ભારતીય ઘરોમાં મહત્ત્વના સ્થાને બિરાજતા સસરાજી

વિશ્વનું સૌથી વિચિત્ર પાત્ર હોય તો તે સાસુ છે. એ વાત પથ્થરની લકીર સમાન છે. જો કે પશ્ચિમમાં સાસુ નામે  પત્નીની મમ્મીને વગોવવામાં આવે છે. એક વિચિત્ર સ્વભાવની સ્ત્રી જે હંમેશા તેના જમાઈના દોષો જ શોધતી હોય છે. પુત્રીના લગ્નજીવનમાં દખલ દેવાનો તેનો જન્મજાત અધિકાર છે. પોતાની ફૂલ સમાન, સુંદર અને હોશિયાર પુત્રીએ આવો નાલાયક અને નકામો પતિ શા કારણે પસંદ કર્યો હશે? એ પ્રશ્નનો ઉત્તર તેને ક્યારે પણ મળતો નથી. પોતાના જમાઈમાં રહેલા અવગુણોને સુધારવા તે તેની પાછળ આદુ ખાઈને પડી જાય છે. પતિને કેવી રીતે કાબુમાં કરવો એવો પોતાનો સ્વઅનુભવ તે પોતાની દીકરીને વારસામાં આપે છે. તેને હંમેશા કોમિક ફીગર તરીકે જ રજૂ કરવામાં આવે છે અને તેના પર ઘણાં જોક્સ પણ બનાવવામાં આવે છે.

પરંતુ પત્નીના પિતાનું નામ ક્યાંયે આવતું નથી. પુત્રીને કન્યાદાન આપ્યા પછી આ ફીગર પડદાની પાછળ સંતાઈ જાય છે. બીજી બાજુ પતિના માતા-પિતાનું પણ કોઈ સ્થાન હોતું નથી. પુત્રના જીવનમાં માથું મારવાનો તેમને કોઈ અધિકાર હોતો નથી. વધુમાં તો વધુ વર્ષે દહાડે એકાદવાર તેઓ પુત્રના ઘરે આવીને બે-ચાર દિવસ રહી જાય છે.

આ તો થઈ પશ્ચિમની વાત. આપણા દેશમાં પત્નીની માતાની ખાસ દખલ હોતી નથી, પરંતુ કહેવાય છે કે પરિણિત પુત્રીઓ મોટેભાગે તેમની માતાથી પ્રભાવિત થાય છે, પરંતુ ભારતીય સમાજમાં પતિની માતા મોટો ‘હાઉ’ બનીને ઊભી છે. સાસુનો રોલ ખૂબ જ અગત્યનો હોય છે. કહેવાય છે કે તે પોતાના પુત્રનું લગ્નજીવન ખુશીથી ભરી પણ શકે છે તેમ જ તેમાં ભંગાણ પણ પડાવી શકે છે. સમાજની લલિતા પવારો અને બિંદુઓ ગણાતી સાસુઓ વિશે પુસ્તકો ભરાઈને લખાઈ ચૂક્યું છે, પરંતુ સસરાનું શું? શું સસરા નામનું પાત્ર પણ સાસુ જેવું જ મહત્ત્વનું છે? શું ઘરમાં તેના શબ્દનું વજન પડે છે કે પછી તે તેની પત્નીનો પડછાયો બની ગયો હોય છે.

‘યહ શાદી નહીં હોગી. હમ બારાત વાપસ લે જાતે હૈ’ જેવા વાક્યો ઉચ્ચારતો સસરો ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. ફિલ્મોમાં એક ઘાતકી પુરુષ તરીકે તેને ચિતરવામાં આવ્યો છે. કન્યાના પિતાને નીચોવી શક્ય હોય એટલું ધન વસૂલ કરનાર ક્રૂર પુરુષ એટલે સસરો એમ માનવામાં આવે છે. શું સસરા પર લગાડવામાં આવેલા આ આરોપો સાચા છે? એક જમાનામાં કદાચ હશે, પરંતુ આજના જમાનામાં આ સમીકરણ અસ્તિત્વમાં નથી. ફિલ્મોમાં રજૂ કરવામાં આવતાં સસરા પર એક નજર ફેરવીએ તો તેઓ તેની પત્નીથી દબાયેલા રહે છે. પત્ની સામે એક હરફ ઉચ્ચારવાની તેમની હિંમત નથી. વાસ્તવિક જીવનમાં પણ આવા કેટલાંક ચરિત્રો મળી આવશે, પરંતુ બધા જ સસરા સાસુના ગુલામ હોય છે એમ કહેવું પણ યોગ્ય નથી.

