માતાને પોષણયુક્ત ખોરાક ન મળવાને કારણે નવજાતનું વજન ઓછું, તેના પગલે બાળક વારંવાર બીમાર પડે

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં જન્મ સમયે બાળકના વજનને ઘણું મહત્વ આપવામાં આવે છે કારણ કે જો જન્મ સમયે બાળકનું વજન ઓછું હોય તો તે પછીથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા જટિલતાઓનો સામનો કરવો પડી શકે છે. જો નવજાત શિશુનું જન્મ સમયે વજન ઓછું હોય તો માતા-પિતાની ચિંતા વધી જાય છે . જો જન્મ સમયે નવજાતનું વજન 2.5 કિલોથી ઓછું હોય, તો આવી સ્થિતિને ઓછું જન્મ વજન તરીકે જોવામાં આવે છે. સામાન્ય નવજાત બાળકનું સરેરાશ વજન લગભગ 3.62 કિલો છે. ભારતમાં 17% બાળકોનું વજન જન્મ સમયે સામાન્ય કરતા ઓછું હોય છે. તેનું કારણ છે માતાના આહારમાં પોષણનો અભાવ. જન્મ સમયે શારીરિક વિકાસ યોગ્ય રીતે ન થવાના કારણે બાળકોની બૌદ્ધિક ક્ષમતા પર પણ અસર પડે છે.

આ વાત મુંબઈ સ્થિત ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સિસ (IIPS), સૈમ હ્યુસ્ટન સ્ટેટ યુનિવર્સિટી, સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP) અને પ્રિન્સટન યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં સામે આવી છે. ભારતમાં વર્ષ 2010થી 2019 સુધીના આંકડાઓ પર કરવામાં આવેલા આ સંશોધનનો રિપોર્ટ તાજેતરમાં જ આવ્યો છે. સૈમ હ્યુસ્ટન યૂનિવર્સિટીના પ્રોફેસર સંતોષ કુમારે ઈ-મેલ દ્વારા જણાવ્યું કે, જન્મના સમયે બાળકોનું વજન ઓછુ હોવું એ ભારત માટે ચિંતાનો વિષય છે. નાના બાળકોમાં અભ્યાસ દરમિયાન એકાગ્રતાની ઉણપનું કારણ બાળકનું વજન ઓછુ હોવું જ છે. વજન ઘટવાથી તેમની વિચારવાની ક્ષમતા પ્રભિવત થાય છે.

આ કરવામાં આવેલા અભ્યાસમાં વજનની અસરનું મૂલ્યાંકન બાળકોના માનસિક અને શારીરિક વિકાસ બંને પર કરવામાં આવ્યો છે. સ્ટડીમાં જન્મના સમયે ઓછા વજનવાળા બાળકોને સામાન્ય બાળકોની તુલનામાં ટેસ્ટ સ્કોરમાં ઓછા અંક મળ્યા. જે તારણો સામે આવ્યા છે તે અનુસાર જન્મ સમયે બાળકના વજનમાં માત્ર 10 ટકાની વૃદ્ધિ, 5થી 8 વર્ષની ઉંમરે તેના વિચારવાના-સમજવાના પરીક્ષણ સ્કોરમાં 0.11 પોઈન્ટનો વધારો કરે છે.

બાળકના ઓછા વજનનું કારણ
પ્રો. સંતોષ કુમાર કહે છે કે, ભારતમાં બાળકોના ઓછા વજનનું કારણ ગર્ભાવસ્થા દરમિયાન માતાનું નબળું પોષણ છે. ગર્ભાવસ્થા દરમિયાન પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તે દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. બાળકના વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ફેટલ ગ્રોથ રિસ્ટ્રિક્શન (FGR) એટલે કે ગર્ભનો વિકાસ ન થવાનું જોખમ ઘણુ વધારે હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ જન્મ સમયે જો કોઈ બાળકનું વજન અઢી કિલોગ્રામ (2,500 ગ્રામ) કરતાં ઓછું હોય તો તેને સામાન્ય કરતાં ઓછું માનવામાં આવે છે.

