દુખે છે પેટ અને કુટે છે માથું

‘બે ટા, હું એક વખત છોકરાને જોઉં, તેને મળું પછી તમને બેયને લગ્ન માટે મંજૂરી આપી શકું ને.’ મહેતા એન્ટરપ્રાઈઝના માલિક નીરજ મહેતા બાવન વર્ર્ષના હતા, પણ રોજ કસરતો અને જીમને લીધે માંડ ચાલીસના લાગતાં હતા. તેમની કંપનીનો કારોબાર દેશમાં અને વિદેશમાં ફેલાયેલો હતો. કેમિકલની બે ફેક્ટરી અને વેપાર જામેલા હતા. તેમની એકની એક દીકરી નિયતિ હજુ હમણાં જ એમ.બી.એ. પાસ થઈ હતી. તેની સાથે જ ભણતા મનન કાપડિયા સાથે તેને બે વરસથી પ્રેમ હતો.

ગ્રેજ્યુએશન પૂરું થતાં મનને તેના પ્રેમનો એકરાર નિયતિ સાથે કરતાં બે માહિનામાં તો લગ્ન સુધી વાત પહોચી ગઈ હતી. નિયતિની મમ્મી નીલાબેન છેલ્લા ત્રણ વરસથી તમામ સાંધાના દુખાવાથી  પીડિત રહેતા હોવાથી લગભગ પથારીવશ જેવા જ હતા. નીરજભાઈને પૈસાની કોઈ કમી ન હતી, પણ પત્નીની બીમારીથી ત્રસ્ત હતા. કાયમ પથારીવશ હોવાથી નીલાબેન તેમની સાથે હરવા ફરવા જઈ શકતાં નહીં. તેમનું દામ્પત્ય જીવન ખોરંભે પડવા માંડયુ હતું.

”પપ્પા, છોકરાનું નામ છે મનન કાપડિયા, તેના પપ્પાને કાપડનો મોટો કારોબાર છે, સી.જી. રોડ પર અને સેટેલાઈટ રોડ પર તેમના રેડીમેઇડ ગારમેન્ટના મોટા શો રૂમ ધૂમ કમાણી કરી રહ્યા છે. મનને તો તેના માતાપિતાને વાત કરી જ રાખી છે. બંનેની અમારા સબંધ માટે મંજૂરી મળી ગઈ છે, હવે તમારા નિર્ણયની રાહ જોવાય છે.’ નિયતિએ પોતાના પ્રેમીની વિગતવાર માહિતી આપતા કહ્યું.

”સારું બેટા, મને ચાર પાંચ દિવસનો સમય આપ, આ રવિવારે હું તપાસ કરાવીને જ સાંજે મનનને મળવા બોલાવું છું.” નીરજભાઈએ જવાબ આપ્યો.

તેમની તપાસમાં મનનના ઘર અને કુટુંબ વિશેના રિપોર્ટ ઓકે આવતા, રવિવારે સાંજે નીરજભાઈએ મનનને ઘરે ચ્હા નાસ્તા માટે બોલાવ્યો.

સાંજે છ વાગે બ્રાંડેડ કપડાંમાં ઊંચો, ગોરો અને હેન્ડસમ મનનને જોતાવેંત નીરજભાઈ ખુશ થઈ ગયા. તે વાતો કરવા બેઠો અને નીરજભાઈને કઇંક યાદ આવતા ચહેરાનો રંગ બદલાઈ ગયો.

અડધી કલાકની જ વાતચીત કરીને ગયા પછી નીરજભાઈએ નન્નો ધૂણાવ્યો, નિયતિએ પૂછયું, ‘પણ ના પાડવાનું કારણ શું છે, પપ્પા ?’

‘બેટા, બીજી બધી બાબતો બરાબર છે, પણ આ છોકરો મને યોગ્ય લાગતો નથી.’ નીરજભાઈ બોલ્યા.

‘પણ કેમ ? હું તેને પ્રેમ કરું છું એટ્લે ?’ નિયતિ ચિડાઇને બોલી.

‘ના, ના બેટા એવી વાત નથી, હું તેના મિત્રમંડળને જાણું છું, તે બધા મવાલી, બેજવાબદાર ચારિત્ર્યહીન છે, તેની કંપનીમાં મનન પણ તેવો જ થઈ જાય ને.. ‘ નીરજભાઈએ પેટ છૂટી વાત કરી.

‘પપ્પા, એવું કઈં નથી, મનન તો એકદમ પ્રમાણિક વિનયી અને શુદ્ધ ચારિત્ર્યનો છે.’ નિયતિને લાગ્યું પપ્પા કઈક છુપાવે છે. મનમાં કઈક બીજું છે અને બોલે છે બીજું, પણ શું ?

નિયતિએ મનનને બધી વાત વિગતવાર કરી જણાવ્યુ કે પપ્પાને તારી કંપનીનો વાંધો છે, બાકી કોઈ તકલીફ નથી.’

મનને તેના ખાસ મિત્ર મુકેશ દેસાઈને વાત કરી, બંને બચપનના દોસ્ત હતા, મુકેશને પણ નવાઈ લાગી. અમારા વિષે આવો અભિપ્રાય આપનાર છે કોણ ?

