વિદેશ વેપાર નીતિમાં ફેરફાર સ્થાનિક ચલણમાં વેપારને વેગ
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ ફોરેન ટ્રેડ પોલીસીમાં સુધારો કર્યો છે જેથી નિકાસકારો રૂપિયામાં નિકાસ લાભોનો દાવો કરી શકે. અત્યાર સુધી તે માત્ર વિદેશી ચલણમાં મળેલી નિકાસ ચુકવણી માટે જ ઉપલબ્ધ હતું. આ સુધારો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય રિઝર્વ બેંકે જુલાઈમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયમાં લેવડદેવડ કરવાની વ્યવસ્થા આપી છે. સરકારના રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ તરફના પગલાને ધ્યાનમાં રાખીને નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિક ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપારને સરળતા મળી રહે.
વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભારત સરકારે વિદેશ વેપાર નીતિ અને પ્રક્રિયાના નિયમોમાં સુધારો કર્યો છે જેથી કરીને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે ઇન્વોઇસિંગ, ચુકવણી અને નિકાસ અને આયાતની પતાવટ ભારતીય રૂપિયામાં કરી શકાય. અત્યાર સુધી આ યોજનાઓનો લાભ ત્યારે જ મળતો હતો જ્યારે વિદેશી ચલણમાં ચુકવણીઓ પ્રાપ્ત થતી હતી. સિવાય કે પ્રતિબંધોથી પ્રભાવિત ઇરાનના કિસ્સામાં. આ સુધારો નિકાસ માટે માલની આયાત, એડવાન્સ ઓથોરાઇઝેશન હેઠળ નિકાસની આવકની પ્રાપ્તિ, નિકાસ પ્રમોશન, કેપિટલ ગુડ્સ યોજનાઓ સાથે ડયુટી ફ્રી ઇમ્પોર્ટ ક્લિયરન્સ યોજનાઓ હેઠળ નિકાસ નફા પર લાગુ થશે.’
નિકાસકારોએ અગાઉ કહ્યું હતું કે, સ્થાનિક ચલણમાં નિકાસના ખર્ચના સંદર્ભમાં નિકાસ લાભોની અરજી પર સ્પષ્ટતાની જરૂર છે. આ ઉપરાંત, ઘણા નિકાસકારો છે, જેમણે વિવિધ યોજનાઓ હેઠળ આયાત કરી છે, તેમને રૂપિયામાં નિકાસની જવાબદારીની સ્વીકાર્યતા અંગે સ્પષ્ટતાની જરૂર છે.
રિઝર્વ બેંકે જુલાઈમાં કહ્યું હતું કે, ભારતમાંથી નિકાસ પર ભાર મૂકીને વૈશ્વિક વેપારના વિકાસને પ્રોત્સાહન આપવા માટે રૂપિયામાં ટ્રેડિંગને મંજૂરી આપવામાં આવશે તમજ વૈશ્વિક વ્યાપારી સમુદાયનો રૂપિયામાં વ્યાપાર કરવા માટે રસ વધશે. પાર્ટનર દેશોની બેંકો રિઝર્વ દ્વારા આખરી કરાયેલી વ્યવસ્થા અનુસાર સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટસ ખોલવા માટે અધિકૃત ડીલર બેંકોનો સંપર્ક કરી શકે છે.
નિકાસકારોને આશા છે કે આનાથી એવા દેશો સાથે ભારતની નિકાસ વધારવામાં મદદ મળશે જેઓ વિદેશી હુંડિયામણની ગંભીર તંગીનો સામનો કરી રહ્યા છે અથવા પ્રતિબંધો હેઠળ છે. બે સ્થાનિક બેંકો- યુકો બેંક અને યસ બેંક રશિયન બેંકો સાથે વાતચીત કરી રહી છે, જેથી બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં થઈ શકે.
એન્જિનિયરિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, વિદેશ વેપાર નીતિમાં ફેરફાર સ્થાનિક ચલણમાં વેપારને વેગ આપશે. તેનાથી નિકાસને વેગ મળશે આ નિર્ણય એન્જિનિયરિંગ ગુડ્ઝ સેક્ટરને તેના ૧૨૭ અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે, જે સરકારે આ નાણાંકીય વર્ષ માટે નિર્ધારિત કર્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button