ભૂતકાળમાં એવા પુરુષો પણ હતા જેઓ કન્યાના પિતાને પોતાના પગની જૂતી સમજતા, કન્યાના પિતા પાસે શક્ય હોય એટલાં વધુ નાણાં ઓકાવવાની તેમની દાનત રહેતી. ઉપરથી તેઓ કન્યાના પિતા પર જાણે ઉપકાર કરતા હોય તેમ ‘આ તો તમારી પુત્રી અને જમાઈના જ ભલા માટે છે તે અમને આમાંથી એક પણ પૈસો જોઈતો જ નથી.’ એમ કહી પુત્રના ભણતર પાછળ ખર્ચેલો પૈસો વ્યાજસહિત વસુલ કરી લે છે. આજે પણ કેટલીક કોમમાં દહેજ પ્રથા છે. દહેજ પ્રથાનો ભોગ બનતી યુવતીઓની સંખ્યા પણ ઘણી છે. આજના જમાનામાં પણ પુત્રવધૂ પર અત્યાચાર કરનાર સાસુ-સસરા મળી આવશે, પરંતુ આજે સિનારિયો ઘણો બદલાઈ ગયો છે. આજે સસરા પોતાની પુત્રવધૂને પુત્રી સમાન ગણે છે. મોટેભાગે તેમને સારા ઘરની છોકરી તેમની પુત્રવધૂ તરીકે જોઈએ છે જે પુત્રીની ખોટ પૂરી કરી શકે.

સાધારણ રીતે સસરા તેની પુત્રવધૂને વાત્સલ્યથી ભીંજવી દે છે. યુવાન વયમાં પોતાની પત્નીની ઈમેજ તે પુત્રવધૂમાં જુએ છે. પુત્રવધૂ તેમને ફરી એકવાર યુવાનીના જમાનામાં લઈ જાય છે. તેઓ તેની નાની ભૂલો ક્ષમા કરવા તત્પર રહે છે. તેની ઉણપો પ્રત્યે તેઓ બેધ્યાન બને છે. પુત્રવધૂને પોતાના લાડકોડથી બગાડી દેવામાં પણ તેઓ પાછા પડતા નથી. પોતાનો ભૂતકાળ નજર સમક્ષ રાખી પુત્રવધૂ સાથે વર્તાવ કરવાનું તેઓ તેની પત્નીને સમજાવે છે.

આ ઉપરાંત પુત્રવધૂમાં તેમને પોતાની પુત્રીના દર્શન થાય છે જેને પુત્રી ન હોય તે પુત્રવધૂ દ્વારા પુત્રીની ખોટ પૂરી કરવા પ્રયત્નશીલ રહે છે. પુત્રી હોય અને તે પરણીને સાસરે ગઈ હોય તો પુત્રવધૂ પુત્રીની જગ્યા લઈ તેમને પિતાનું સ્થાન આપે એવી તેમને હોંશ હોય છે. પુત્રવધૂ પુત્રી બની પોતાની નાની નાની જરૂરિયાતનું ધ્યાન રાખે તેવી અંદરખાને તેમની ઇચ્છા હોય છે.

