આપણી લોકશાહી નિષ્ફળ નીવડી છે?
ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે ત્યારે કેટલાક રાજકીય સમીક્ષકો કહે છે કે ગુજરાતની હાઇ પ્રોફાઇલ ચૂંટણી પર દેશ આખાની નજર છે. આ ચૂ્ંટણી ૨૦૨૪ની સંસદીય ચૂંટણીનું ટ્રેલર છે. દરમિયાન એવો પણ ગણગણાટ થઇ રહ્યો છે કે શાસન પદ્ધતિ અસરકારક રહી નથી. ખાસ કરીને ડાબેરી સમીક્ષકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપખુદ અને સરમુખત્યાર નેતા તરીકે ચીતરી રહ્યા છે. તાજેતરમાં થયેલી મોરબી દુર્ઘટના માટે જવાબદાર મનાતા ઓરેવા કંપનીના એક હોદ્દેદારના પુસ્તકની પણ મિડિયામાં સમીક્ષા થઇ. સમસ્યા અને સમાધાન નામના આ પુસ્તકમાં લેખકે દેશની લોકશાહી નિષ્ફળ નીવડી હોવાનું અને અત્યારે ચીન જેવી સરમુખત્યાર સરકારની જરૂર હોવાનું લખ્યું છે એવા મિડિયા રિપોર્ટ હતા.
વાસ્તવમાં દેશમાં પ્રમુખશાહી કે અન્ય કોઇ શાસન પદ્ધતિની જરૂર હોવાની વાતો આજની નથી. નવી પણ નથી. આ વિચારનો પ્રચાર ૧૯૭૦ના દાયકાથી શરૂ થયો હતો. ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે એમને અંગત રીતે વફાદાર એવા કેટલાક નેતાઓએ આ પ્રકારનો પ્રચાર શરૂ કર્યો હતો. ખાસ કરીને કાયદાના નિષ્ણાત એવા વસંત સાઠે, સુશીલ કુમાર શિંદે, અબ્દુલ રહેમાન અંતુલે અને સિદ્ધાર્થ શંકર રે જેવા નેતાઓ મિડિયાને એવું કહેતા હતા કે આપણે ત્યાં સંસદીય લોકશાહી નિષ્ફળ નીવડી છે. આપણે પ્રમુખશાહી શાસન પદ્ધતિ સ્થાપવી જોઇએ. હકીકતમાં આ લોકોને દેશહિતમાં રસ નહોતો, પોતાના નેતા ઇંદિરા ગાંધી કાયમ સત્તા ભોગવે એમાં રસ હતો. ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી વખતે ત્યારના કોંગ્રેસ પ્રમુખ દેવકાંત બરુઆએ તો સૂત્ર આપ્યું હતં કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા.
દેશમાં બ્રિટિશ પદ્ધતિની સંસદીય લોકશાહી નિષ્ફળ નીવડી હોય તો એનું કારણ પણ કોંગ્રેસ છે. છેક પહેલી ચૂંટાયેલી પંડિત જવાહરલાલ નહેરુની સરકારથી તે રાજીવ ગાંધીની સરકાર સુધીનો ઇતિહાસ વાંચો તો ખ્યાલ આવે કે માત્ર સત્તા સાચવી રાખવા કેવા કેવા કાવાદાવા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અજોડ પ્રદાન કરનારા કોંગ્રેસ પક્ષનો શતમુખ વિનિપાત સત્તાલોભને કારણે જ થયો. ભ્રષ્ટાચારના શ્રી ગણેશ પણ આઝાદી પછીના પહેલા દાયકામાં થયા હતા. પંડિત જવાહરલાલ નહેરુએ ત્યારે આકરાં પગલાં લીધાં હોત તો ભ્રષ્ટાચાર આટલી હદે બેફામ ન થયો હોત.
