મને કાયમ દિલથી એવું લાગ્યું છે કે મહિલાઓ ચઢિયાતી છે.’
સારી એવી વખણાયેલી વેબ સીરિઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ!’ની ત્રીજી સીઝન શરૂ થતાવેંત દર્શકોમાં સારી એવી ઉત્સુકતા જોવા મળી રહી છે. સયાની ગુપ્તા, બાની જે., કીર્તિ કુલ્હારી અને માનવી ગગરુને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સીરિઝમાં ચાર બિન્દાસ સ્ત્રીઓની સફર અને એમને પ્રેમ, દોસ્તી, ભૂલો સહિતના એકંદરે જીવનમાં થતાં અનુભવોની વાત કહેવાઈ છે. શોમાં પ્રતીક બબ્બર પણ જેહ વાડિયા નામના બારટેન્ડરના અગત્યના રોલમાં છે. એટલે મીડિયાએ એની સાથે પણ સંવાદ કર્યો હતો.
આવા જ એક સંવાદમાં પ્રતીક બબ્બરને સૌપ્રથમ તો એવું પૂછાયું હતું કે ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ ટાઇટલમાં એક ફેમિનિસ્ટ ટોન વર્તાય છે. તો શું પોતાને ફેમિનિસ્ટ (નારીવાદી) ગણે છે ખરો?’ એનો નિખાલસ જવાબ આપતા એક્ટર કહે છે, ‘કદાચ દુનિયામાં બહુ થોડા પુરુષો એ સ્વીકારશે, પણ હું એક ફેમિનિસ્ટ છું એવું કહેતા મને બિલકુલ સંકોચ નથી થતો. મારો ઉછેર સ્વતંત્ર, સશક્ત અને સ્વયંસિદ્ધા સ્ત્રીઓ દ્વારા થયો છે અને હું એમની વચ્ચે જ રહ્યો છું. સૌ જાણે છે એમ મારી મધર સ્મિતા પાટિલ ભારતમાં ફેમિનિસ્ટ મુવમેન્ટ (નારીવાદી ચળવળ)ની પાયોનિયર (પ્રણેતા) હતી. મને કાયમ દિલથી એવું લાગ્યું છે કે મહિલાઓ ચઢિયાતી છે અને તેઓ જ હકીકતમાં દુનિયા પર રાજ કરે છે. તેઓ કદાચ પુરુષો કરતાં શારીરિક દ્રષ્ટિએ વધુ શક્તિશાળી નહીં હોય, પણ મેન્ટલી અને ઇમોશનલી તેઓ પુરુષો કરતા ઘણી આગળ છે.’
પછી મીડિયાના એક પ્રતિનિધિએ રાજ બબ્બરના પુત્રને થોડો વાગે એવો સવાલ કર્યો, ‘તારો શો વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે અને અમુક નેટિઝન્સનો એવો દાવો છે કે આ વેબ સીરિઝમાં નકરું સેક્સ છે. એમને તારે શું કહેવું છે?’ જરાય ઉશ્કેરાટ દાખવ્યા વિના જુનિયર બબ્બર જવાબ આપે છે, ‘સર, ‘ફોર મોર શોટ્સ’માં એકલી સેક્સની વાત નથી. સીરિઝ મોટાભાગે સંબંધોની વાત કરે છે અને સેક્સ કોઈ પણ રિલેશનશિપનો અભિન્ન ભાગ છે. લોકો રિયલ લાઇફમાં સેક્સ માણે છે એટલે એ કોઈ એવી નવી વાત નથી જે અમે ઊભી કરી હોય. કોઈ પ્રસંગમાં સનસનાટી લાવવા સેક્સનો ઉપયોગ નથી થયો. એનાથી વિપરીત, સ્ટોરી લાઇનમાં સેક્સ કશુંક પ્રદાન કરી જાય છે એટલે લોકોએ એવી માન્યતામાંથી બહાર આવી જવું જોઈએ કે ‘ફોર મોર શોટ્સ’ સીરિઝ એકલી સેક્સ વિશે જ છે. હકીકતમાં શોનો મુખ્ય થીમ લવ, ફ્રેન્ડશિપ અને રિલેશનશિપ છે.’
આ જ સંબંધમાં મીડિયામાંથી વધુ એક પૃચ્છા, ‘પ્રતીક, શોમાં ઘણાં ઇન્ટિમેટ સીન્સ (અંતરંગ દ્રશ્યો) છે. શું તું એ ભજવતી વખતે કમ્ફર્ટેબલ રહી શકે છે?’ સવાલ સાંભળી અભિનેતાને હસવું આવી જાય છે, ‘આઇ એમ અન એક્ટર એન્ડ ઇટ્સ અ પાર્ટ ઑફ માય જોબ. અમારે એક્ટર બન્યા પછી સ્ક્રિપ્ટમાં હોય એ બધું કરવું પડે છે, પરંતુ સાચું કહું તો ઇન્ટિમેટ સીન્સ કરતા હું નર્વસ થઈ જાઉં છું. ૧૦૦ જણની નજર તમારા પર મંડાયેલી હોય ત્યારે આવા સીન ભજવવા અટપટા લાગે છે, પણ હું એક પ્રોફેશનલ એક્ટર છું. મેં કેમેરા સામે આવાં સીન્સ કરતી વખતે બધાની દ્રષ્ટિ અને શોરગુલ તરફ બેધ્યાન બની જવાની કળા શીખી લીધી છે. મારું સમગ્ર ધ્યાન બેસ્ટ પરફોર્મન્સ આપવા પર જ રહે છે અને મારા હિસાબે અત્યાર સુધી હું એમાં સફળ રહ્યો છું.’
ત્યાર પછી વેબ સીરિઝ વિશે એક્ટરને એક સવાલ કરાય છે, ‘શોની નવી સીઝનમાં અને તારા પાત્રમાં દર્શકોને નવું શું જોવા મળશે?’ પ્રતીક વિગતવાર ઉત્તર આપે છે, ‘સર, આ સીઝનમાં ઘણો બધો, પહેલી બે સીઝન કરતાં પણ વધુ ડ્રામા જોવા મળશે. દરેક એપિસોડમાં ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ છે અને પ્રત્યેક પાત્રની જર્નીમાં ઘણી બધી મેચ્યોરિટી પણ આવી જાય છે. મારું જેહનું પાત્ર પણ આ સીઝનમાં ઘણું વિકસ્યું છે. અંગત વાત કરું તો જેહની સાથોસાથ મારો એક વ્યક્તિ અને એક્ટર તરીકે ગ્રોથ થયો છે. હું આજે જે કંઈ પણ છું એનો ઘણો બધા શ્રેય શોમાં હું જે પાત્ર ભજવું છું એને જાય છે.’
સંવાદના સમાપનમાં એક અંગત પ્રશ્ન, ‘શોના સેટ પર કેવો માહોલ રહે છે?’ જવાબ આપતી વખતે બબ્બરના અવાજમાં અનેરો ઉત્સાહ વર્તાય છે, ‘ચાર સ્ત્રીઓ સેટ પર ભેગી થાય અને એમાં હું ઉમેરાઉં એટલે એકદમ ધમાચકડી મચી જાય. એને તમે ટ્વેન્ટી ફોર બાય સેવન મેડનેસ (ગાંડપણ) કહી શકો. સયાની, કીર્તિ, બાની અને માનવીનો મારી સાથે નજીકનો ઘરોબો છે અને હવે તો અમારી ફ્રેન્ડશીપ સેટ્સની બહાર પણ વિસ્તરી છે.’
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button