ઈલોન મસ્ક ટ્વિટરમાં લાગુ કરવા ધારે છે એ ચીનનું ‘વર્ક કલ્ચર’ કેવું છે?

આ દિમાનવ શિકાર પર જીવતો હતો ત્યારે એના કુલ કામના કલાકો માત્ર ચાર હતા. માણસ ખેતી કરતો થયો ત્યારથી કામના કલાકો વધીને ૯થી ૧૨ થયા. ખેતી-ખેતમજૂરીમાં કામ કરવાની પદ્ધતિ એવી રહેતી કે સવાર પડયે કામ શરૂ થતું અને દિવસ આથમ્યે કામ પૂરું થતું. ડેઈલી મનોરંજનના સાધનો હતા નહીં. સમયસર સૂઈને વહેલા ઉઠવાની માણસની લાઈફસ્ટાઈલ સેટ થઈ હતી. ભારે વરસાદ, આકરી ઠંડી અને કપરી ગરમીમાં કામ બંધ રહેતું. એ સિવાય સામાજિક-ધાર્મિક ઉજવણીઓ થતી હોય ત્યારે કામમાંથી મુક્તિ મળતી. કામ પરંપરાગત હતું, કામ કરવાની પદ્ધતિ પણ પરંપરાગત હતી. સદીઓ સુધી આ રીતે ચાલતું રહ્યું.

૧૮મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી કામ કરવાની રીત બદલાઈ ગઈ. ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે માણસના ભાગે ૧૨થી ૧૬ કલાક સુધી કામ કરવાનું આવ્યું. એ વખતે કામદારો માટે કોઈ કાયદા હતા નહીં. કામદારો અને માલિકો વચ્ચે વળતરનો જે સોદો થાય એ પ્રમાણે કામના કલાકોમાં ફેરફાર થતો, પણ સરેરાશ કલાકો ૧૨થી ૧૬ રહ્યાં. શરૂઆતમાં મેન્યુઅલી પ્રોડક્શન થતું હતું અને પ્રથમ જનરેશનના મશીનો ફેક્ટરીઓમાં ચાલતા હતા એટલે પ્રોડક્શનમાં સમય વધુ લાગતો હતો. સપ્તાહના સાતેય દિવસ કામદારોને ફેક્ટરીઓમાં જઈને કામ કરવું પડતું. મોટાભાગે કામદારો રોજમદારની જેમ કામ કરતા એટલે તેમને સપ્તાહમાં એટલિસ્ટ એક રજા આપવાનો ખ્યાલ અસ્તિત્વમાં ન હતો. દરરોજ કામ પૂરું થતાં દિવસના અંતે વળતર આપી દેવાતું.

પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી નેશનલ લીગના નેજા હેઠળ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની સ્થાપના થઈ. અગાઉ બ્રિટન સહિતના થોડાંક દેશોમાં સ્થાનિક સ્તરે મજૂર સંગઠનો અસ્તિત્વમાં આવ્યા હતા. કામદારોના અધિકારો માટે લડત શરૂ થઈ હતી. ફ્રાન્સમાં ૨૦મી સદીના પ્રથમ દશકામાં કામના કલાકો આઠ કલાક કરવાની માગણી સાથે દેખાવો થયા હતા. કારખાનામાં કાર્યરત મજૂરો વધારે કલાકો કામ કરતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થતી હોવાનું નોંધાયું અને તેના પરિણામે ૧૯૧૯માં કામના કલાકો નિર્ધારિત કરવાનું ફેક્ટરીઓના માલિકો પર દબાણ વધતું જતું હતું.

દરરોજ ૧૨ કલાક કામ અને સપ્તાહમાં એક દિવસની રજા – એવું મોડેલ આરંભમાં અમલી બન્યું, પણ દેશના કાયદાઓ ખાસ કામદારોની તરફેણમાં ન હોવાથી કામદારોને ૧૨-૧૨ કલાક કામ કરવાનું થતું. સરકારી ઓફિસમાં કાર્યરત કારકૂનો માટેય ૯-૧૦ કલાકનો દિવસ રહેતો. શૈક્ષણિક સંસ્થામાં કામના કલાકો સૌથી ઓછા હતા. મોસ્ટલી એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂટ્સમાં ૮-૯ કલાક કામ કરવાનો વણલખ્યો નિયમ બનતો જતો હતો. એની અસર બીજા બધા ક્ષેત્રોમાં પડી. બીજા વિશ્વયુદ્ધ પછી ટેકનોલોજીનો વિકાસ થવા લાગ્યો. કારખાના સિવાયના ક્ષેત્રો પણ ઉદ્ભવ્યા. કમ્પ્યુટર્સનો યુગ શરૂ થયો અને ઓફિસનું વર્ક કલ્ચર અસ્તિત્વમાં આવ્યું એ ગાળામાં વિકસિત દેશોમાં કર્મચારીઓ માટે દિવસમાં ૮ કલાક કામ અને સપ્તાહમાં એક દિવસની રજાનું મોડેલ સ્વીકૃત બની ગયું.

