વિકાસ ઉપાધ્યાયને વિજ્ઞાન પત્રકારત્વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશે
મુંબઇ સ્થિત અને વિશ્વવિખ્યાત ગુજરાતી ખગોળવિજ્ઞાની ડો. જે. જે. રાવલના અધ્યક્ષપણા હેઠળ પાછલા બે દાયકાથી ચાલતી વિજ્ઞાન અને ખગોળવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર તથા સંશોધન માટે કાર્ય કરતી. દેશમાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ ઈ.સ. 2004 માં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ચૂકેલી ‘ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી’ દ્વારા સાયન્સ પોપ્યુલરાઈઝેશન માટે સાયન્સ કમ્યુનિકેટર -જર્નાલિસ્ટના નોંધપાત્ર પ્રદાન માટે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
એ અંતર્ગત ઈ.સ. 2021-22 ના વર્ષ માટેનો ‘સોહનરાજ શાહ એવોર્ડ’ દમણગંગા ટાઈમ્સના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્યાયને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિકાસ ઉપાધ્યાયને આ પહેલા વર્ષ 2017માં ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રનો અતિપ્રતિષ્ઠિત ‘હરીન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ’ પણ એનાયત થઈ ચૂકયો છે. અને અખબારના રજતજયંતિ વર્ષમાં જ એમને તેમના વિજ્ઞાન પત્રકારત્વ અને લેખન થકી વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડની જાહેરાત થઈ છે. ધ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે. જે. રાવલના જણાવ્યા મુજબ મૂળ વલસાડ જિલ્લાના સરીગામના અને મુંબઈના બોરીવલીમાં સ્થાયી થયેલા વિજ્ઞાનપ્રેમી સોહનરાજ શાહ દ્વારા આપવામાં આવેલા ફંડમાંથી તેમના નામે સોસાયટીએ આ એવોર્ડની સ્થાપના કરી હતી. સોહનરાજ શાહને વિજ્ઞાનમાં ખુબ જ રસ હતો અને જૈફવયે પણ તેઓ નિયામિત ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીની મુલાકાત લેતા હતાં. વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં તેઓ વ્યાખ્યાનો પણ આપતા. તેમના નામે સ્થાપિત આ એવોર્ડ તેમના વતનના વલસાડ જીલ્લાના જ પત્રકારને આ વર્ષે એનાયત થઈ રહ્યો છે. આ એવોર્ડ માટે દમણગંગા ટાઈમ્સના વિકાસ ઉપાધ્યાયના નામની જાહેરાત થતા જ જિલ્લાના પત્રકાર આલમમાં ખુશીનો માહોલ છવાયો હતો. જિલ્લાના તમામ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ મીડિયાના પત્રકારોએ વિકાસ ઉપાધ્યાયને અભિનંદન પાઠવ્યા છે. તેમજ વલસાડનું ગૌરવ વધારતા રહે પત્રકારત્વક્ષેત્રે સમાજ ઉપયોગી માહિતી પ્રસારિત કરી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સાયન્સ કમ્યુનિકેશન અને વિજ્ઞાન પ્રચારના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવોર્ડ છે. વર્ષ 2002 થી અપાતો આ એવોર્ડ વિદ્વાન અને નોંધપાત્ર પ્રદાન કરનાર વિજ્ઞાન પ્રચારકોને આપવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્રના 75થી વધુ પુસ્તકોના જાણીતા સિધ્ધહસ્ત વિજ્ઞાન લેખક ડો. મોહન આપ્ટે, હિમાચલ પ્રદેશના અને ઉર્જા સંશોધન ક્ષેત્રમાં જેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વમાં ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોમાં સામેલ કરાયેલા અને અનેક સંશોધનપત્રોના લેખક ડો. એસ.એસ. ચંડેલ, મહારાષ્ટ્રમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડીયન એકપ્રેસ, ફ્રી પ્રેસ જર્નલ જેવા માતબર અખબારોના વરિષ્ઠ પત્રકાર તથા ‘સાયન્સ એન્ડ સોસાયટી’ મેગેઝીનના સ્થાપક અને નહેરુ સેન્ટરના ડિરેકટર (પબ્લેશન્સ) પી.કે. રવિન્દ્રનાથન, ગુજરાતના કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)ના મેમ્બર સેક્રેટરી અને અમદાવાદની સાયન્સસીટી વિકસાવવામાં સિંહફાળો આપનારા તથા ઈન્ડિયન નેશનલ સાયન્સ કોંગ્રેસનો વિજ્ઞાન લોકપ્રિયકરણ માટેનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ડો. નરોત્તમ શાહુ, રાજકોટના ઓ.વી. શેઠ લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક અને અનેક વિજ્ઞાન વિષયક પુસ્તકોના લેખક અને સંશોધક ડો. રમેશ ભાયાણી, મિનેષ મેઘાણી, અમદાવાદના જાણીતા સાયન્સ કમ્યુનિકેટર ધનંજય રાવલ, જાણીતા વિજ્ઞાન લેખક ભાલચંદ્ર જાની, ઉપરાંત ડો. અજય પટવર્ધન, પ્રા. રાજેશ્વરી શર્મા, સાયરસ સિધવા જેવા જાણીતા વિદ્વાન વિજ્ઞાન લેખકો અને વિજ્ઞાન પ્રચારકોને આ એવોર્ડ એનાયત થઈ ચૂકયો છે. ‘સોહનરાજ શાહ એવોર્ડ’માં એક સિલ્વર મેડલ, પ્રશસ્તિપત્ર અને શાલથી વિજેતાને સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ એનાયત કરવાના કાર્યક્રમનું સ્થળ અને સમય હવે પછી જાહેર કરાશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button