મેસીએ ક્લાસિક ગોલ ફટકારતાં ટીમને સરસાઈ અપાવી
મેસીએ આખરે આગવી લય મેળવવાની સાથે ગોલ ફટકારતાં આર્જેન્ટીનાએ કરો યા મરોના મુકાબલામાં મેક્સિકોને ૨-૦થી હરાવીને ફિફા વર્લ્ડકપમાં આગેકૂચની આશા જીવંત રાખી હતી. સાઉદી અરેબિયા સામેના ૧-૨ના આંચકાજનક પરાજય બાદ આર્જેન્ટીના પર બહાર ફેંકાવાનો ભય સર્જાયો હતો. જોકે મેસી અને ૨૧ વર્ષીય સ્ટાર ફર્નાન્ડીઝના ગોલ તેમજ ગોલકિપર એમિલીનો માર્ટિનેઝના અસરકારક દેખાવને સહારે આર્જેન્ટીનાએ શાનદાર જીત હાંસલ કરી હતી.
વર્લ્ડ નંબર થ્રી અને તેના કરતાં ૧૦ ક્રમ પાછળ રહેલી મેક્સિકોની ટીમ વચ્ચે લુસાઈલ સ્ટેડિયમમાં
ખેલાયેલો મુકાબલો શરૃઆતમાં બરોબરીનો લાગી રહ્યો હતો. બંને ટીમોએ તબક્કાવાર આક્રમણ કર્યા હતા. જોકે કોઈ ગોલ નોંધાવી શક્યા નહતા. વેગાની ફ્રિકીક પર આર્જેન્ટીનાના ગોલકિપર એમિલીનો માર્ટિનેઝે જબરજસ્ત ડાઈવિંગ સેવ કરતાં બોલ ગોલમાં જાય તે પહેલા પકડી લીધો હતો. હાફ ટાઈમે બંને ટીમ ૦-૦થી બરોબરી પર હતી.
એક કલાકના સંઘર્ષ બાદ આખરે ૬૪મી મિનિટે બીજા હાફમા મેસીએ તેનો જાદુ ચલાવતા ગોલ ફટકાર્યો હતો અને આર્જેન્ટીનાને ૧-૦થી લીડ અપાવી હતી. આખરે નિર્ધારિત ૯૦ મિનિટ પુરી થવામાં ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે એન્ઝો ફર્નાન્ડેઝે ગોલ ફટકારતાં આર્જેન્ટીનાની સરસાઈને બેવડાવી દીધી હતી અને તે જ ફાઈનલ સ્કોર બની રહ્યો હતો.
મેસીનો આ ફિફા વર્લ્ડકપનો કુલ ૮મો ગોલ હતો અને તેણે મારાડોનાની બરોબરી મેળવી લીધી હતી. વર્લ્ડકપમાં આર્જેન્ટીના તરફથી સૌથી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ બાતીસ્તુતાના નામે છે, જેણે કુલ ૧૦ ગોલ નોંધાવ્યા છે.
આર્જેન્ટીના પર હજુ જોખમ યથાવત્
સાઉદી અરેબિયા સામે હાર્યા બાદ આર્જેન્ટીનાએ મેક્સિકોને હરાવ્યું હતુ. જ્યારે પોલેન્ડે મેક્સિકો સામેની ડ્રો મેચ બાદ સાઉદી અરેબિયાને હરાવ્યું હતુ. હવે આર્જેન્ટીના અને પોલેન્ડ અને સાઉદી અને મેક્સિકો ટકરાશે. જો આર્જેન્ટીના પોલેન્ડને હરાવે તો નોકઆઉટમાં પ્રવેશે. જો પોલેન્ડ અને આર્જેન્ટીનાની મેચ ડ્રો થાય અને સાઉદી મેક્સિકોને હરાવે તો આર્જેન્ટીના બહાર ફેંકાઈ શકે. જો પોલેન્ડ આર્જેન્ટીનાને હરાવે તો તેઓ બહાર ફેંકાય અને સાઉદી-મેક્સિકો મેચની વિજેતાની આગેકૂચ થાય.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button