યુક્રેન યુધ્ધમાં રશિયાની અચાનક પીછેહઠ નાલેશી છે કે ચતુરાઇ?

૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે ઘટનાને ૯ મહિના જેટલો સમય થયો છે. રશિયા જેવી મહાસત્તા સામે કીડી જેવું યુક્રેન ટકી નહી શકે એવું માનવામાં આવતું હતું પરંતુ હાલમાં એવા સંજોગો ઉભા થયા છે જેનાથી રશિયા પીઠેહઠ કરી રહયું હોવાનું ચિત્ર ઉપસે છે. યુક્રેન યુધ્ધમાં આવેલા અનેક ચડાવ ઉતારની દુનિયા સાક્ષી છે પરંતુ ખેરસોનમાંથી સૈન્ય હટાવી લેવાનો રશિયાનો નિર્ણય સૌથી મોટો વળાંક છે. ખૂદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ખેરસોન વિસ્તારમાંથી રશિયન સૈનિકોને કાઢીને ડેનિપર નદીના પૂર્વ કાંઠા તરફ લાવવામાં આવી રહયા છે. ડેનિપર નદી જે ખેરસોન શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જો કે રશિયાની સેના આને પીછેહઠ નહી પરંતુ સેનાની મોરચાબંધી એવો શબ્દ પ્રયોગ કર્યો છે તેમ છતાં એકંદરે રશિયા માટે નીચાજોણું થયું છે.

રશિયાએ વાત બરાબર જાણે છે કે કાળા સમુદ્રના કાંઠે વસેલું  ૨.૯૦ લાખની વસ્તી ધરાવતું ખેરસોન  વ્યૂહાત્મક દ્રષ્ટીએ અત્યંત મહત્વનું છે. આથી જ તો યુધ્ધની શરુઆતમાં યુક્રેનનું આ ખેરસોન પચાવીને પોતાનું સૈન્ય બેસાડી દીધું હતું. સૌથી પહેલા તો ૨૭ ફેબુ્રઆરીએ ખેરસોનના એરપોર્ટ પર રશિયાએ કબ્જો લઇ લીઘો હતો. છેવટે પોતાના વહીવટદાર નીમીને રશિયાએ ખેરસોનમાં ધામા નાખ્યા હતા. ખેરસોન અને બર્દિયાંસ્ક પર નિયંત્રણ મેળવ્યા પછી રશિયાના સૈન્યએ ખાર્કિવ તરફ પ્રયાણ કર્યુ હતું. ખેરસોનની વાત કરીએ તો હાલમાં રશિયાના ૧૫ થી ૨૦ હજાર સૈનિકો હોવાનું માનવામાં આવે છે. રશિયા, યુક્રેન યુધ્ધમાં જેનો અવાર નવાર ઉલ્લેખ  થાય છે એ ક્રીમિયા યુક્રેનનો જ એક પ્રાંત છે જેના પર રશિયા ૨૦૧૪થી કબ્જો ધરાવે છે. ખેરસોનએ ક્રીમિયાનો એન્ટ્રી પોઇન્ટ છે. જો આ દરવાજો જ રશિયા છોડી દે તો યુક્રેન માટે ક્રીમિયા નજીક જવાનો રસ્તો ખુલ્લો થઇ જાય છે. ખેરસોન એક માત્ર એવું પોર્ટ જે યુક્રેનના હાથમાં આવે તો ઝાપોરિઝિયા અને બાકીના દક્ષિણ વિસ્તારોને પરત મેળવવામાં પણ મદદ મળી શકે છે. યુક્રેનનું સૈન્ય પોતાની જ ભૂમી હોવાથી કયા રસ્તે અને કયારે જવું તેનો અનુભવ ધરાવે છે. ટૂંકમાં ખેરસોનનું મેદાન રશિયા ખાલી કરી દે તો યુક્રેનને જ ફાયદો થાય તેમ છે. યુક્રેન સાથે યુધ્ધ છેડવાનો રશિયાનો ઇરાદો ક્રીમિયાથી આગળ વધીને આખા યુક્રેનને તોડવાનો છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક કારણોસર યુક્રેનમાં રશિયાના સમર્થકો પણ રહે છે. યુક્રેન તૂટી જાયતો આડકતરી રીતે રશિયાએ નાટો દેશોને પણ પાઠ ભણાવવો છે. આવા સંજોગોમાં રશિયાને ક્રીમિયા દ્વીપ પર જોખમ વધે તે જરાંય પોષાય તેમ નથી.

