કમર્શિયલ ફિલ્મોમાં એક્ટિંગ કરવી સહેલી નથી
અભિષેક બચ્ચન તેના સેન્સ ઓફ હ્યુમર માટે વખણાય છે. આ કલાકાર જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં આવે છે ત્યારે સ્માર્ટ જવાબો અને વનલાઇનર્સ માટે હેડલાઈન્સમાં ચમકે છે. સૌથી વધુ તો એને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના પુત્ર હોવાના નાતે એણે જે પ્રેશર અનુભવવું પડે છે તેના વિશે સવાલો પૂછાય છે.
તાજેતરમાં જ અભિષેકને પૂછવામાં આવ્યું કે ધારો કે તમે ‘બચ્ચન’ ન હોત તો તમને (જેટલી મળી છે એટલી પણ) સફળતા મળી હોત ખરી? અભિષેકે ગુસ્સે થયા વિના સરસ જવાબ આપ્યો, ‘મારે ‘અજાણ્યા’ બનવાની જરુર નથી, કારણે કે એ શક્ય જ નથી. મને એવી જરૂર પણ પડી નથી. મને અમિતાભ-જયાના પુત્ર હોવાનો ગર્વ છે. હું જાણું છું કે મારા પણ ઘણી જવાબદારી છે. મારે મારા પરિવારનો વારસો આગળ ધપાવવાનો છે. આવા મહાન કલાકારના પુત્ર હોવું એ દબાણ નહીં, પણ જવાબદારી છે. આ એક સન્માન છે. મારી કારકિર્દીના બાવીસ વર્ષ પછી પણ તમે મારી સરખામણી અમિતાભ બચ્ચન સાથે કરો છો તો હું માનું છું કે મારી સરખામણી ‘ધી બેસ્ટ’ સાથે થઈ રહી છે. હું સાચા રસ્તે ચાલી રહ્યો છું તેની આ નિશાની છે.’
જો કે નવ્યા નવેલી (અમિતાભની દીકરીની દીકરી)ના પોડકાસ્ટ પર શ્વેતા બચ્ચને કહ્યું હતું કે, ‘અભિષેકની સરખામણી મમ્મી-પપ્પા સાથે થાય છે ત્યારે મને સખ્ખત ગુસ્સો આવે છે.’
અભિષેક પોતાની રુપ રુપના અંબાર જેવી પત્ની ઐશ્વર્યા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં અને એની પ્રશંસા કરવામાં ક્યારેય પાછળ રહેતો નથી. એક મુલાકાતમાં અભિષેકે આર્ટ અને કમર્શિયલ એક્ટિંગના તફાવત વિશે વાત કરી હતી. અભિષેકના મતે ઐશ્વર્યા જેવાં કલાકાર બંને પ્રકારની એક્ટિંગ કરી શકે છે. તેણે કહ્યું, ‘વાંકદેખાઓ કમર્શિયલ એક્ટિંગને ઉતારી પાડતા હોય છે, પણ મેઇનસ્ટ્રીમ ફિલ્મો કરવામાં પણ ભારોભાર કુશળતાની જરૂર પડે છે.’
અભિષેક બચ્ચન જણાવે છે, ‘મારા ઘણા સાથીઓ વ્યવસાયિક અને વાસ્તવિક અભિનય વચ્ચે સંતુલન જાળવવામાં સફળ રહ્યા છે. આ કામ સરળ તો નથી જ. આપણે મેઇનસ્ટ્રીમ ફિલ્મોના કમર્શિયલ કલાકારોને પૂરતું સન્માન આપતા નથી, પણ યાદ રાખો કે તેઓ જે કંઈ કરે છે તે ખૂબ કઠિન છે. રજનીકાન્ત જે કરે છે તે કરવાની કોઈની હિંમત નથી. તે શક્ય જ નથી. તેથી જ આપણા દેશમાં એક જ રજનીકાંત છે. આમિર ખાન, કમલ હાસન, મારા ફાધર, શાહરૂખ ખાન અને બીજા ઘણા કલાકારોએ મુખ્ય પ્રવાહના અભિનય અને રિઅલિસ્ટિક અભિનય એમ બન્ને વચ્ચે સંતુલન જાળવ્યું છે.’
અભિષેકની વેબ સીરીઝ ‘બ્રીધ: ઈન્ટુ ધી શેડોઝ’ નામની વેબ સિરીઝ થોડા મહિનાઓ પહેલાં સ્ટ્રીમ થઈ. બીજી વાર એવું બન્યું છે કે અભિષેકે પોતાનું કેરેક્ટર રિપીટ કર્યું હોય. અગાઉ ‘ધૂમ’ સિરીઝની ફિલ્મોમાં તેણે સુપરકોપ જય દીક્ષિતનું પાત્ર રિપીટ કર્યું છે. ‘બ્રીધ’ અને ‘ધૂમ’નાં પાત્રોમાં સમાનતા હોવાનું કબૂલ કરતા અભિષેક કહે છે, ‘મેં ‘બ્રીધ’નું પાત્ર ભજવતી વખતે જય દીક્ષિતને ધ્યાનમાં નહોતો રાખ્યો. હા, બંને પાત્રોનો એટિટયુડ સમાન છે. જોકે ‘બ્રીધ: ઈન્ટુ ધી શેડોઝ’માં મેં એક જ પાત્રનાં બે ભિન્ન પાસાં ભજવ્યાં છે. પાત્રને ખરો ઓપ પટકથાથી જ મળે છે. જો લખાણ સારું હોય તો કલાકારનું કામ અડધું થઈ જાય છે.’
અભિષેક માને છે કે સાઈકોલોજિકલ થ્રિલર બનાવવા માટે સૌથી પહેલાં તો પટકથામાં દમ હોવો જોઈએ. ‘બ્રીધ’ સીરીઝ માટે લેખકોએ સારી મહેનત કરી છે ને શોના દરેક પાત્ર જટિલ છે, એમ અભિષેક માને છે. આ સીરીઝને જોકે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અભિષેક તેનાથી વિચલિત થયો નથી તે સારી વાત છે. નિષ્ફળતા અને મિશ્ર પ્રતિભાવો આમેય અભિષેક માટે ક્યાં નવાં છે?
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button