વર્લ્ડકપના પોસ્ટર બોઈઝ પાછળ છૂપાયેલા ફૂટબોલના સુપરબ્રેઈન્સ

નાના કે મોટા કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ માટે આયોજન જરુરી છે. જ્યાં સુધી મઝિંલને હાંસલ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં ન આવે ત્યાં સુધી દિશાઓના દરવાજાને ખોલી શકાતા નથી. આયોજન અને પુરુષાર્થ એ સફળતા સુધી પહોંચવાની બે પાંખ છે. બંનેના સહિયારા પ્રયાસ થકી જ સિદ્ધિના શિખર સુધી પહોંચી શકાય છે. એકાદમાં રહેલી કચાશ હાથવેંતના અંતરને પણ જોજનોનું બનાવી દે છે. મધ્ય-એશિયા અને આરબ વિશ્વમાં સૌપ્રથમવાર વર્લ્ડકપના યજમાનીની હામ કતારે ભીડી છે અને મેદાન બહારના વિવાદોના શોરગુલ પર મેદાની જંગનો જાદુ હાવી થઈ રહ્યો છે, ત્યારે ચેમ્પિયન કોણ બનશે તે સવાલ બધાના મનમાં રમી રહ્યો છે.

દર ચાર વર્ષે યોજાતા ફૂટબોલના મહાકુંભમાં ભાગ લઈ રહેલા ૩૨ દેશોએ તેમના સુપરસ્ટાર્સને વિશ્વવિજયના સ્વપ્ન સાથે મેદાનમાં ઉતાર્યા છે. ફૂટબોલના મેદાને જંગમાં એક થી એક ચઢે તેવા દિગ્ગજ ખેલાડીઓ છે, પણ ખરું ફૂટબોલ તો સાઈડલાઈનની પાસે ઉભેલા કોચના દિમાગમાં ચાલતું હોય છે. તેજીલા તોખારની જેમ જોશ અને ઝનૂનથી ભરેલા ખેલાડીઓની કમાન ટીમના કોચના હાથમાં હોય છે, જે સતત ખેલાડીઓને સૂચના આપતા રહેવાની સાથે મેદાન પર પળેપળ બદલાતી પરિસ્થિતિમાંથી પોતાની ટીમને કેવી રીતે વિજેતા બનાવવી તેના આયોજનમાં ગળાડૂબ જોવા મળે છે.

ફૂટબોલ વર્લ્ડકપનું સ્ટેજ એ દરેક દેશને તેની કુશળતા અને આયોજનશક્તિનું પ્રમાણ દેખાડવાની તક આપે છે અને આ સાંઘિક રમતમાં ઘણીવાર વ્યક્તિગત કૌશલ્ય ધરાવતા ખેલાડીઓ ટીમને, કોઈ મોટું નામ ન ધરાવતી પણ એકબીજાની સાથે તાલમેલથી રમતી ટીમ ભારે પડી જતી હોય છે. કતાર ફૂટબોલ વર્લ્ડકપમાં શરુઆતના રાઉન્ડમાં સાઉદી અરેબિયાની આર્જેન્ટીના સામેની જીત એ તથ્યની પુનઃસાબિતી છે કે, સખત મહેનત ઘણીવાર કૌશલ્યની કુદરતી બક્ષિસ પર ભારે પડી જતી હોય છે. જોકે આર્જેન્ટીના સામેની મેચમાં સાઉદી અરેબિયાની જીતની પાછળ ફ્રેન્ચ કોચ હેર્વ રેનાલ્ડની અદભૂત વ્યુહરચના પણ કારણભૂત રહી અને તેના પર ફૂટબોલના જાણકારો પણ ઓવારી ગયા.

રેનાલ્ડે તેમની ડિફેન્સ કેડરને કુશળતાથી તૈયાર કરતાં આર્જેન્ટીનાની આક્રમણ પંક્તિને ૧૦વાર ઓફ-સાઈડ કરાવી. આના પરિણામે આર્જેન્ટીના એટેકમાં વધુ સાવધ બન્યા અને તેની સંખ્યા ઘટી જે પછી સાઉદીએ આક્રમણ વધાર્યા અને હરિફના ગોલ પર ત્રણ આક્રમણ કરતાં બે ગોલ ફટકાર્યા. રેનાલ્ડ પોતે ડિફેન્ડર રહી ચૂક્યા છે અને તેઓ ઝામ્બિયા તેમજ આઇવરી કોસ્ટને આફ્રિકન નેશન્સ ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. તેમના માર્ગદર્શનમાં સાઉદીની ટીમ ૧૮ મેચ જીતી છે, જે વિદેશી કોચના માર્ગદર્શનમાં સૌથી વધુ છે. વળી, રેનાલ્ડે કોચ તરીકેની કારકિર્દીની પ્રથમ વર્લ્ડકપ મેચમાં સનસનાટી મચાવી હતી.

