીટ પર 1 લાખ કોળી મતદારો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોળી સમાજના છે જ્યારે આપમાંથી પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના ઉમેદવારની છબિ દબંગની છે. તેમજ ચૂંટણી પ્રચારમાં આહિર સમાજના સરપંચ અને દાતા તરીકે જાણીતા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો. જેથી આહિરોના મત લેવા માટે આ નિવેદન આડે આવ્યું હોય શકે છે. તેમજ વેપારી વર્ગ પણ ભાજપના ઉમેદવારથી નારાજ છે. તો કોંગ્રેસના પૂંજાભાઈ સરળ અને લોકો વચ્ચે રહેનારા અને લોક પ્રશ્નો ઉઠાવનારા છે. ઉનાના પાટીદારોમાં પણ તેઓ પ્રભુત્વ ધરાવે છે. જો તેમને એન્ટી ઇન્કમબન્સી નડે તો જ સમસ્યા થશે. આમ પૂંજાભાઈ વંશ માટે આ સીટ જીતવાની શક્યતા પ્રબળ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.