રાયપુર બાલ ગોપાલ ચિલ્ડ્રન હોસ્પિટલના સિનિયર બાળરોગ નિષ્ણાંત ડો. પ્રશાંત કેડિયાએ જણાવ્યું કે, ભારતમાં લગભગ 50 ટકા મહિલાઓમાં લોહીની ઉણપ છે. તેઓ એનિમિયાનો શિકાર છે. ઘણા રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે, ગર્ભાવસ્થાના મહિનાઓ અને બાળકોને દૂધ પીવડાવવાના સમયગાળામાં મહિલાઓને પૂરતું પોષણ મળતું નથી. આ બધાની મહિલાઓની સાથે નવજાત શિશુના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. આનાથી બાળક પ્રીમેચ્યોર થવાની સાથે કુપોષિત, નબળું અને હંમેશા બીમાર રહે છે. ડો.કેડિયાના જણાવ્યા અનુસાર ભારતના ઘણા વિસ્તારોમાં હજુ પણ ગર્ભવતી મહિલાઓને પરંપરા કે અજ્ઞાનતાના નામે અનેક ખાદ્યપદાર્થોની મનાઈ હોય છે. જ્યારે મેડિકલમાં આવું કંઈ નથી. આ કારણે પણ તેમને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. ગરીબી અને નિરક્ષરતા પણ મુખ્ય કારણ છે.

ગર્ભવતી મહિલાઓને આ સલાહ આપવી જોઈએ
પ્રો. સંતોષ કુમાર કહે છે કે, ગ્રામ્ય સ્તરના આંગણવાડી કેન્દ્રોને સગર્ભા સ્ત્રીઓને પૂરતું પોષણ પહોંચાડવા માટે સશક્ત બનાવવા જોઈએ. ગર્ભવતી મહિલાઓને આ સલાહ આપવી જોઈએ કે નજીકના પ્રાથમિક કેન્દ્ર પર ચાર વખત ચેક-એપ માટે જરૂર જાઓ. કારણ કે તેમ કરવાથી કોઈ સમસ્યા હોય તો પહેલા ખબર પડી જાય અને મોટી મુશ્કેલીમાંથી બચી શકાય છે.

દિલ્હી સ્થિત બાળ નિષ્ણાત ડૉ. ગીતિકા ગંગવાણીનું કહેવું છે કે, ભારતમાં 25-35 ટકા નવજાત બાળકો ઓછા વજનની સાથે જ જન્મે છે. સામાન્ય રીતે જે મહિલાઓ હાઈપરટેન્શન, ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી પીડિત હોય છે. તેમના બાળકનું વજન ઓછું હોવાની શક્યતા વધુ રહે છે. તે બાળકો શારીરિક અને માનસિક રીતે પણ નબળા હોય છે. આ સમસ્યા ઘણીવાર સમય પહેલા જન્મ લેતા બાળકોમાં જોવા મળે છે. આવા બાળકોનો વિકાસ માતાના શરીરમાં સંપૂર્ણ રીતે થઈ શકતો નથી. પ્રિમેચ્યોર બાળકોની સંભાળ રાખવા માટે તેમને સારું પોષણ મળવું ખૂબ જ જરૂરી છે.

ખાવા-પીવામાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ઈન્ડિયન સોસાયટી ઓફ પિરિઓડોન્ટોલોજી એન્ડ રિપ્રોડક્ટિવ બાયોલોજીના સેક્રેટરી જનરલ ડૉ. મીના સામંતે ગર્ભવતી મહિલાઓના આહાર અંગે ઘણી સલાહ આપી છે. તેમણે કહ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન 350 kcal વધારાની ઊર્જાની જરૂર પડે છે. એટલા માટે બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં પૌષ્ટિક નાસ્તો જરૂરી છે. જો કે દરેક મહિલાઓની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે, તેથી ડૉક્ટરની સલાહ પર જ દવા કે સપ્લિમેન્ટ્સ લેવી. મહિલાઓએ સંતુલિત ઉર્જા અને પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ફોલિક એસિડ સપ્લિમેન્ટ (400 માઇક્રોગ્રામ) લેવું જોઈએ. બીજા ત્રિમાસિકમાં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ, આયર્ન અને ફોલિક એસિડ દરરોજ લેવું, કેફીનનું સેવન ઓછું કરવું જોઈએ. સાથે સાથે પેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ જ લેવું. ફળો અને શાકભાજીનું ધોયા પછી જ સેવન કરવું જોઈએ અને જમતા પહેલા હાથ અવશ્ય ધોવા જોઈએ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.