શું પુત્રવધૂ પણ સસરા પ્રત્યે એટલો જ આદર રાખે છે? શરૂઆતમાં કદાચ તે સસરાથી ગભરાતી હશે, પરંતુ ધીરે ધીરે તેનો ડર ઓસરી જાય છે અને સસરાને પોતાના પિતા તરીકે જોવા માંડે છે. તે સમજી જાય છે કે આ સમજુ અને પ્રેમાળ વ્યક્તિને ખુશ કરવાનું કામ ખૂબ જ આસાન છે આથી તે તેમની જરૂરિયાતો અને સુવિધાનું ધ્યાન રાખવા તત્પર રહે છે.

૨૧ વર્ષની રીટા પરણીને સાસરે આવી ત્યારે તે એક ગભરુ હરણી સમાન હતી. આટલી નાની વયમાં સંયુક્ત કુટુંબની સૌથી મોટી પુત્રવધૂ તરીકે તેના પર ઘણી જવાબદારી હતી. તેના ડૉક્ટર સસરા ઘરની બાબતમાં માથું મારતા નહોતા, પરંતુ રીટાને પોતાના કુટુંબમાં લાવ્યા પછી તે તેની ખુશી માટે પોતાને જવાબદાર ગણવા લાગ્યા. તેનો ઉદાસ ચહેરો જોઈ તે તેને પોતાની પાસે બેસાડીને તેનું મન બહેલાવવાના પ્રયાસ કરતા. કોઈકવાર સિનેમા-નાટકની ટિકિટો લાવી તેને તેના પતિ સાથે મોકલતા. પોતાની જિંદગીની વાતો કહી તેને હસાવતા. કેટલીકવાર કુટુંબ સાથે હૉટેલમાં જવાનો કાર્યક્રમ બનાવતા. થોડા જ સમયમાં રીટા તેમની સાથે હળી-ભળી ગઈ. તેનું મન તેના સાસરિયામાં રમવા લાગ્યું. પિયરિયાની યાદ તે ભૂલી ગઈ. સસરા પ્રત્યેનો આદરભાવ દિવસેને દિવસે વધવા લાગ્યો.

પોતાના પુત્રના પ્રેમ વિવાહનો સુધાકરે વિરોધ કર્યો હતો. લગ્ન પછી પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. પુત્રવધૂને ક્યારે પણ પોતાના કુટુંબમાં સ્થાન આપ્યું નહોતું. સસરા અને પુત્ર  તેમ જ પુત્રવધૂ વચ્ચેની ખાઈ દિવસેને દિવસે વધવા લાગી. આજે સુધાકર ઘરડો થયો છે. તેને સહારાની જરૂર છે. પત્નીના મૃત્યુ પછી તે એકાકી જીવન ગાળે છે. આજે તેને પોતાની ભૂલ સમજાઈ છે. આજે તેને તેના પૌત્રો-પૌત્રીઓ સાથે રમવું છે, પરંતુ તેનો અહમ આડે આવે છે.

મિતાલીના ઘરમાં તેના સસરાનું કોઈ મહત્ત્વ હતું નહીં. તે શાંત ચિત્તે ઘરમાં છાપું વાંચ્યા કરતા. ઘરમાં તેની સાસુનું જ ચલણ હતું. મિતાલીએ પરિસ્થિતિ સમજી તેના સસરાને પ્રેમથી વશ કરવાની શરૂઆત કરી. ધીરે ધીરે સસરા આનંદમાં રહેવા લાગ્યા. આજે તે મિતાલીના પિતા અને મિત્રની ગરજ સારે છે. સાચી વાત છે. પરણ્યા પછી પુરુષ બદલાય છે. બાપ બન્યા પછી તો તે વધુ બદલાય છે અને સસરા બન્યા પછી તો તે તેથીય વધારે બદલાય છે. સમય જતા તેનો સ્વભાવ અને વ્યક્તિત્ત્વ ઘણું સુધરે છે. સસરા પોતાની પુત્રવધૂનું નસીબ ઘડવામાં ભલે મહત્ત્વનો ભાગ ભજવતા નહીં હોય, પરંતુ તે તેનું જીવન આનંદમય બનાવવામાં જરૂર મહત્ત્વનો ભાગ ભજવે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.