Cine Guide .
રિશી કપૂર અને જયા પ્રદાની ફિલ્મ ‘સરગમ’ કઈ સાલમાં રિલિઝ થઈ હતી, તેના ગીતકાર અને સંગીતકાર કોણ હતા? ગીતોનું શુટિંગ ક્યાં થયું હતું?
– મનસ્વી ભટ્ટ (ભાવનગર)
* રિશી કપૂર અને જયા પ્રદાની ફિલ્મ ‘સરગમ’ આઠ જાન્યુઆરી, ૧૯૭૯માં રિલિઝ થઈ હતી. કે. વિશ્વનાથ દિગ્દર્શિત આ ફિલ્મમાં ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. ‘સરગમ’નું ‘કોયલ બોલી..’ ગીત રાજામુન્દ્રીમાં ગોદાવરી નદીને કાંઠે ચિત્રિત કરાયું હતું જ્યારે ‘પરબત કે ઉસ પાર..’ ઊટી અને ‘દિલવાલે..’ કાશ્મીરમાં શૂટ કરાયું હતું.
જિતેન્દ્ર અને ધર્મેન્દ્રની પહેલી ફિલ્મો કઈ હતી? ‘નવરંગ’, ‘ઝનક ઝનક પાયલ બાજે’ અને ‘ચિત્રલેખા’ ક્યારે રિલીઝ થયેલી? ‘દોસ્તી ફિલ્મના કલાકારો કોણ હતા?
– ડી.કે. માંડલિયા : (પોરબંદર)
– જિતેન્દ્રની પહેલી ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોને’ (૧૯૬૪) અને ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ (૧૯૬૦) હતી. ‘નવરંગ’ ૧૯૫૯માં, ‘ઝનક ઝનક પાયલ બાજે’ ૧૯૫૫માં અને ‘ચિત્રલેખા’ ૧૯૬૪માં રિલીઝ થઈ હતી. ‘દોસ્તી’ ફિલ્મના કલાકારો સુશીલ કુમાર સોમૈયા, સુધીરકુમાર સાવંત, બેબી ફરિદા વગેરે હતા.
કયા કલાકારોના સંતાનો બોલીવૂડની ફિલ્મોમાં કામ કરે છે?
– ભરત અંજારિયા : (રાજકોટ)
– પૃથ્વીરાજ કપૂરના ત્રણ પુત્રો રાજકપૂર, શશી કપૂર અને શમ્મી કપૂર, રાજકપૂરના-રણધીર કપૂર, રિષી કપૂર અને રાજીવ કપૂર, રણધીર કપૂરની બે પુત્રી કરિશ્મા કપૂર, કરિના કપૂર, રિષી કપૂરનો પુત્ર રણબીર કપૂર, શશી કપૂરનો પુત્ર કરણ કપૂર, શમ્મી કપૂરનો પુત્ર આદિત્ય કપૂર, મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ, સુનીલ દત્તનો પુત્ર સંજય દત્ત, નાનાભાઈ ભટ્ટનો પુત્ર મહેશ ભટ્ટ, ફિલ્મ સર્જક છે, બીજો પુત્ર રોબિન ભટ્ટ લેખ પટકથા લેખક છે. જિતેન્દ્ર પુત્ર તુષાર ભટ્ટ તરીકે હીરો છે, રાજેશ ખન્નાની પુત્રી ટ્વિન્કલ ખન્ના હીરોઈન હતી. આ યાદી ઘણી લાંબી થાય એમ છે.
‘જિસ દિન સે મિલે તુમ, હમ નયા ગીત લાગે, નઈ પ્રીત લાગે….’ આ કઈ ફિલ્મનું ગીત છે? તેના દિગ્દર્શક અને કલાકારો કોણ કોણ છે?
– મનન મહેતા (ભાવનગર)
– આ ગીત ૧૯૫૬ માં આવેલી ‘લલકાર’ ફિલ્મનું છે. આ ગીત મુકેશ અને લતા મંગેશકરે ગાયું છે. અને તેના મૌશિકકાર ગુજરાતમાં જન્મેલા સન્મુખ બાબુ ઉપાધ્યાય હતા. તેમના સંગીતમાં રાજસ્થાની અને ગુજરાતી લોકસંગીત અને નૃત્યકળાની સુવાસ આવતી હતી, ગીતકાર ભરત વ્યાસ હતા. આ ગીત મહિપાલ અને નિરૂપા રોય પર ફિલ્માવાયું હતું.
