ગિટારવાળો ઉંદર : આખો દિવસ મોજ-મસ્તી અને આનદમાં
‘આ નાનું અમથું ઉંદરડું, આમ જંગલ આખામાં છવાઇ જાય એ તે કેમ પોસાય? એને પછાડવા મારે હવે કંઈક કરવું જ પડશે!’
એક હતો ઉંદર. એને ગમે ગીત-સંગીત અને ડાન્સ!
ગાવા કે નાચવાનો એ તો મૂકે નહીં એકેય ચાન્સ!
ઉંદર આખો દિવસ મોજ-મસ્તી અને આનદમાં રહે. હંમેશા નાચતો રહે અને ગાતો રહે…
‘એક હાથમાં ગિટાર
ને એક હાથમાં લાડુ,
ટુન ટુન ટુન ટુન રોજ મજાનું,
ગિટાર હું વગાડું!’
એનું આ ગીત અને ગિટારની ધૂન સૌ કોઇને ખૂબ ગમે. સૌ એના ફ્રેન્ડ બનવા લાગ્યા. સૌ એના ગિટારની ધૂન પર ગાવા અને નાચવા લાગ્યા. મોર કે ચકલી, કાબર કે ખિસકોલી, હરણાં કે સસલો… એમ બધાં, ઉંદરનું ગિટાર સાંભળીને રાજીના રેડ થઈ જાય! ગણેશજીનો પણ એ ખાસ ફ્રેન્ડ થઈ ગયો!
વરસાદનાં વાદળ દેખાય એટલે મોરભાઇ પાંખો ફેલાવીને ડાન્સ કરતાં-કરતાં ઉંદરનું ગીત ગાય…
‘ઉંદરભાઇનું ગિટાર વાગે
ટૂં..ટૂં..ટૂં..!
રાકસ્ટાર થૈ, ગાતા એ તો
ચૂં.. ચૂં.. ચૂં..!
ગિટાર સાંભળવાને આવે,
સસલો દોડી-દોડી..
તાલે-તાલે નાચે કેવી,
ચકા-ચકીની જોડી..
છછૂંદરાં સૌ ગુસપુસ કરતાં,
છૂં..છૂં..છૂં..!
ઉંદરભાઇનું ગિટાર વાગે
ટૂં..ટૂં..ટૂં..!
ઉંદરભાઇ તો લાડુ ખાઇને,
ફરતા કેવા વટથી!
બધાં બને છે ફ્રેન્ડ એનાં,
ગિટાર સાંભળી ઝટથી!’
ગણેશજી કયે – ‘વ્હાલો મુજને,
તું..તું..તું..!
ઉંદરભાઇનું ગિટાર વાગે
ટૂં..ટૂં..ટૂં..!’
બધાંયને ઉંદરનું ગિટાર સાંભળવું ગમે. બધાંય એના ગિટારની ધૂનના વખાણ કરતાં થાકે નહીં. પણ પેલો બિલ્લુ આ બધું જોઈને મનમાં-મનમાં બળ્યા કરે! ઉંદર અને એના ગિટારના વખાણ થાય, એ બિલ્લુને જરાય ગમે નહીં. એને ઉંદરની ખૂબ અદેખાઇ આવે. એ મનમાં વિચારે- ‘આ નાનું અમથું ઉંદરડું, આમ જંગલ આખામાં છવાઇ જાય એ તે કેમ પોસાય? એને પછાડવા મારે હવે કંઈક કરવું જ પડશે!’
બિલ્લુએ એમ મનમાં ગાંઠ વાળી કે પોતે હવે ઉંદરને કોઇને કોઇ રીતે નીચો દેખાડશે! બધાંય એના વખાણ કરે છે એના બદલે એના પર થૂ થૂ કરતા થઈ જશે!
એવામાં જંગલમાં સંગીત-સ્પર્ધા યોજાઈ. એમાં ઉંદરે ભાગ લીધો. આ વાત જાણીને સામે કોઇ પ્રતિસ્પર્ધી ન મળે. બધાંય ઉંદરભાઇના ગિટાર અને એના ગીતના ચાહક! બધાંયને ખબર હતી કે ઉંદરભાઇ જેવું સંગીત કોઇ વગાડી ન શકે. એટલે સ્પર્ધામાં એની સામે ભાગ લેવો નિરર્થક છે!
