કુલ ડિપોઝીટમાં બચત થાપણોનો હિસ્સો ઘટીને ૩૪.૭ ટકા થયો
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કોની ક્રેડિટ વાર્ષિક ધોરણે ૧૭.૨ ટકા વધી હતી. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં બેન્ક ક્રેડિટ ગ્રોથ સાત ટકા રહ્યો હતો. બેન્ક ધિરાણમાં વધારો ઈકોનોમીની આર્થિક પ્રવૃત્તિમાં વધારો સૂચવે છે.
સપ્ટેમ્બર-૨૦૨૨ માટે જાહેર ક્ષેત્રની બેંકોની થાપણો અને લોનના ત્રિમાસિક ડેટા જાહેર કરતા, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું, ધિરાણમાં વૃદ્ધિ બેલેન્સડ રહી છે. તમામ વસ્તી જૂથો અને બેન્ક જૂથોએ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન ધિરાણમાં ૧૦ ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે.
આ ડેટા તમામ શિડયુલ્ડ કોમર્શિયલ બેંકો પાસેથી એકત્રિત કરવામાં આવ્યો છે. તેમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકોનો સમાવેશ થાય છે.આરબીઆઈના ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લોનમાં ૧૭.૨ ટકાનો વધારો થયો છે. અગાઉના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લોન વૃદ્ધિ ૧૪.૨ ટકા હતી. તે જ સમયે તે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આંકડો સાત ટકા હતો.
ડેટા મુજબ જૂન ૨૦૨૧થી કુલ થાપણ વૃદ્ધિ વાર્ષિક ૯.૫ અને ૧૦.૨ ટકાની રેન્જમાં રહી છે. જોકે સપ્ટેમ્બર ૨૦૨૨માં તે ૯.૮ ટકા હતો. ગ્રામીણ, અર્ધ-શહેરી અને શહેરી વિસ્તારોની તુલનામાં મેટ્રોપોલિટન વિસ્તારોમાં બેન્ક શાખાઓ ડિસેમ્બર ૨૦૨૦થી વાર્ષિક ધોરણે ઊંચી વૃદ્ધિ નોંધાવી રહી છે.
આરબીઆઈએ જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રના બેન્ક સમૂહોએ થાપણો ઉમેરવામાં જાહેર ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને પાછળ છોડી રહ્યા છે. ડેટા મુજબ ફિક્સ્ડ ડિપોઝિટ વૃદ્ધિ વાર્ષિક ધોરણે સપ્ટેમ્બર, ૨૦૨૨માં ૧૦.૨ ટકા થઈ, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૬.૪ ટકા હતી. જોકે ચાલુ અને બચત થાપણોની વૃદ્ધિ એક વર્ષ અગાઉના ક્રમશ: ૧૭.૫ ટકા અને ૧૪.૫ ટકાથી ઘટીને ૮.૮ ટકા અને ૯.૪ ટકા થઈ છે.
તાજેતરના ત્રિમાસિક ગાળામાં કુલ થાપણોમાં બચત થાપણોનો હિસ્સો સામાન્ય ઘટીને ૩૪.૭ ટકા થયો હતો, એમ આરબીઆઈએ જણાવ્યું હતું. તે જૂન ૨૦૧૯માં ૩૨.૪ ટકાથી વધીને જૂન ૨૦૨૨માં ૩૫.૨ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button