કંતારાએ નાયક/દિગ્દર્શકને વિશ્વવિખ્યાત બનાવી…
કન્નડ ફિલ્મ કંતારા – એક દંતકથા, ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ ત્યારથી જ દરિયાકાંઠાના કર્ણાટકમાં પ્રચલિત દૈવ આરાધના અથવા આત્માની ઉપાસનાની કાલાતીત પરંપરા સાથે સિનેમાના શક્તિશાળી મિશ્રણને કારણે દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. કંતારા (રહસ્યમયી જંગલ)ની વાર્તા અને વર્ણને સિનેમેટિક શ્રેષ્ઠતામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો હોવાનું કહેવાય છે. તેણે તેની રજૂઆતના એક મહિનામાં રૃા. ૧૧૮ કરોડથી વધુની કમાણી કરીને, વ્યાવસાયિક રીતે પણ અદભૂત દેખાવ કર્યો છે, આમ કેજીએફ પછી ૨૦૨૨ની બીજી સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ફિલ્મ બની છે.
પ્રખ્યાત કન્નડ દિગ્દર્શક ઋષભ શેટ્ટી, જેમણે કંતારામાં દિગ્દર્શન અને અભિનય કર્યો છે (૨૦૧૯ માં બેલ બોટમમાં ડેબ્યુ કર્યું હતું), તેમણે ફિલ્મમાં નાયક તરીકેની તેમની બહુમુખી પ્રતિભા માટે પ્રશંસા મેળવી છે. ૩૯ વર્ષીય શેટ્ટી કન્નડ ફિલ્મ કિરિક પાર્ટી (૨૦૧૬) થી પ્રસિદ્ધિ પામ્યા, જેણે ઘણા પુરસ્કારો જીત્યા. તેમની સરકારી હિરિયા પ્રથમિકા શાલે (૨૦૧૮)એ તેમને શ્રેષ્ઠ બાળકોની ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ અપાવ્યો હતો.
કંતારાથી શેટ્ટીમાં રહેલા લેખકે એક દંતકથા કહેવા માટે મોટો કેન્વાસ પસંદ કર્યો અને તેની સાથે રાષ્ટ્રને કાયમ માટે રોમાંચિત કરતા આધ્યાત્મિક રહસ્યો પણ ઉજાગર કર્યા. શેટ્ટીએ ફિલ્મ બનાવવાના પોતાના અનુભવ વર્ણવ્યો છે અને શા માટે તેઓ લક્ષ્ય હાંસલ કરવામાં સફળ થયા છે તે પણ જણાવ્યું.
શેટ્ટી કહે છે કે મેં આ ફિલ્મને એક ઘટનામાં પરિવર્તિત થતી જોઈ છે. હું મારી ટીમ સાથે તેને પ્રમોટ કરવા માટે એક એક શહેર ફર્યો છું પરંતુ અમે જે મૂવી એક નાનકડા બીજ તરીકે વાવી હતી તે આજે એક વિરાટ વૃક્ષ બની છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મને લાગે છે કે ફિલ્મની આ સફળતા દૈવ (આત્મા)થી પ્રેરિત છે. મને આવી સફળતાની આશા નહોતી, જો કે મને અહેસાસ હતો કે આ ફિલ્મ દર્શકોને જરૂર આકર્ષશે કારણ કે કમર્શિયલ સફળતા માટે ફિલ્મના કન્ટેન્ટનું પૂરતુ આયોજન કરાયું હતું.
શેટ્ટી વધુમાં કહે છે કે બેંગલુરુમાં મારા સ્નાતક થયા પછી મેં નિર્દેશકોને આસિસ્ટ કરવાનું શરૂ કર્યું
અને લખવાનું પણ શરૂ કર્યું. દરેક ફિલ્મ સાથે, હું વધુ મજબૂત બન્યો છું, અને જીવનના અનુભવો અને એક્સપોઝરે મારા લેખનને સમૃદ્ધ કર્યા છે. જેમ જેમ સમાજ પોતાને બદલતો રહે છે, લેખકો પણ વિકાસ પામે છે અને સતત સંરેખિત થાય છે અને નવું હોય તેની સાથે ફરીથી જોડાય છે. મેં થોડા સહ-લેખકો સાથે ચાર મહિનામાં કંતારાની સ્ક્રિપ્ટ લખવાનું પૂરું કર્યું અને અમે આખી ફિલ્મનું શૂટિંગ મારા વતન, કેરાડી, ઉત્તરા કન્નડ જિલ્લાના એક નાનકડા ગામમાં – ૯૬ દિવસમાં કર્યું. હું સકારાત્મકતા સાથે કોઈપણ સાથે ડીલ કરવામાં દ્રઢપણે માનું છું. આ વાર્તામાં આપણું પોતાપણું, આપણા મૂળ, માન્યતાઓ, ધામક વિધિઓ અને ભાવનાઓ છે. હું કોઈપણ નકારાત્મકતાને ટાળીને સામાન્ય વિષય સાથે વ્યવહાર કરવા માંગતો હતો. હું ઈચ્છું છું કે લોકો સારી લાગણી અને ઉર્જા સાથે થિયેટરોની બહાર નીકળે.