અમેરિકામાં હેનરી ફોર્ડે સપ્તાહમાં છ દિવસને બદલે પાંચ દિવસનું વર્ક કલ્ચર લાગુ પાડયું. અમેરિકાએ વિશ્વયુદ્ધના સમયગાળામાં જ લેબર લૉમાં ફેરફારો કર્યા. પાંચ દિવસ આઠ કલાક કામ કરવાનું અને બે દિવસની રજા આપવાનું મોડેલ અમેરિકાની મોટાભાગની કંપનીઓએ સ્વીકારી લીધું. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના પગલે પગલે યુરોપમાં પણ સપ્તાહમાં ૪૦ કલાકનું વર્ક કલ્ચર લાગુ પડવા લાગ્યું. ૧૯૭૦નો દશકો આવ્યો ત્યાં સુધીમાં ૪૦ કલાકનું કામ અને બે દિવસની રજાનું મોડેલ અમેરિકા-યુરોપમાં લગભગ બધે સ્વીકારી લેવાયું હતું. વિશ્વયુદ્ધના ગાળામાં નવા નવા આઝાદ થયેલા દેશોએ દિવસમાં આઠ કલાકનું મોડેલ અપનાવ્યું, પરંતુ કામના દિવસ પાંચને બદલે છ રાખ્યા. ભારતમાં પણ દરરોજ આઠ કલાક ને સપ્તાહમાં છ દિવસ કામ કરવાનો કાયદો લાગુ પડયો.

સંયુક્ત રાષ્ટ્રસંઘે કારખાનામાં કાર્યરત મજૂરોથી લઈને ખાનગી કંપનીઓના કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફ, શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ એમ બધા જ માટે સપ્તાહમાં ૪૦ કલાકનો માપદંડ બનાવ્યો છે. પાંચ દિવસ સુધી દરરોજ આઠ કલાક કામ કરવાના બદલામાં બે દિવસની રજા આપવાનો વ્યાપક નિયમ હોવા છતાં મોટાભાગના દેશોમાં સપ્તાહમાં કામ કરવાના કલાકો ૪૫થી ૪૮ છે. અમેરિકા-કેનેડા-બ્રિટન-ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ કર્મચારીઓ ૪૮ કલાક સુધી કામ કરે છે. જોકે, તેમને ઓવરટાઈમનું સારું વળતર આપવામાં આવતું હોવાથી કર્મચારીઓ જ વધુ કલાક કામ કરવાનું પસંદ કરે છે.

આ બધા દેશોમાં સૌથી અમાનવીય વલણ ચીનનું છે. ચીને આમ તો સત્તાવાર રીતે સરકારી ધોરણે સપ્તાહમાં ૪૦ કલાકના વર્ક કલ્ચરનો નિયમ બનાવ્યો છે, પરંતુ આઈટી કંપનીઓ ૧૨-૧૨ કલાક કામ કરાવીને કર્મચારીઓને નિચોવે છે. ચીનના ઉદ્યોગપતિ જેક માએ ૧૨ કલાકના વર્ક કલ્ચરનો ખૂબ પ્રચાર કરેલો. શરૂઆતમાં જ અલીબાબા કંપની કર્મચારીઓ સાથે કરાર કરતી કે કામ દરરોજ ૧૨ કલાક કરવાનું રહેશે. વાર્ષિક પેકેજની અપેક્ષા એ પ્રમાણે પૂછાતી. ધીમે ધીમે ચીનની મોટાભાગની કંપનીઓને આ પદ્ધતિ માફક આવી ગઈ. ચીનમાં તો આમેય મજૂર કાયદા ને કંપની લૉનું પાલન નામમાત્રનું થાય છે. શરૂઆતથી જ ચીને મજૂરોનું, કર્મચારીઓનું શોષણ કરીને ઉત્પાદન વધાર્યું હતું, એટલું જ નહીં એ જ વ્યૂહથી ઉત્પાદનની લાગત પણ ઓછી રાખી છે.