વર્લ્ડકપ કોચીસમાં સૌથી હાઈપ્રોફાઈલ નામ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમના કોચ ડિડિયર ડેસ્ચેમ્પસનું છે. તેઓ કેપ્ટન તરીકે અને કોચ તરીકે વર્લ્ડકપ ટ્રોફી જીતવાનો અનોખો રેકોર્ડ ધરાવે છે. ૧૯૯૮માં ઝિદાનના મેજિકને સહારે ફ્રાન્સ વર્લ્ડકપ જીત્યું, ત્યારે તેઓ કેપ્ટન હતા. તેઓ એક દશકથી ફ્રાન્સના કોચ છે અને ગત વર્લ્ડ કપ જીત્યા બાદ આ તેમનો કોચ તરીકે ત્રીજો ફૂટબોલ મહાકુંભ છે. ફ્રાન્સના કોચ તરીકે ૧૦ વર્ષની કારકિર્દીમાં તેઓ ૧૩૩ મેચમાં ૮૫ જીત અને ૨૭ ડ્રો પરિણામ મળ્યા છે ને તેઓ માત્ર ૨૧ મેચ હાર્યા છે. આ આંકડા જ તેમની કુશળતાનું પ્રમાણ છે.

ટાઈટલના દાવેદાર તરીકે ઉભરી આવેલા ઈંગ્લેન્ડના કોચ ગારેથ સાઉથગેટ પણ ઓલ્ડ વાઈનની જેમ સમયની સાથે વધુ આક્રમક અને પ્રભાવશાળી સાબિત થઈ રહ્યા છે. કેપ્ટન હેરી કેન, બુકાયો સાકા, રહિમ સ્ટર્લિંગ સહિતના ખેલાડીઓ સાથેનું તેમનું કોમ્બિનેશન તેમજ ઈંગ્લેન્ડ તરફથી ૧૯૯૮નો વર્લ્ડકપ અને બે યુરોપીયન ચેમ્પિયનશિપ રમવાનો અનુભવ પણ તેમને ફૂટબોલના સુપરબ્રેઈન્સ તરીકે સાબિત કરવા પુરતું છે. ગત વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડને સેમિ ફાઈનલ સુધી પહોંચાડનારા સાઉથગેટની વન-ટચ ગેમ ભલભલી ટીમોને ભારે પડી શકે છે. સાઉથગેટની વ્યુહરચનાની સરખામણીમાં બ્રાઝિલના કોચ ટીટેનો અંદાજ જરા જુદા પ્રકારનો છે.

ભારતમાં જેવું ક્રિકેટનું સ્થાન છે, તેવું જ ફૂટબોલનું સ્થાન બ્રાઝિલમાં છે. હાઈપ્રોફાઈલ પ્લેયર્સ અને અનેક કડક મિજાજી ટીકાકારોની વચ્ચે ટીટેએ છ વર્ષથી પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ગત વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલની હાર પછી બ્રાઝિલ તેના વીસ વર્ષના વર્લ્ડકપ દુષ્કાળના અંતની આશા સાથે ટીટે પર મીટ માંડી રહ્યું છે. બ્રાઝિલીયન લેજન્ડ મારિયો ઝગાલોના સમયમાં જોવા મળતા જોશ અને ઝનૂન અને આક્રમકતા ટીટેની બ્ર્રાઝિલની ટીમમાં છે અને તેઓ પેલેનું છઠ્ઠા વર્લ્ડકપનું સ્વપ્ન સાકાર કરવા થનગની રહ્યા છે.