* ‘જીવનો જુગારી’, ‘પંખીનો માળો’ અને ‘પ્રિત, પિયુ અને પાનેતર’ ફિલ્મો ક્યારે રિલિઝ થયા અને કલાકારો કોણ કોણ હતા? કઈ ગુજરાતી અને હિન્દી ફિલ્મોએ રેકોર્ડ-બ્રેક કર્યો છે?- કેટલી કમાણી કરી છે?
– ડી. કે. માંડલિયા (પોરબંદર)
* ‘જીવનો જુગારી’ ગુજરાતી ફિલ્મ ૧૯૬૩માં રિલિઝ થઈ હતી જેના કલાકારો- અરવિંદ પંડયા, દેવિકા રોય, કૃષ્ણકાંત, હરેન્દ્ર દવે, હની છાયા, હીરા સાવંત, રાની નેને અને ચંપકલાલ. ‘પંખીનો માળો’ ફિલ્મ ૧૯૮૧માં રિલિઝ થઈ હતી અને તેના કલાકારો- અસરાની, જયશ્રી ટી, રાજીવ, મધુ માલિની, પદમા રાણી, ફિરોઝ ઈરાની અને વિષ્ણુકુમાર વ્યાસ અને ‘પ્રિત પીયુ અને પાનેતર’- ૨૦૧૦માં રિલિઝ થઈ હતી, જેમાં હીના રાજપૂત, શૈલેષ ભરવાડ, ભરત ઠક્કર, ભવાની જાની, દીપ્તિ, દીપિકા પટેલ, ફિરોઝ ઈરાની અને હરેશ દરજી છે. ‘ચાલ જીવી લઈએ’ (૨૦૧૯) ગુજરાતી ફિલ્મે વૈશ્વિક સ્તરે રૂા.૫૨.૧૪ કરોડ, ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ (૧૯૯૮) રૂા.૨૨ કરોડ, ‘શું થયું?’ (૨૦૧૮) રૂા. ૨૧ કરોડ, ‘હેલ્લારો’ (૨૦૧૯) રૂા.૧૬ કરોડ જેવી રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. જ્યારે હિન્દી ફિલ્મ ‘દંગલ’ કુલ કમાણી રૂા.૩૮૭.૩૮ કરોડ, ‘બજરંગ ભાઈજાન’ રૂા.૩૨૦.૩૪ કરોડની કમાણી કરી છે.
* રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્, શિવમ્, સુંદરમ’માં ઝીનત અમાન અને શશી કપૂર ઉપરાંત અન્ય ક્યાં કલાકારો હતા? આ ફિલ્મને રિલિઝ થઈને કેટલાં વર્ષો થયા છે.
– રાજેન્દ્ર દવે (ભાવનગર)
* ‘સત્યમ્ શિવમ્ સુંદરમ’માં આ બે કલાકારો ઉપરાંત પદ્મિની કોલ્હાપુરે, ટુનટુન, કનૈયાલાલ, રામ શાસ્ત્રી, એ. કે. હંગલ વગેરે કલાકારો છે. આ ફિલ્મ ૨૪ માર્ચ, ૧૯૭૮માં રિલિઝ થઈ હતી. આથી તેને ૪૪ વર્ષ થયા છે.
* અભિનેતા મનોજકુમારે કઈ ફિલ્મમાં તત્કાલિન વડા પ્રધાનના સૂત્રનો ઉપયોગ કર્યો હતો? એ સૂત્ર અને વડા પ્રધાનનું નામ જણાવશો?
– રોહિત ગડા (ભૂજ)
* મનોજકુમાર દેશભક્તિ આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમણે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સૂત્ર ‘જય જવાન, જય કિસાન’ પરથી ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી, જે સુપરહીટ સાબિત થઈ હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button