ઓછા મતદાને પક્ષોને વિચારતા કર્યા, પાટીદાર બેઝ હોટ સીટો પર સામાન્ય મતદાનથી તર્કવિતર્ક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થયું હતું. બપોર સુધી મતદાન નીરસ હતું જોકે બપોર બાદ મતદાનમાં થોડો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમ છતાં ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં 5 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 2017માં પ્રથમ તબક્કામાં 67 ટકાથી વધુ મતદાન થયું હતું. જેની સરખામણીએ આ વખતે 63.14 ટકા મતદાન થયું છે. સામાન્ય મતદાને રાજકીય પક્ષોને વિચારતા કર્યા છે. ખાસ કરીને પાટીદારના ગઢ સમી બેઠકો પર સામાન્ય મતદાનથી અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યાં છે.
રાજકીય પંડિતો જાત-જાતની અટકળો લગાવી રહ્યાં છે. ખાસ કરીને જ્ઞાતિ ફેક્ટરનો મુદ્દો કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ‘પી’ ફોર ‘પોલ’, ‘પાવર’ ફોર પાટીદારની ગણતરીઓ મુકાઈ રહી હતી. જોકે પાટીદારના ગઢ સમી બેઠકો પર સામાન્ય મતદાન થતા અનેક સવાલો ખડા થયા છે. સૌરાષ્ટ્રની 54 બેઠકોમાંથી ભાજપે 18, કોંગ્રેસે 16 અને આપે 19 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ઉભા રાખ્યા છે. એક તબક્કે કુલ 30 ટકા બેઠકો પર પાટીદાર પાવરના કરન્ટનો વિષય ખાસ્સો ચર્ચામાં રહ્યો છે. જોકે મતદાતાઓએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે 8 ડિસેમ્બરના રોજ જાણી શકાશે.
પાટીદાર વિસ્તારોમાં અપેક્ષા કરતા ઓછું મતદાન
સુરતના પાટીદાર વિસ્તારોમાં અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે. જેના કારણે રાજકીય પંડિતો અચંબામાં પડી ગયા છે. સુરતની 12 બેઠકોમાંથી 6 બેઠકો પર પાટીદાર મતદાતાઓ નિર્ણાયક ભૂમિકામાં છે. જેમાં કરંજ, કતારગામ, કામરેજ, ઓલપાડ, સુરત ઉત્તર અને વરાછા રોડ છે. જોકે આ બેઠકો પર રેકોર્ડ બ્રેક મતદાનની આશા હતી પરંતુ ધાર્યા મુજબ મતદાન થયું નથી. પ્રથમ તબક્કામાં પાટીદારોના પ્રભૂત્વવાળી 23 બેઠકો પર 2022માં 58.59 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 2017માં આ બેઠકો પર 64.43 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપા કુલ ઉમેદવારોમાંથી 44 પાટીદાર છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની 54 બેઠકો પર ભાજપ માટે પાટીદાર વોટ માટેની લડાઈ કઠિન હોવાના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યાં હતા, તેવામાં ઓછું મતદાન થવાથી ચૂંટણીમાં ઉત્તેજના વ્યાપી રહી છે.
સૌરાષ્ટ્રના મુખ્ય પાટીદાર ચહેરા
સૌરાષ્ટ્રના મુખ્ય પાટીદાર ચહેરાની વાત કરવામાં આવે તો રમેશ ટીલાળા, શિવલાલ બારસિયા, રાઘવજી પટેલ, ચિમન શાપરીયા, ચીરાગ કાલરિયા, કાંતિલાલ અમૃતિયા, લલિત કગથરા, જયેશ રાદડિયા, લલિત વસોયા, સંજય કોરડિયા, હર્ષદ રિબડિયા અને પરેશ ધાનાણી છે.
અનેક મોટા માથાઓની કિસ્મત ઈવીએમમાં કેદ, શ્વાસ અદ્ધર: પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપ સરકારના 11 મંત્રીઓ અને મોટા માથાઓના નસીબ ઇવીએમમાં કેદ થયા છે. જેમાં જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, કનુ દેસાઈ, જીતુ ચૌધરી, રાઘવજી પટેલ, પૂર્ણેશ મોદી, મુકેશ પટેલ, દેવાભાઈ માલમ, વિનોદ મોરડિયા, કિરિટસિંહ રાણા તથા નરેશ પટેલ છે. એવીજ રીતે કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત કગથરા, અમરીશ ડેર, મોહમ્મદ જાવેદ પીરજાદા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ઋત્વિક મકવાણા, અર્જૂન મોઢવાડિયા છે. તો આપમાંથી ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયાનું ભાવિ દાવ પર છે.
પાટીદારોના પ્રભૂત્વવાળી 23 બેઠકોના મતદાનનો આંકડો ટકાવારીમાં
બેઠક | 2012 | 2017 | 2022 |
95 – અમરેલી | 68.42 | 63.35 | 56.5 |
94 – ધારી | 67.15 | 59.9 | 52.83 |
97 – સાવરકુંડલા | 62.09 | 56.42 | 54.19 |
96 – લાઠી | 70.64 | 61.89 | 58.67 |
73 – ગોંડલ | 76.85 | 65.64 | 62.81 |
75 – ધોરાજી | 70.83 | 63.13 | 57.2 |
74 – જેતપુર | 73.49 | 70.92 | 63.28 |
68 – રાજકોટ પૂર્વ | 68.99 | 67.26 | 62.2 |
69 – રાજકોટ પશ્ચિમ | 63.58 | 68.48 | 57.12 |
70 – રાજકોટ દક્ષિણ | 64.61 | 64.58 | 58.99 |
65 – મોરબી | 73.44 | 71.67 | 67.16 |
66 – ટંકારા | 76.26 | 74.43 | 71.7 |
64 – ધ્રાંગધ્રા | 75.52 | 69.94 | 67.48 |
80 – જામજોધપુર | 75.26 | 66 | 65.42 |
85 – માણાવદર | 73.1 | 65.72 | 61.17 |
88 – કેશોદ | 66.48 | 61.6 | 62.05 |
87 – વિસાવદર | 66.29 | 62.24 | 56.1 |
86 – જૂનાગઢ | 61.94 | 60.45 | 55.82 |
162 – કરંજ | 64.63 | 55.99 | 50.54 |
158 – કામરેજ | 72.18 | 64.8 | 60.28 |
161 – વરાછા રોડ | 68.68 | 63.03 | 56.38 |
160 – સુરત ઉત્તર | 67.97 | 64.06 | 59.24 |
166 – કતારગામ | 68.72 | 65.01 | 64.08 |
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button