શેટ્ટી આગળ જણાવે છે કે દૈવ અને નાગા આરાધાના તટીય કર્ણાટક વિસ્તારમાં વધુ પ્રચલિત છે. પણ હું હમેંશા માનતો રહ્યો છું કે જે પ્રાદેશિક છે તે જ વૈશ્વિક પણ છે. આપણે માત્ર સ્થાનિક કન્ટેન્ટને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું છે. અગર હું દક્ષિણ કનારામાં એક ગામની કોઈ પ્રથા અથવા પ્રચલિત માન્યતા વિશે વાત કરું તો ભારતના દરેક ખુણે આવી જ કોઈ વાત હશે, અલબત્ત અલગ સ્વરૂપમાં. માનવીય લાગણીઓ અને પ્રતિસાદની પ્રકૃત્તિ વૈશ્વિક હોય છે અને તેથી જ દર્શકો આ ફિલ્મ સાથે આટલી સરળતાથી સંકળાય છે.
શેટ્ટી કહે છે કે લોકડાઉન દરમ્યાન હું મારા ગામે ગયો હતો અને હું માનું છું કે આ સ્થળે મને આ વિષય પર ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી. હું નાનપણથી આ મુદ્દાનું નિરીક્ષણ કરતો આવ્યો છું – જમીન પરનો સંઘર્ષ અને આત્માની આરાધના, જેઓ ખરેખર આપણી જમીનના પાલનહાર છે. મારે એવી રીતે પટકથા લખવી હતી જે સૌને સ્પર્શે. જો કોઈ ઈશ્વરમાં ન માનતા હોય તો તેઓ પણ આ ફિલ્મ સાથે કેવી રીતે આકર્ષાયા? તેઓ અન્ય માન્યતા ધરાવતા હશે અથવા આત્મવિશ્વાસ ધરાવતા હશે, પણ તેમનામાં કોઈને કોઈ સ્વરૂપમાં દૈવી તત્વ હાજર હશે.
ખાસ કરીને ફિલ્મની છેલ્લી વીસ મિનિટમાં જ્યારે નાયક (શેટ્ટી)માં આત્મા પ્રવેશે છે ત્યારે શેટ્ટીએ જે અદ્ભુત એક્ટીંગ કરી છે તેના વિશે ખુલાસો કરતા તે કહે છે કે હું મૂળભૂત થિયેટરનો કલાકાર છું. પણ આવા પાત્રની તૈયારી કરવી ખૂબ અઘરી હતી. આ પાત્રના અનેક પાસા હતા. મારુ પાત્ર શિવા ગામનો યુવા છે જે રોમાન્ટીક પણ છે અને તેનામાં અવળચંડાઈ પણ છે. ફિલ્મમાં ભેેંસની રેસ કમ્બાલાના દ્રશ્યોમાં એક એથેલેટની જરૂર હતી, આથી મેં આ ફિલ્મ માટે માર્શલ આર્ટ્સની તાલીમ લીધી. મેં ભૂત કોલા (પ્રાણી જેવા દેખાવના નૃત્યની પ્રથા)ના ઓછામાં ઓછા હજાર જેટલા વીડિયો જોયા અને ફિલ્મના સર્જન દરમ્યાન ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવા દૈવ નર્તકોના સમુદાય સાથે ખૂબ મસલત કરી. ફિલ્મના સર્જન દરમ્યાન મેં સખત નિયમોનું પાલન કર્યું, માંસાહાર ખોરાક છોડી દીધો અને ઉઘાડા પગે ચાલતો હતો. ઉપરાંત કોલાના શૂટ દરમ્યાન મેં ઉપવાસ રાખ્યા હતા. શેટ્ટીએ ફિલ્મના ગીત કર્મા વિશે માહિતી આપતા કહ્યું કે તે આ વિસ્તારના વિવિધ લોકગીતોનું મિશ્રણ છે. તેમણે બે દિવસ મેંગલુરુમાં રોકાણ કરીને પરંપરાગત કલાકારો સાથે રેકોર્ડીંગ કર્યું. ગીત વરાહ રૂપમ ટોડી અને મુખારી રાગમાં છે અને તેને રોક ગીટાર સાથે મિશ્રણ કરીને ફ્યુઝન રચવાનો પ્રયાસ કર્યો જે વિવિધ વિસ્તારના દર્શકો અને વિવિધ વય જૂથોને અપીલ કરે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button