અર્જુન કપૂરઃ ઑલ ઇઝ વેલ! .
સાચ્ચે, અર્જુન કપૂરે પોતાની કારકિર્દીમાં વધારે પડતા ચડાવ-ઉતાર જોયા છે. કારકિર્દીના પ્રારંભમાં દર્શકો પર પ્રભાવ પાડનાર અર્જુન ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતો ગયો. જોકે તેની છેલ્લે રજૂ થયેલી ‘એક વિલન રીટર્ન્સ’ અને ‘સંદીપ ઔર પિંકી ફરાર’ને બોક્સઓફિસ પર ભલે ધાર્યો પ્રતિસાદ ન મળ્યો, પણ અર્જુનના અભિનય અને દેખાવની તારીફ ચોક્કસપણે થઈ. છેલ્લા કેટલાક સમયથી અર્જુનને જાણે નવેસરથી જુવાની ફૂટી છે! તેણે ઘણું વજન ઉતાર્યું હોવાથી ખાસ્સો હેન્ડસમ દેખાય છે.
અર્જુન અગાઉની તુલનામાં માનસિક રીતે ઘણો શાંત થયો છે. એનામાં ઠહરાવ આવ્યો છે. આ વાતનો જશ એ પોતાની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાને આપે છે. એ કહે છે, ‘જ્યારે તમારી આસપાસ એવી વ્યક્તિની સતત હાજરી હોય જે તમને ખુશ રાખી શકે, જેની ઉપસ્થિતિથી તમે આનંદમાં રહી શકો, તે તમને સાચો માર્ગ ચીંધતી રહે, જેની સામે તમે દિલ ખોલીને વાત કરી શકો ત્યારે તમારું મન આપોઆપ શાંત રહેવા લાગે છે. મલાઇકા સાથે ગાઢ સંબંધ બંધાયા પછી મારું જીવન શાંત પાણી જેવું થઇ ગયું છે. તે મને સાચા નિર્ણયો લેવા, મારી શરીરને મેન્ટેઇન કરવા સતત પ્રોત્સાહન આપતી રહે છે. તેણે મને મારી નબળાઇઓ સાથે સ્વીકાર્યો છે. મલાઇકાનું જીવન અન્યો માટે પણ પ્રેરણાસ્રોત રહ્યુ ંછે, જ્યારે હું તો તેની સાથે રિલેશનશિપમાં છું. આવી સ્થિતિમાં હું તેનાથી પ્રભાવિત ન થાઉં એવું શી રીતે બને?’
બાકી અર્જુનના જીવનમાં મુસીબતો સાગમટે આવી હતી. તે કહે છે, ‘મારી ફિલ્મો ધડાધડ નિષ્ફળ જઇ રહી હતી, મારો દેખાવ બગડયો હતો, મારા અંગત જીવન પર પણ ઘણા પ્રશ્નાર્થ હતાં. ટૂંકમાં, હું ચારેકોરથી ઘેરાઇ ગયો હતો. આવી સ્થિતિમાં કોઇપણ વ્યક્તિ પડી ભાંગે, પણ હું નસીબદાર છું. આ બધું બન્યું ત્યારે જ લૉકડાઉન આવ્યું તેથી મને ધીમા પડવાનો અને ફરીથી ઊભા થવાનો સમય મળી ગયો. મેં મારી જાતને સંભાળી લીધી. મેં માની લીધું કે પરિસ્થિતિ તમારા હાથમાં ન હોય ત્યારે એક વખત તો તમારે તેનો સ્વીકાર કરી જ લેવો પડે. આ સ્વીકૃતિ પછી જ તમે તેમાંથી બહાર આવવાના સફળ પ્રયાસો કરી શકો. બસ, મેં પણ એમ જ કર્યું અને મારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવ્યો.’
‘સંદીપ એન્ડ પિંકી ફરાર’ને દર્શકોએ ભલે સારો પ્રતિસાદ ન આપ્યો, પણ નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકારે અર્જુનના વખાણ કર્યા છે. અર્જુન આ વાત સંભારતા કહે છે, ‘થોડા સમય પહેલાં હું ‘કુટ્ટી’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે સેટ પર નસીરુદ્દીન શાહને મળવા ગયો. હું તેમની સાથે હાથ મિલાવવા જતો હતો, પણ તેમણે મને ગળે વળગાડી દીધો. તેમણે કહ્યું, તેં ખરેખર સારો અભિનય કર્યો છે, મને તારું કામ ગમ્યું. નસીરસર એવા માણસ નથી જે માત્ર કરવા ખાતર કોઈના વખાણ કરે.’
અભિનેતાએ પ્રારંભિક તબક્કે મલાઇકા અરોરા સાથેના પોતાના સંબંધો સંતાડયા હતાં, પણ હવે તેણે ખુલ્લમ્ખુલ્લા તેનો સ્વીકાર કરી લીધો છે. અર્જુન કહે છે, ‘શરૂઆતમાં સંબંધને મજબૂત કરવાનો હોય છે. એ સંબંધમાં ખરેખર પ્રેમ, કાળજી, જતું કરવાની ભાવના વગેેરે છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય. જ્યાં સુધી તમે પોતે આ બાબતે ચોક્કસ ન હો ત્યાં સુધી સંબંધ વિશે કેવી રીતે વાતો કરાય? અમે બન્નેએ ખુદને ખૂબ ચકાસ્યાં અને પછી જ અમારા સંબંધને જાહેર કર્યો. જોકે મિડીયા તો અમારા વિશે ક્યારનું લખવા-દેખાડવા માંડયું હતું. હજુ પણ ઘણા લોકો અમારી વચ્ચે રહેલા વયના તફાવત વિશે પ્રશ્નો પૂછે છે. જો અમને આ તફાવતથી કશો ફરક પડતો નથી તો અમારે બીજા કોઇની પરવા કરવાની કશી જરૂર નથી. મને લાગે છે કે અમે એક પ્રકારનો દાખલો બેસાડયો છે.’
વેલ, અર્જુનની પર્સનલ લાઇફ તો બિલકુલ સ્મૂધ ચાલી રહી છે. એની પ્રોફેશનલ લાઇફ પણ એટલી જ સરસ અને સરળ રીતે વહેવા માંડે એટલે ભયો ભયો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button