રહી વાત હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આપખુદ વર્તનની. સ્વસ્થ ચિત્તે વિચારીએ તો લગભગ દરેક નેતાએ એવું વર્તન કર્યું છે. પશ્ચિમ બંગાળના મમતા બેનરજીનાં વાણી-વર્તનની તવારીખ તપાસો. બિહારમાં લાલુ યાદવના પરિવારનો રાજકીય અહેવાલ તપાસો. તમિલનાડુમાં જયલલિતા અને હાલના નેતાઓનું વલણ કેવું રહ્યું છે એ તપાસો. ઉત્તર પ્રદેશના માયાવતીએ પણ મનસ્વી વર્તન કર્યું હતું. જમ્મુ કશ્મીરને પોતાના પૂજ્ય પિતાશ્રીની અંગત મિલકત ગણતા અબ્દુલ્લા પરિવાર અને મહેબૂબા મુફ્તીનાં વાણી-વર્તનને ચકાસી જુઓ. કોંગ્રેસમાં સોનિયા ગાંધી જે રીતે વહીવટ કરી રહ્યાં છે એ જોતાં એમને માટે પણ આવું કહી શકાય. લગભગ દરેક રાજ્યના સત્તા પરના નેતાઓએ આવું કર્યું છે.
એક વાત સ્પષ્ટ છે. આપણા દેશમાં લશ્કરી શાસન કે સરમુખત્યારશાહી સફળ થઇ શકે નહીં. ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતાં ત્યારે લોકનાયક જયપ્રકાશ નારાયણે પોલીસ અને લશ્કરને એવી હાકલ કરેલી કે સરકારે આપેલા અન્યાયી આદેશોનું પાલન નહીં કરતા. એ સમયે ચોંકી ઊઠેલાં ઇંદિરાજીએ ભારતીય લશ્કરના ત્યારના સેનાપતિ ફિલ્ડ માર્શલ (એ સમયે જનરલ હતા) સામ માણેકશાને તેડાવેલા અને પૂછેલું કે આપણે ત્યાં લશ્કરી બળવો થઇ શકે ખરો ? માણેકશાએ હસતાં હસતાં જવાબ આપેલો કે નો ડાર્લિંગ (એ ઇંદિરાને મજાકમાં ડાર્લિંગ કહીને સંબોધતા)., ઇટ ઇઝ નોટ પોસિબલ. અવર આર્મી ઇઝ સેક્યુલર ઇન રિયલ સેન્સ એન્ડ કોસ્મોપોલિટન… (આપણું લશ્કર સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ અને પંચરંગી છે એટલે આપણે ત્યાં લશ્કરી બળવો શક્ય નથી.)
માણેકશાની વાત સાચી છે. આપણે ત્યાં રાજપૂતાના બટાલિયન છે એમ પંજાબ રેજિમેન્ટ છે અને મરાઠા ઇન્ફ્રન્ટ્રી છે એમ તમિળ બટાલિયન પણ છે. જુદી જુદી ભાષા અને જુદી જુદી નાતજાત તથા ધર્મ ધરાવતા આપણા લશ્કરમાં બળવો શક્ય નથી. પાકિસ્તાન કે અન્ય ઇસ્લામી દેશમાં જ્યાં ૮૦ ટકાથી વધુ વસતિ મુસ્લિમોની હોય અને લશ્કરમાં પણ મુસ્લિમ બહુમતી હોય ત્યાં સહેલાઇથી લશ્કર બળવો કરી શકે. પાકિસ્તાનનો ઇતિહાસ આપણી નજર સામે છે. આઝાદીના પહેલા જ દાયકામાં પાકિસ્તાનના લશ્કરે સત્તા આંચકી લીધી હતી.
હકીકત એ છે કે આપણા આટલા મોટા દેશમાં સવા અબજથી વધુ વસતિ હોય ત્યારે શાસન કરનારે ક્યારેક અણગમતો નિર્ણય લેવો પડે. વાંકદેખા સમીક્ષકો એને આપખુદી કે સરમુખત્યારી ગણી લે તો એ એમની નજરનો દોષ છે. પ્રમુખશાહી અને સરમુખત્યારશાહી જ નહીં દરેક શાસન પદ્ધતિની પોતાની કેટલીક મર્યાદા છે. ચીન, રશિયા અને અમેરિકાના દાખલા આપણી સમક્ષ છે. લોકશાહીની અસંખ્ય મર્યાદાઓ છે એ કબૂલ પરંતુ આપણે ત્યાં સંસદીય લોકશાહી નિષ્ફળ નીવડી છે એમ કહી શકાય નહીં.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button