જૂનાગઢમાં બે રીક્ષા ચાલકને દારૂમાં સાઈનાઈડ ભેળવી મોતને ઘાટ ઉતારી દીધા,
જૂનાગઢમાં સોમવારે સાંજે કેફી પીણું પીધા બાદ પળવારમાં જ બે રીક્ષા ચાલક ટપોટપ મોતને ભેટ્યા હતા. ચૂંટણી ટાણે જ બે રીક્ષા ચાલકે લઠ્ઠો પીવાથી મોત થયાની અફવા ફેલાતા પોલીસ તંત્ર ધંધે લાગી ગયું હતું. પરંતુ એફએસએલ રિપોર્ટમાં બંને રીક્ષા ચાલકે દારૂની સાથે સાઈનાઈડ પીવાથી મોત થયાનું બહાર આવતા પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જેમાં પરિણીતા સાથેના આડા સબંધમાં આડખીલીરૂપ રીક્ષા ચાલકને પતાવી દેવાનું પૂર્વયોજિત કાવતરું હોવાનું બહાર આવતા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત પાંચ શખ્સોની અટકાયત કરી પુછપરછ કરતા પૂર્વયોજિત કાવતરું રચી દારૂના બંધાણીને દારૂની બોટલમાં જ સાઈનાઈડ ભેળવી પીવડાવી દીધાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામી છે.
આ ઘટના અંગેની જાણવા મળતી સિલસિલાબંધ વિગત મુજબ જૂનાગઢમાં ગાંધી ચોકમાં ગત તા. 29-11-2022ના સાંજે પ્લાસ્ટીકની બોટલમાં ભરેલ કેફી પીણું પીધા બાદ રીક્ષા ચાલક રફિક હસન ઘોઘારી ઘટના સ્થળે ઢળી પડ્યો હતો. તેને જોઈને તેના મિત્ર રીક્ષા ચાલક ભરત છગન દરજીએ ‘તુ શું નાટક કરશ’ તેમ કહી તેણે પણ કેફી પીણું પીધા બાદ તે પણ બેભાન થઈ ગયો હતો. અને બંનેને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા.
ચૂંટણીના માહોલ ટાણે જ બે રીક્ષા ચાલકે કેફી પીણું પીધાથી મોત થયું હોય લઠ્ઠાકાંડની વાયુવેગે અફવા ફેલાઈ હતી. તેના પગલે પોલીસ તંત્ર ધંધે લાગી ગયું હતું. બંને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી હતી. જેના પૃથક્કરણમાં બંને યુવાને દેશી દારૂની સાથે સાઈનાઈડ પીધું હોવાનું બહાર આવ્યું હતું અને તેના કારણે જ બંનેના મોત થયાનો ઘટસ્ફોટ થયો હતો. બંને રીક્ષા ચાલકે સાઈનાઈડ ક્યાં કારણોસર પીધું તે મુદ્દે એલસીબીએ હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જેમાં આ બંને યુવાનની હત્યા પૂર્વયોજિત કાવતરું હોવાની હકીકત બહાર આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. બેવડી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરતા બેવડી હત્યા પાછળ અનૈતિક સબંધ કારણભુત હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે રીક્ષા ચાલક રફિક હસન ઘોઘારીની પત્નીની અટકાયત કરી પુછપરછ કરતા પોતાના વિસ્તારમાં રહેતા આસિફ નામના યુવાન સાથે પરિણીતાને આડા સબંધ હોય જેમાં રીક્ષાચાલક આડખીલીરૂપ બનતો હોય પતિનું કાસળ કાઢી નાખવાની પ્રેમીને વાત કરી હતી. પરિણીતાએ પ્રેમી સમક્ષ એવી હકીકત વર્ણવી હતી કે, પતિ દરરોજ દારૂ પીને ઘરે આવીને મારકુટ કરે છે. મને તેના ત્રાસમાંથી છોડાવો મારે તેની સાથે નથી રહેવું મારે તારી સાથે રહેવું છે. આવી વાત કરી હતી. પ્રેમિકાની વાતમાં આવી જઈ આસિફે રીક્ષા ચાલક રફિકની હત્યાનો મનસુબો ઘડી કાઢી પોતાના મિત્ર અને સુખનાથ ચોકમાં રહેતા ઈકબાલ શેખ ઉર્ફે આઝાદને વાત કરતા ઈકબાલે જેતપુરના પટેલ શખ્સ પાસેથી સાઈનાઈડની વ્યવસ્થા કરી આપી હતી. જેતપુર ખાતેથી ઈકબાલ અને આસિફ સાઈનાઈડ લઈ આવ્યા બાદ રફિકની રીક્ષામાં પડેલ દારૂની બોટલમાં સાઈનાઈડ ભેળવી દીધું હતું. જેનું સેવન કર્યા બાદ બંને રીક્ષા ચાલકના ટપોટપ મોત થયા હતા. દારૂ પીધા બાદ બંને રીક્ષા ચાલકના મોત થતા આરોપીઓએ જ લઠ્ઠાકાંડની અફવા ઉડાવી બેવડી હત્યાની ઘટનાને લઠ્ઠાકાંડમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એફએસએલના રિપોર્ટ અને એલસીબીની તપાસમાં સમગ્ર હકિકતનો ભાંડાફોડ થયો છે. આ બનાવમાં પોલીસે નામચીન શખ્સ સહિત પાંચ શખ્સોને ઉઠાવી લઈ તેમની સામે પૂર્વયોજિત કાવતરું રચી બેવડી હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના પટેલ શખ્સ પાસેથી સાઈનાઈડ લીધાનું ખુલ્યું
જૂનાગઢમાં અનૈતિક સબંધમાં આડખીલીરૂપ રીક્ષા ચાલકને પતાવી દેવાના પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે જૂનાગઢના મુખ્ય કાવતરાખોર ઈકબાલ આઝાદે જેતપુરના પટેલ શખ્સ પાસેથી સાઈનાઈડ ખરીદી પોતાના મિત્ર આસિફને આપ્યું હતું અને આસિફે સાઈનાઈડ દારૂમાં ભેળવી દીધું હતું. જેનું સેવન કરવાથી બે રીક્ષા ચાલકના મોત થયા છે.
ચાલક પોતાની રીક્ષામાં જ દારૂની બોટલ ભરીને રાખતો હતો
જૂનાગઢમાં રહેતા રીક્ષા ચાલક રફિક હસન ઘોઘારીને દારૂની લત લાગી જતા તે પોતાની રીક્ષામાં જ દેશી દારૂ ભરેલી પ્લાસ્ટીકની બોટલ રાખતો હતો. જે વાત આરોપી અને તેની પત્ની જાણતા હોય રીક્ષા ચાલકે પોતાની રીક્ષા રેઢી મુકી ત્યારે જ તેમાં ભરેલ દારૂની બોટલમાં સાઈનાઈડ ભેળવી દીધું હતું.
લોકલ ક્રાઈમ બ્રાંચની કાબીલે દાદ કામગીરી
જૂનાગઢમાં ચાર દિવસ પહેલા બે રીક્ષા ચાલકના શંકાસ્પદ મોત બાદ ફોરેન્સિક રિપોર્ટમાં સાઈનાઈડ દારૂમાં ભેળવી પીવાથી મોત થયાનું ખુલ્યા બાદ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાંચે સાઈનાઈડ ક્યાંથી આવ્યું તે જાણવા તપાસ કરતા પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે બેવડી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button