વિશ્વ ફૂટબોલમાં ભારે આદરપાત્ર સ્થાન ધરાવતા નેધરલેન્ડના કોચ લુઈસ વાન ગાલની આ રાષ્ટ્રીય કોચ તરીકેની ત્રીજી ટર્મ છે. તેઓ ૨૦૧૪ના વર્લ્ડકપમાં નેધરલેન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જોકે ૨૦૧૮માં નેધરલેન્ડ વર્લ્ડકપમાં ક્વોલિફાય થઈ શક્યું નહતુ. અલબત્ત, નવા ખેલાડીઓ સાથે કતારમાં રમી રહેલી ડચ ટીમના કોચ વાન ગાલે પ્રોસ્ટેટના કેન્સર સામેની લડાઈ જીત્યા બાદ હવે વર્લ્ડકપના મેદાનમાં સફળતાનો રોડમેપ તૈયાર કરી લીધો છે.

બાયર્ન મ્યુનિચ સાથે રેકોર્ડ છ ટાઈટલ જીતનારા હેન્સી ફ્લિક સામે જર્મન ટીમને ગુમાવેલું ગૌરવ પાછું અપાવવાનો પડકાર છે. યોકિમ લોના અનુગામી ફ્લિક ક્રોસ ઓવર બોલ ટેક્નિક માટે જાણીતા છે. જેના કારણે એક તરફ ફોકસ ધરાવતી ડિફેન્સિવ ટીમને અચાનક જ બોલની સાઈડ બદલીને આંચકો આપી શકાય. સ્પેનની ગોલ્ડન જનરેશનના સ્ટાર લુઈસ એન્રિક ૧૯૯૪ થી ૨૦૦૨ સુધીના ત્રણ વર્લ્ડ કપ રમ્યા છે અને ગત વર્લ્ડ કપના ફ્લોપ શો બાદ સ્પેનને વર્લ્ડ કપમાં સુપરપાવર બનાવવાની જવાબદારી તેમણે ઉઠાવી લીધી છે. મેસી, નેમાર અને સુઆરેઝ જેવા ખેલાડીઓના કોચની ભૂમિકા ભજવી ચૂકેલા એન્રિક વિશિષ્ટ પાસિંગ શૈલી ટિકી-ટાકા માટે જાણીતા સ્પેનને ફરી ટોચ પર પહોંચાડવા માટે તૈયારી કરી રહ્યા છે. આફ્રિકન ટીમ સેનેગલ અને કેમેરુનના કોચ તરીકે તેમના જ ભૂતપૂર્વ વર્લ્ડકપ સ્ટાર એલિયો સીસે અને રિગોબેર્ટો સોંગ છે.

અમેરિકાના ક્લીન્સમેન પછી અમેરિકાને ગ્રેગ બેર્હાલ્ટર પાસેથી ઘણી આશા છે.બેર્હાલ્ટર બે વર્લ્ડ કપ રમી ચૂક્યા છે અને અમેરિકાની ન્યૂલૂક ટીમને કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં ટાઈટલ અપાવ્યા બાદ હવે વર્લ્ડ કપમાં જાદુ ચલાવવા માટે સજ્જ બન્યા છે. પોર્ટુગીઝ સુપરસ્ટાર રોનાલ્ડોની ટીમને યુરો ચેમ્પિયન બનાવનારા સાન્તોસ આ સતત બીજા વર્લ્ડ કપમાં ટીમના કોચ છે. જોકે આંતરિક વિવાદોથી ઘેરાયેલા પોર્ટુગલમાં જોશ જગાવવાનો પડકાર તેમની સામે છે. જ્યારે આર્જેન્ટીનાના કોચ લિઓનલ સ્કોલાની હવે ટીમને પાછી કેવી રીતે બેઠી કરે છે, તેના પર દુનિયાની નજર રહેશે.

જાપાને તેના જ ભૂતપૂર્વ ખેલાડી હાજીમે મોરિયાસુને કમાન સોંપી છે, જેમણે ટીમને એશિયન કપની ફાઈનલ સુધી પહોંચાડી હતી. તેમની કાઉન્ટર એટેકની સ્ટેટ્રેેજી અસરકારક સાબિત થતી હોય છે. ક્રોએશિયાના કોચ ડાલીચ તેમજ બેલ્જીયમના રોબેર્ટો માટનેઝ પાસે તેમની જાદુગરી દેખાડવાની આ અંતિમ તક છે. જ્યારે મેક્સિકોના કોચ ગેરાર્ડો માટનો તેમજ કેનેડાને ૩૬ વર્ષે ફિફા વર્લ્ડકપમાં પ્રવેશ અપાવનારા જોન હેર્ડમેનની માઈન્ડગેમ સુપરપાવર ગણાતી ટીમોને માટે આંચકારુપ સાબિત થઈ શકે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.