પિતા-પુત્ર વચ્ચે સમાધાન, ઝઘડિયા બેઠક ઉપર મહેશ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે, ત્યારે દરેક પાર્ટીએ પોતાની મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે રાજ્યની ઝઘડિયા વિધાનસભા બેઠક એવી હતી, જ્યાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા વિરુદ્ધ તેમના જ પિતા અને પાર્ટીના સ્થાપક છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આજે ચૂંટણીની રેસમાં સામેલ થવાના છેલ્લા દિવસે ઝઘડિયાની બેઠક પર મોટો રાજકીય વળાંક આવ્યો છે.
હકીકતમાં ભરૂચની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર BTP તરફથી છોટુ વસાવા સતત 7 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. જો કે આ વખતે પાર્ટીએ તેમના પુત્ર મહેશ વસાવાને મેદાનમાં ઉતાર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહેશ વસાવા ડેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.
2022ની ચૂંટણીમાં મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક ઉપર છોટુ વસાવાની ટિકિટ કાપીને પોતે જ ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ છોટુ વસાવાએ આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
જો કે આજે મહેશ વસાવાએ ઝઘડિયા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. આ સાથે જ મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાને સમર્થન આપવાનું એલાન કર્યું છે. આ સાથે જ મહેશ વસાવાએ જણાવ્યું કે, સમાજની એકતા ના તૂટે તેના માટે પોતે ઉમેદવારી પરત ખેંચી છે.
જણાવી દઈએ કે, અગાઉ અપક્ષ ઉમેદવારી નોંધાવતા છોટુ વસાવાએ કહ્યું હતું કે, ભાજપને ટક્કર આપનારું કોઈ નથી. આથી તેઓ એક વખત ફરીથી ચૂંટણીના મેદાનમાં છે. તેઓ આદિવાસીઓ માટે પોતાની લડત ચાલુ રાખશે અને કોઈ મારી પાસેથી ઝઘડિયા વિધાનસભા બેઠક છીનવી નહીં શકે. પોતાના પુત્ર વિરુદ્ધ મેદાનમાં ઉતરવા પર છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, એક જ પરિવારના 4 સભ્યો 4 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
જ્યારે મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, મેં BTP ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું છે. અમારી પાર્ટી અનેક બેઠકો જીતવા જઈ રહી છે. પોતાના પિતા અપક્ષ લડવા અંગે મહેશ વસાવાએ જણાવ્યું કે, દરેકને ઉમેદવારી દાખલ કરવાનો હક્ક છે.
2017માં ઝઘડિયા બેઠકની સ્થિતિ શું હતી?
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5 પુરુષ અને 1 મહિલા મળી કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 1 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ઝઘડિયા બેઠક પર આદિવાસી મતદાતાઓનું પ્રભુત્વ છે. અહીં બીટીપી પાર્ટીના છોટુ વસાવાનો દબદબો જોવા મળે છે. 1990 બાદની તમામ ચૂંટણીઓમાં આ બેઠક પર છોટુ વસાવાની જીત થતી આવી છે. છોટુ વસાવા અગાઉ જેડી(યુ)માં હતા, બાદમાં તેઓએ પોતાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટી બનાવી હતી. છેલ્લા 35 વર્ષોથી છોટુ વસાવા આ બેઠક પરથી જીતતા આવ્યા છે અને તેમના હરાવવા એ કોંગ્રેસ અને ભાજપ માટે એક પડકારસમાન છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button