ખેરસોન છોડવાની રશિયાની જાહેરાતથી નાટો દેશો અને અમેરિકા ગેલમાં આવી ગયા છે. નાટો (નોર્થ  એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) યુક્રેનને બહારથી મદદ કરતું મીલિટરી સંગઠન છે જેના મહાસચિવ સ્ટોલ્ટનબર્ગેે તો એવું ભાખ્યું છે કે રશિયા પર ભારે દબાણ છે અને જયાં સુધી નાટોની મદદ મળતી રહેશે ત્યાં સુધી આવું પરીણામ મળતું રહેશે. સૌ જાણે છે કે રશિયા યુક્રેનને બરબાદ જરુર કરી શકયું છે પરંતુ ઝુકાવી શકયું નથી.ખેરસોન એક માત્ર ઇલાકો જેના પર રશિયા પહેલાથી જ સંપૂર્ણ કબ્જો ધરાવતું હતું. યુક્રેનિયન પ્રાંતિય રાજધાનીનું પણ શહેર હોવાથી રશિયા વગર લડાઇએ ખેરસોનનો ૬૦૦૦ વર્ગ કિમી વિસ્તાર આ રીતે છોડી દે એ કોઇની પણ સમજણની બહાર છે. હજુ થોડાક સમય પહેલા તો રશિયાએ ઝાપોરિઝિયા , ડોનેસ્ક અને લુકાન્સ્ક ઉપરાંત ખેરસોનમાં જનમત સંગ્રહ કરાવીને પોતાનામાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. ક્રેમલિને આને લગતા પ્રસ્તાવને પણ ગૃહમાં મોકલ્યો હતો તો પછી રશિયાએ ખેરસોન છોડવાની કેમ જરુર પડી ? યુક્રેન માટે ખેરસોન ફરી મેળવવું એ ખાર્કિવ જેટલું સરળ નથી તેમ છતાં જો જીતી લે તો મજબૂત સ્થિતિમાં આવી જશે. યુક્રેન જાણે છે કે આ લોઢાના ચણા ચાવવા જેવું કપરુ કામ છે આથી જ તો તેનું સૈન્ય અભિયાન ખેરસોન તરફ ધીમા પગલે આગળ વધી રહયું હોવાના અહેવાલ છે. ગત મહિને યુક્રેનના મીડિયામાં તસ્વીર સાથે એવા સમાચાર પ્રસારિત થયા હતા જેમાં ખિશ્વિનિવકા નામના ગામમાં યુક્રેનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકી રહયો છે. આ એક એવો ઇલાકો છે જેનો સમાવેશ ખેરસોનના પેટા વિસ્તાર તરીકે થાય છે. યુક્રેન સમર્થક વિદ્રોહીઓ અને રશિયાના સૈનિકો વચ્ચે ખેરસોન સમરાંગણ બન્યું  ત્યારથી સ્થાનિક લોકોનો મરો થયો છે. ડેનિપર નદીને જોડતા પાંચ પૂલ ધરાશયી થવાથી સંપર્ક કપાયો છે. વીજળી વેરણ બની છે, ખોરાક અને પાણી માટે વલખા મારવા પડે છે.

