અદાણી ગ્રુપ રિડેવલપમેન્ટ કરશે
અદાણી જૂથ મંગળવારે મુંબઈમાં ધારાવીના ઝૂંપડપટ્ટીના પુન:વિકાસના પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું છે.ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના સમૂહે પ્રોજેક્ટ માટે રૂ. ૫,૦૬૯ કરોડની બિડ સબમિટ કરી હતી, જ્યારે ડીએલએફ ગ્રૂપે રૂ. ૨,૦૨૫ કરોડની બોલી કરી હતી.
શ્રીનિવાસે જણાવ્યું કે બિડમાં કુલ ત્રણ બિડર હતા. જો કે, માત્ર અદાણી અને ડીએલએફ અંતિમ બિડિંગમાં ક્વોલિફાઈ થયા જ્યારે અન્ય બિડર નમન ગ્રુપ ક્વોલિફાઈ નહોતા થયા. તેમણે વધુમાં જણાવ્યું કે તેમનું કાર્યાલય રાજ્ય સરકારનો સંપર્ક કરીને હવે પછી લેવાનારા પગલા વિશે નિર્ણય કરશે અને પ્રોજેક્ટ માટે વિશેષ કમિટીનું ગઠન કરશે.
પ્રોજેક્ટ હેઠળ સ્લમના ૬.૫ લાખ રહેવાસીઓનું પુનર્વસન કરાશે જેઓ હાલ ૨.૫ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા એરીયામાં નિવાસ કરી રહ્યા છે. તેમાં વિશ્વના સૌથી મોટા સ્લમ ગણાતા ધારાવીમાં ઈમારતો અને અનૌપચારિક ટેનામેન્ટના પુન:વિકાસ તેમજ પાણી પુરવઠા અને ગટર જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ સામેલ હશે.
અદાણી જૂથ અને રાજ્ય સરકારની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્પેશિયલ પરપઝ વેહિકલની રચના કરશે. પ્રોજેક્ટ સાત વર્ષમાં પૂરો થવાની ધારણા છે એવી જાણકારી શ્રીનિવાસે આપી હતી.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં પ્રિ-બિડ મીટિંગમાં દક્ષિણ કોરિયા અને યુએઈ સ્થિત કંપનીઓ સહિત આઠ કંપનીઓએ હાજરી આપી હતી. જો કે એમાંથી માત્ર અદાણી જૂથ, ડીએલએફ અને મુંબઈ સ્થિત નમન ડેવલપર્સે પ્રોજેક્ટ માટે બિડ કર્યું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button