મનને કહ્યું, ‘નીરજ મહેતા.’

‘પેલા મહેતા એન્ટરપ્રાઇઝવાળા જ ને !’ મુકેશ નામ દઈ જોરથી હસી પડયો.

‘અરે ! નીરજભાઈ તો મહિનાના બે શનિ રવિ અમારા મહુડી હાઇવે પરના મલ્હોત્રા રિસોર્ટ પર તેની રૂપકડી સેક્રેટરી સાથે આવે છે, તેની રહેવાની, ખાવા પીવાની અને ડ્રિંંકસ ની વ્યવસ્થા મારે જ કરવાની હોય છે.’ મુકેશ મલ્હોત્રા રિસોર્ટનો મેનેજર હતો.’ તેની પત્ની તો પથારીવશ છે, એ તને અને મને સી.જી.રોડ પરની રેડરોઝ હોટેલ પર બે ત્રણ વખત સાથે જોઈ ગયો છે. તેને બીક છે કે હું તેની આ વાત તને કરી દઇશ તો તેની દીકરી અને પત્ની

આગળ ઇજજત શું રહેશે ?, એટ્લે આ માણસને દુખે છે પેટ અને કુટે છે માથું.’

નિયતિને બધી વાતની ખબર પડતાં તે બોલી, ‘હા, પપ્પા દર પંદર દિવસે શનિ રવિ ધંધાના કામે મુંબઈ જાય છે ખરા, પણ હવે ખબર પડી ક્યાં જાય છે.’ તેને પણ પપ્પા પર ગુસ્સો આવ્યો અને ધૃણા થઈ ગઈ.

ત્રણે વિચારમાં પડયા, હવે કરવું શું ? અંતે એક પ્લાન વિચારી નાખ્યો.

નિયતિએ પપ્પાને વિનંતી કરતાં કહ્યું, ‘પપ્પા, એક છેલ્લી વખત મનન તમને મળવા માંગે છે, ક્યારે બોલાવું ?’

નીરજભાઈ વિચારે ચડયા, લાંબુ ખેંચવાને બદલે આ વાતનો અંત આવે તો સારું. તેમણે કહ્યું, ‘સારું બેટા, કાલે બોલાવી લે, પણ મારી તો ના જ છે.’

બીજા દિવસે મનન સાથે મુકેશને જોઈ નીરજભાઈ ચોંકી ગયા, બંને એકબીજાને ઓળખતા ન હોય તેવો વ્યવહાર કરતાં બેઠા. નિયતિ ચ્હા લઈને આવતા મુકેશભાઇ બોલ્યા, ‘જાવ મનન અને નિયતિ તમે અંદરના રૂમમાં વાતો કરો.’

બંને અંદરના રૂમમાં ગયા એટ્લે મુકેશભાઇએ સમજાવટથી કહ્યું, ‘નીરજ શેઠ, આ મનન મારો ખાસ મિત્ર છે, હજુ સુધી મે તેને તમારી કોઈ વાત કરી નથી. તેમનો બંનેનો પ્રેેમ સાચો છે, લગ્નની મંજૂરી આપો.’

નીરજભાઈ ખુશ થતાં બોલ્યા, ‘ખરેખર, તમે મારી કોઈ વાત કરી નથી.? તમને મારી પત્નીની હાલત તો ખબર જ છે. અમારું લગ્નજીવન બેકાર બની ગયું છે. મારે મારી ખુશાલી માટે કઇંક તો કરવું જ પડે ને !’

‘હા અને જો આ બંનેના લગ્ન થઈ જાય તો હું કઈપણ કહીશ નહીં તેની ગેરંટી છે.’ મુકેશભાઇ મક્કમતાથી બોલ્યા.

‘તો તો મારી મંજૂરી છે, પણ તમે વચન પાળજો.’ નીરજભાઈ કરગર્યા.

નિયતિ અને મનન બહાર આવતા મુકેશ અને નીરજભાઈ ખુશ હતા અને બોલ્યા.

‘મનન, તારા વિષે અને તારા મિત્રો વિષે મને ગેરસમજ થઈ હતી, તું અને તારા મિત્રો આદર્શ, વિશ્વાસુ, જવાબદાર અને ચારિત્ર્યવાન છો, મને આ સબંધ મંજૂર છે.’ નીરજભાઈએ પોતાનો અભિપ્રાય બદલી નાખ્યો.

બહાર નીકળતા મનન અને મુકેશ ખુશ હતા. નિયતિનો આનંદ પણ સમાતો ન હતો.

મહિના બાદ મનન અને નિયતિના ધામધૂમથી લગ્ન લેવાયા. બંને તેના મિત્ર મુકેશનો આભાર માનતા હનીમૂન માટે માલદિવ્સ ઉપડી ગયા.

કેટલીક વખત દુખતા પેટનો ઈલાજ કરીએ તો આપોઆપ માથું કૂટવાનું બંધ થઈ જાય છે, એ વાત બધા સમજી ગયા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.