એ વર્ક કલ્ચરને નામ અપાયુંઃ ૯૯૬. સવારે નવ વાગ્યે ઓફિસમાં હાજર થઈ જવાનું અને રાતે નવ વાગ્યા સુધી કામ કરતું રહેવાનું. એવું સપ્તાહમાં પાંચને બદલે છ દિવસ કરવાનું. એ હિસાબે કામના કલાકોની આ પદ્ધતિ ૯૯૬થી ઓળખાઈ. ચીનની આઈટી કંપનીઓ ૪૦ને બદલે સપ્તાહમાં કર્મચારીઓ પાસેથી ૭૨ કલાક કામ લે છે. આ વર્ક કલ્ચરનો વિરોધ થાય ત્યારે ચીનની કંપનીઓ બચાવમાં કહે છે કે કર્મચારીઓને ઓવરટાઈમનું વળતર મળે છે. પરંતુ હકીકતે કરારમાં કર્મચારીઓની સહી લઈને તેમનું શોષણ કરવામાં આવે છે.

૨૦૧૯માં પહેલી વખત ચીનમાં એન્ટી-૯૯૬નું કેમ્પેઈન થયું ત્યારે દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું. જેક માએ ત્યારેય એનો બચાવ કર્યો હતો. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં એ વર્કિંગ મેથડને રાષ્ટ્રવાદ સાથે જોડીને તેને યોગ્ય ગણાવવામાં આવી હતી. ચીનની ટેકનોલોજી કંપનીઓ આ વર્કિંગ મોડેલના કારણે જ સસ્તું ઉત્પાદન કરીને દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓથી લઈને, ઈલેક્ટ્રોનિક્સ રમકડાં, સસ્તાં ગેજેટ્સ, મોબાઈલ એસેસરીઝ વગેરેના ઉત્પાદનમાં ચીની કંપનીઓને કોઈ સ્પર્ધા આપી શકતું નથી તે પાછળ ૯૯૬ના આ વર્કિંગ મોડેલનો મોટો ફાળો છે.

હવે આ વર્ક કલ્ચરથી દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક પ્રભાવિત થયા છે. ઈલોન મસ્કે ટ્વિટરના કર્મચારીઓને એક્સટ્રીમ હાર્ડવર્કની સલાહ આપીને તેમની પાસેથી દરરોજ ૧૨ કલાક કામ લેવાનો સંકેત આપ્યો છે. ઈલોન મસ્ક ટ્વિટરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતાં કંઈક વધુ બનાવવા ધારે છે અને એ માટે કર્મચારીઓના કામના કલાકો વધારવાની તેમની ગણતરી છે.

મસ્કે ચીની કંપનીઓની છ દિવસ સુધી ૯થી ૯ કામ કરવાની પદ્ધતિની પ્રશંસા કરી હતી એના પરથી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ટ્વિટરના કર્મચારીઓ ભલે છ દિવસ નહીં તોય પાંચ દિવસ ૧૨-૧૨ કલાક કામ કરે એવી ગણતરી મસ્ક કરી રહ્યા છે. ઈનશોર્ટ, મસ્ક ભવિષ્યમાં એવા જ કર્મચારીઓને નોકરીએ રાખશે જે સપ્તાહમાં ૬૦ કલાક કામ કરવા સક્ષમ હોય.

ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે કામદારોની સ્થિતિ ગુલામો જેવી હતી. મસ્કની ૧૨ કલાક કામ લેવાની પેરવી પછી લોકો આને મોર્ડન ગુલામી ગણાવી રહ્યા છે. ફરક એટલો છે કે આ ગુલામી નરી આંખે દેખાય એવી નથી!

ટોચના ઉદ્યોગપતિઓ કેટલી કલાકની ઊંઘ કરે છે?