રશિયા અને યુક્રેન આના માટે દોષનો ટોપલો એક બીજા પર ઢોળી રહયા છે. યુક્રેનનો આરોપ છે કે પોતાના સૈનિકોને પ્રવેશતા અટકાવવા માટે રશિયાની આ હરકત છે. રશિયાનો આરોપ રહયો છે કે ખેરસોનમાં લોકોની સુખાકારી માટે વીજળીનો પુરવઠો શરુ કરવા રશિયાના સૈનિકો પ્રયત્ન કરે ત્યારે યુક્રેન સમર્થકો હુમલા કરે છે. ખેરસોનમાં રશિયાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારી વ્લાદિમીર સાલદોનું કાર અકસ્માતમાં મુત્યુ થયું હતું તેને રશિયા શંકાની નજરે જોઇ રહયું છે. હવે બન્યું છે એવું કે ખેરસોનનો ખોળો નિકળી જતા ખૂદ રશિયા માટે પોતાના સૈનિકોને પૂરવઠો પહોંચાડવું કપરું બન્યું છે. રશિયાએ ખેરસોનમાંથી ૧.૨૦ લાખ લોકોને સલામત સ્થળે ખસેડયા હોવાનો દાવો કર્યો છે. લોકોને સ્વેચ્છાએ શહેર છોડી દેવાની પણ હાકલ કરવામાં આવી હતી. ખેરસોનમાં એક નિર્ણાયક લડાઇ જે ગલીએ ગલીએ અને ઘરે ઘરે લડાવાની હતી તેની પુષ્ઠભૂમિ તૈયાર થવા માંડી. આવા નિર્ણાયક સમયે રશિયાની પીછેહઠને યુક્રેન ચાલબાજી માની રહયું છે. ખેરસોન શહેરમાં યુક્રેની સૈનિકોને આવવા આમંત્રણ આપીને ગફલતમાં રાખીને રશિયા પછાડવા ઇચ્છે છે. રશિયાનો ઇરાદો ખેરસોન યુક્રેનને તાસકમાં ધરી દેવાનો હોય એ શકય નથી. કયારેક વ્યૂહાત્મક પીછેહઠ કરવી એ પણ યુધ્ધનો જ એક ભાગ હોય છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઇલો પોડલિયાકે પ્રતિક્રિયા આપી કે રશિયા માત્ર વાતો કરે છે. એવો કોઇ સંકેત મળતો નથી કે રશિયા વગર લડે ખેરસોન છોડી દેશે. આથી યુક્રેન પણ એકદમ સાવધાનની સ્થિતિમાં છે. ખેરસોનમાં યુક્રેન દ્વારા પણ એક ગર્વનર નિયુકત કરવામાં આવ્યા છે જેમણે લોકોને હાલમાં કોઇ આનંદ નહી મનાવવાની ચેતવણી આપી છે.

યુક્રેન યુધ્ધના મોરચેથી છેલ્લા કેટલાક સમયથી રશિયાને સારા સમાચાર મળતા નથી. યુક્રેનનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાતું ખાર્કિવ ગુમાવવાનો વારો આવ્યો.ખાર્કિવમાંથી તો રશિયાના સૈનિકોએ ગભરાટમાં આવીને એવી રીતે વિદાય લીધી હતી કે સૈનિકો, ગોલા, બારુદ, બંદૂકો અને ટેંકો પણ મુકીને આવ્યા હતા. યુક્રેનના અનેક શહેરો અને ગામોમાં લડાઇ ચાલું  છે જેમાં યુક્રેન સમર્થકો અને સૈનિકો રશિયાને મચક આપતા નથી. ડોનેસ્ક ક્ષેત્રના પૂર્વી શહેર લિમેનમાં રશિયા હારી ગયું છે. લિમેનનો ઉપયોગ રશિયા પરિવહન અને રણનીતિક કેન્દ્ર તરીકે કરતું હતું. યુક્રેનને સફળતા મળે એટલે અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને તન, મન અને ધનથી ટેકો કરવામાં ફાયદો સમજે છે.

તુર્કીના ડ્રોન હોય કે અમેરિકાની જવેલિન મિસાઇલ યુક્રેને ઉછીના શસ્ત્રોનો બરાબર ઉપયોગ કર્યો છે. ધારીને નિશાન તાકયા હોવાથી રશિયા હવે અકળાયું છે. જનરલો બદલ્યા, વ્યૂહરચનાઓ બદલી છતાં ઇચ્છિત પરીણામ મળ્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અનેક વાર  અણુબોંબનો વિકલ્પ ખુલ્લો હોવાની ચેતવણી આપી છે. શરુઆતમાં તો આ ધમકીને બ્લેક મેલિંગ માનવામાં આવતું હતું પરંતુ નિષ્ણાતો માનવા લાગ્યા છે યુક્રેન યુધ્ધમાં આ એક ગંભીર મુદ્વો છે. યુક્રેન મામલે ઘર આંગણે ઘેરાયેલા પુતિનને દેશની સુરક્ષાને ખતરો લાગશે તો અણુ પ્રયોગ કરી શકે છે એવી પશ્ચિમી દેશોમાં માન્યતા વધી રહી છે. અમેરિકા અને નાટો દેશોની મદદથી પહેલવાન જણાતું યુક્રેન ખોરસન માર્ગે આગળ વધતું રહે તો રશિયા માટે પ્રતિષ્ઠા બચાવવી મુશ્કેલ બની જશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.