કેશોદ અને વાંકાનેરમાં ભાજપમાં બળવો, સોમનાથ જિલ્લામાં વિરોધ
સૌરાષ્ટ્રમાં ધારાસભા ઉમેદવારોની પસંદગી સામે ભાજપમાં વાંકાનેર, ગોંડલ, કેશોદ, જસદણ, સોમનાથ જિલ્લો, જામનગર, કાલાવડ, રાજકોટ સહિત અનેક સ્થળે છુપો અને કેટલાક સ્થળે ખુલ્લો વિરોધ સામે આવ્યો છે તેમાં કેશોદ અને વાંકાનેરમાં પક્ષ સામે અપક્ષ ઉમેદવારી કરીને બળવો કરવાનો નિર્ણય જાહેર કરાયો છે તો સાવરકુંડલામાં ઉમેદવાર સામે કચવાટ જાગ્યો છે. જ્યારે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી બે વાર આવી ચૂક્યા તે સોમનાથ વેરાવળમાં માછીમાર સમાજે ભાજપનો ખુલ્લો વિરોધ કર્યો છે.
કેશોદ બેઠક પર ભાજપે વર્તમાન પશુપાલન મંત્રી દેવાભાઈ માલમને ટિકીટ આપતા ભડકો થયો છે. જુનાગઢથી અહેવાલ મૂુજબ ભાજપની આ પસંદગી સામે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન અરવિંદ લાડાણીએ ભાજપમાંથી આજે રોષભેર રાજીનામુ ધરી દીધું છે અને મંગળવારે તેઓ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે. કેશોદમાં આમ આદમી પાર્ટી અને ભાજપે કોળી ઉમેદવારને અને કોંગ્રેસે આહીર ઉમેદવારને ટિકીટ આપી છે. લાડાણીએ જણાવ્યું કે ભાજપના નિર્ણયથી કાર્યકરોમાં ભારે નારાજગી છે અને સર્વસમાજની માંગ અન્વયે સોમવારે ફોર્મ ભરીશ. કેશોદમાં પાંચ વર્ષમાં કોઈ કામો થયા નથી, ગુડાગીરી વધ્યા છે, દારૃના ધંધા થાય છે અને છતાં ઉમેદવાર રીપીટ કરાયા છે.
વાંકાનેરમાં ભાજપના સાંસદ સામે ખુલ્લેઆમ મેદાને પડેલા જીતુ સોમાણીને ભાજપે ટિકીટ આપતા એક તરફ ટિકીટના પ્રબળ દાવેદાર મહારાણા કેસરીદેવસિંહજીના સમર્થકો ,ક્ષત્રિય સમાજ ભારે નારાજ થયા છેઅને મહારાણાએ અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ ઉપાડયું છે તો બીજી તરફ વાંકાનેરમાં કોળી સમાજના ૯૦ હજાર મતદારો છતાં ફરી એક વાર કોળી ઉમેદવારને ટિકીટ નહીં અપાતા કોળી સમાજે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ભાજપે કોઈ યોગ્ય ઉમેદવારને ટિકીટ આપવી જોઈએ નહીં તો વાંકાનેરની સીટ ઉપરાંત મોરબી જિલ્લાની બેઠકો પર પણ નુક્શાન જશે.
ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા બેઠક પર ભાજપે પક્ષપલ્ટો કરીને આવેલાને ચોવીસ કલાકમાં ટિકીટ આપી દેતા ભારે ધુંધવાટ જોવા મળ્યો છે. કોડીનાર બેઠક ઉપર પણ ભાજપે સ્થાનિકને બદલે આયાતી ઉમેદવારને ટિકીટ આપતા અસંતોષ જાગ્યો છે. જ્યારે સોમનાથ વિસ્તારમાં માછીમાર સમાજને એક પણ ટિકીટ નહીં અપાતા ભારે નારાજગી સાથે માછીમાર સમાજે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવવા નિર્ણય કર્યો છે. ભાજપના કેટલાક નેતાઓએ ખુલ્લો વિરોધ કરીને આંખે થવા કરતા અંદર રહીને વિરોધ દેખાડવાનું વલણ પણ અપનાવ્યું છે.
આવું જ રાજકોટ શહેરની બેઠકો પર જોવા મળ્યું છે. ખાસ કરીને રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના સિનિયર દાવેદાર નેતાઓને પડતા મુકીને મોદીને મળવા ગયેલા ખોડલધામના ટ્રસ્ટીને ટિકીટ અપાતા આંતરિક વિરોધ છે. આ જ રીતે રાજકોટ પશ્ચિમને પોતાનો ગઢ માનતા નેતાઓ કે તેમના કાર્યકરોને કોરાણે મુકી દેવાતા આંતરિક ધુંધવાટ છે. રાજકોટ પૂર્વમાં વર્ષોથી જેનું કાર્યક્ષેત્ર તે અરવિંદ રૈયાણી અને તેમના વિરોધી બન્ને જૂથના પત્તા કપાતા ચૂંટણીમાં કોણ કેવા સક્રિય રહે છે તે સવાલ જાગ્યો છે તો રાજકોટ અનામત બેઠક પર કોર્પોરેટર તરીકે ચૂટાયેલા ભાનુબેનને લાખા સાગઠીયાનું પત્તુ કાપીને ટિકીટ અપાતા આંતરિક વિરોધ છે. જો કે શહેરમાં આ વિરોધ ભાજપે સપાટી પર આવવા દીધો નથી. આ જ રીતે ગોંડલ અને જસદણ બેઠક પર ભાજપના આગેવાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે.
જામનગર જિ.માં હકુભા જાડેજાને ટિકીટ નહીં મળતા અસતોષ સર્વવિદિત છે ત્યારે જિલ્લાની કાલાવડ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને ટિકીટ અપાતા ભાજપમાં ભડકો થયો છે અને આજે ભાજપના રાષ્ટ્રીય નેતા તરુણ ચગ જામનગર આવ્યા ત્યારે કાલાવડના કાર્યકરોએ પરિવારવાદ ચાલતો હોવાનો આક્ષેપ કરીને આક્રોશ ઠાલવ્યો હતો.
તો અમરેલી જિલ્લાની સાવરકુંડલા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે નારાજગીનો સૂર જોવા મળ્યો છે. આ બેઠક પર ભાજપમાં ૧૬ દાવેદારો હતા અને તેમને કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. વિરોધના સૂર સાથે મીટીંગો થવા લાગી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button