કામના કલાકોને અને ઊંઘને સીધો સંબંધ છે. સામાન્ય માન્યતા એવી છે કે જે લોકો વધારે કામ કરે છે એના ઊંઘના કલાકો ઓછા છે. ખાસ તો આઈટી અને કોર્પોરેટ્સમાં કામ કરતા લોકોના કામના કલાકો વધી જતાં હોવાથી અપૂરતી ઊંઘના પ્રશ્નો સર્જાય છે. પરંતુ ઉદ્યોગપતિઓની બાબતમાં રસપ્રદ વાત એ સામે આવી હતી કે તેમને અપૂરતી ઊંઘનો કોઈ પ્રશ્ન સતાવતો ન હતો. હોગન ડેવલપમેન્ટ સ્ટડી પ્રમાણે દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓ ઓછામાં ઓછી સરેરાશ આઠ કલાક ઊંઘ કરે છે. ઈલોન મસ્ક સાતેક કલાકની પૂરતી ઊંઘ કરે છે. જેફ બેઝોસ, વોરેન બફેટ, જેક ડોર્સી સહિતના ઉદ્યોગ સાહસિકો એવરેજ આઠ કલાકની ઊંઘ પૂરી કરે છે. બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ જેવા ઉદ્યોગપતિઓએ સાત-સાડા સાત કલાકની ઊંઘ લેતા હોવાનું કહ્યું હતું.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટડી પ્રમાણે વધારે કલાકો કામ અને પૂરતી ઊંઘ લેતા લોકો સમયના અભાવે કસરતો ન થતી હોવાની ફરિયાદ કરે છે, પરંતુ ઉદ્યોગપતિઓ તેમનો સમય મેનેજ કરવામાં કુશળ સાબિત થયા હતા. બ્લૂમબર્ગ ઈન્ડેક્ષના ધનવાનો પાસે જવાબ મેળવાયા હતા, જેમાં મોટાભાગના ઉદ્યોગપતિઓએ દરરોજ ૪૦થી ૭૦ મિનિટ જીમમાં પસાર કરતા હોવાનું કહ્યું હતું. ૨૧મી સદીમાં જીવતા માણસની સરેરાશ ઊંઘ આઠ કલાકથી ઘટીને સાત કલાક થઈ ગઈ છે. ઘોંઘાટ, ગેજેટ્સ સહિતના વિવિધ કારણોથી ઊંઘનું પ્રમાણ ઘટયું છે, પરંતુ ઉદ્યોગપતિઓ સમય મેનેજ કરીને પૂરતી ઊંઘ કરે છે. કદાચ દરરોજ ૧૦-૧૦ કલાક કામ કરી શકવા પાછળનું રહસ્ય પણ પૂરતી ઊંઘ જ હશે.

કરોડપતિ ઉદ્યોગપતિઓ કેટલી કલાક કામ કરે છે?

દરેક ક્ષેત્રમાં બધાને સફળ થવું છે. દુનિયાની કોઈ વ્યક્તિ નિષ્ફળ થવા માટે કામ કરતી નથી. નિષ્ફળતા અને સફળતા વચ્ચે કામના કલાકો અને કાર્યકુશળતાના તફાવતનો ફરક રહે છે. માણસે માણસે કામ કરવાની કુશળતા અલગ અલગ હોય છે એટલે પરિણામ પણ જુદું જુદું મળે છે. સફળ થયેલા વ્યક્તિત્વોના જીવનમાંથી પ્રેરણા લઈને બધા સફળ થવા ઈચ્છે છે. નવો બિઝનેસ શરૂ કરનારાને એ ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને બિરાજનારા બિઝનેસમેન જેવા નામ-દામ કમાવવાની અપેક્ષા હોય છે, પરંતુ સફળતા કોઈ તુક્કો નથી. એ મહેનત માગી લેતું કામ છે. આપણે જે તે ક્ષેત્રમાં ટોચે પહોંચેલા લોકોની સફળતા જોઈએ છીએ પણ એ પાછળ તેની મહેનત અંગે વિચારવાનું ઓછું બને છે.

ફોર્બ્સે દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓના કામના કલાકોનું સર્વેક્ષણ કર્યું હતું. એમાં રસપ્રદ તારણો રજૂ થયા હતા. મોટાભાગના ઉદ્યોગપતિઓ સરેરાશ સપ્તાહમાં ૬૦ કલાક કામ કરતા હતા. એટલે કે વીકના છ દિવસ સુધી દરરોજ સરેરાશ ૧૦-૧૦ કલાક સુધી તેઓ કાર્યરત રહેતા હતા.

ઉદ્યોગ સાહસિકોની કેટેગરી અલગ કરવામાં આવી હતી. દુનિયાભરના ઉદ્યોગ સાહસિકોમાંથી ૭૭ ટકા સપ્તાહમાં ૭૦થી ૮૦ કલાક કામ કરતા હતા. સામાન્ય રીતે એવી માન્યતા છે કે ધનવાન ઉદ્યોગપતિઓ કર્મચારીઓ પાસે કામ કરાવે છે પણ પોતે એટલી મહેનત કરતા નથી. એકથી વધુ સ્ટડીમાં આ ધારણા તૂટી હતી. ઉદ્યોગ સાહસિકોએ તેમની સફળતાનું રહસ્ય શેર કર્યું એમાં જણાયું હતું કે ૯૩ ટકાને બિઝનેસમાં સફળતા મળી હતી એ પાછળ તેમનામાં રહેલો કઠોર પરિશ્રમનો ગુણ જવાબદાર હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.