હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા, અલ્પેશ ઠાકોરનું પાણી મપાઈ જશે ?
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર તરીકે ભાજપના સ્થાનિક કાર્યકરોએ સ્વીકાર્યા છે. ભાજપના કાર્યકરો કામે તો લાગી જ ગયા છે, પરંતુ સ્થાનિક સિનિયર આગેવાનોને ટિકિટ ના આપતાં આંતરિક રોષ તો જોવા મળી જ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક પાટીદાર ઉમેદવાર હિમાંશુ પટેલ છેલ્લા એક વર્ષથી પ્રચાર કામમાં લાગી જતાં મજબૂત ગ્રાઉન્ડ ઊભું કરી શક્યા છે તેવા દાવા થઈ રહ્યા છે. આમ, આંતરિક રોષ અને મજબૂત ગ્રાઉન્ડ લેવલ વચ્ચે ભાજપ આ બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સીટ પર સીધી શાહની નજર પણ મંડાયેલી છે.
વિધાનસભા ક્રમાંક-39, એટલે કે વિરમગામ વિધાનસભામાં એવું કહેવાય છે કે જેની સરકાર હોય તે સરકારની વિરુદ્ધનો ધારાસભ્ય હોય. છેલ્લાં 10 વર્ષથી અહિં કોંગ્રેસની સરકાર છે. ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં તેજશ્રીબહેન પટેલને ભાજપમાંથી ટિકિટ મળી હતી. પરંતુ જનતાએ તેમને પક્ષપલટું કહીને જાકારો આપ્યો હતો. વિરમગામ વિધાનસભા માટે નિર્ણાયક ગણાતા વિસ્તાર એવા નળકાંઠામાં ખૂબ પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના પ્રેમજીભાઈ વડલાણીના કારણે વર્ષોથી નળકાંઠો કોંગ્રેસનો ગઢ રહ્યો છે પરંતુ હવે પ્રેમજીભાઈ આ દુનિયામાં નથી ત્યારે આ વખતે નળકાંઠો કોના તરફ રહેશે તે પણ મહત્ત્વનો વિષય છે. ત્યારે આ વખતે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપી છે ત્યારે જોવાનું એ છે કે આ વખતે પણ વિરમગામ પક્ષ પલટો કરનારને હરાવશે કે વિરમગામની ગાદી પર બેસાડશે.
ડેરી લેવા જતાં વિધાનસભા સીટ ગુમાવશે?
પાટીદાર આંદોલનની અસર હોવા છતાં 2017માં વીસનગર સીટ પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 2869 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે કોંગ્રેસે કિરીટ પટેલને ટિકિટ આપી છે. આ સીટ પર ચૌધરી સમાજના 25 હજાર કરતાં વધુ મત હોવાથી તેમના મત નિર્ણાયક માનવામાં આવે છે. વિપુલ ચૌધરી હાલ દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ કરવાના આરોપસર જેલમાં છે. થોડા સમય પહેલાં મહેસાણા પોલીસે તેમની ધરપકડ કરી હતી. મહેસાણા કોર્ટે તેમના જામીન નામંજૂર કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ત્યાર બાદ અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજી પણ અર્બુદા સેના દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરીના સમર્થકોને હરાવીને ઋષિકેશ પટેલ અને અશોક ચૌધરીએ સત્તા મેળવી છે, જેનો વિરોધ અર્બુદા સેના કરી રહી હોવાથી ભાજપ માટે આ બેઠક સંવેદનશીલ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button