સંગીત-સ્પર્ધાની વાત જેવી બિલ્લુએ સાંભળી કે તરત જ તેણે પોતાની એન્ટ્રી દાખલ કરી. આ સ્પર્ધામાં ઉંદર ભાગ લેવાનો છે થ એ વાતની ખબર પડી ત્યાં તો બિલ્લુ ઉછળી પડયો. મનમાં જ બડાઇ મારવા લાગ્યો- ‘હમમ… હવે મોકો છે આ ઉંદરડાને બૂરી રીતે હરાવવાનો અને બધાંયની સામે તેને નીચો દેખાડવાનો! એ બહુ હોંશિયારી મારતો ફરે છેને! એના ગિટારની હવા તો ત્યારે નીકળશે જ્યારે હું સંગીત-સ્પર્ધામાં ઊંચા સૂરે ગીત ગાઇશ! બધાંય મારી વાહ-વાહ કરશે અને ઉંદર પર બધા થૂ-થૂ કરશે!’
બિલ્લુ આવું-આવું ઘણું વિચારીને હરખાવા લાગ્યો!
આખરે સંગીત-સ્પર્ધાનો દિવસ આવ્યો. ખૂબ સરસ રીતે સ્ટેજ સજાવવામાં આવ્યું હતું. બધાં પશુ-પંખીઓ હાજર હતાં. હાથીદાદાએ દીપ પ્રાગટય કર્યુ અને પછી સ્પર્ધા શરૂ થઇ. સ્ટેજ પરથી જાહેરાત થઈ. ઉંદરભાઇનું નામ બોલાયું. ત્યાં તો બધાં તાળીઓ અને સીટીઓ વગાડીને પોતાનો આનંદ વ્યક્ત કરવા લાગ્યાં.
ઉંદરભાઇ સ્ટેજ પર આવ્યા. સૌને નમસ્કાર કરીને એણે ગિટાર વગાડવાનું ચાલુ કર્યું. બધાંય એના ગિટારના તાલે ડોલવા લાગ્યાં. બધાંયને પાક્કો વિશ્વાસ હતો કે આ સ્પર્ધામાં ઉંદર જ જીતશે! પણ સૌથી અલગ બેઠેલો બિલ્લુ મનોમન વિચારતો હતો – ‘આ ઉંદરડો ભલે થોડીવાર ઠેકડા મારી લે! હમણાં હું જેવો ગીત ગાઇશ એટલે એના વાવટા વીંટાઇ જવાના! મારા ગીતનો જાદુ છવાઈ સૌ પર છવાઇ જવાનો!’
ઉંદરભાઇનું ગિટાર-વાદન પૂર્ણ થયું. બધાંએ તાળીઓના ગડગડાટથી ઉંદરની કલાને વધાવી લીધી.
ત્યારબાદ સ્ટેજ પરથી બિલ્લુના નામની જાહેરાત થઈ. છાતી કાઢીને બિલ્લુ મૂછ મરડતો સ્ટેજ પર ચડયો પણ કોઇએ તેને આવકાર્યો નહીં! પોતાની બડાઇ પોતે જ કરતાં તે બોલ્યો- ‘તો હવે સાંભળો, મારું સુમધુર ગીત! તમે ક્યારેય ન સાંભળ્યું હોય એવું ગીત હું સંભળાવીશ! મારા અવાજમાં જાદુ છે જાદુ!’
બિલ્લુની આ આપવડાઈ સાંભળીને બધાં એકબીજાની સામે જોઇને મરક-મરક હસતાં હતાં.
એવામાં બિલ્લુએ ગાવાનું શરૂ કર્યું – ‘મ્યાઉં… મ્યાઉં…’
આગળ કશો અવાજ ન નીકળે! પાંચ મિનિટ સુધી તે માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ કરતો રહ્યો! હવે તેનો અવાજ પણ બેસવા લાગ્યો. બધાં કંટાળ્યાં!
આડિયન્સમાંથી રીંછભાઇ બોલ્યા ‘બિલ્લુરાજા! હવે કોઇ ગીત સંભળાવશો કે પછી મ્યાઉં મ્યાઉં જ કરશો?’
બિલ્લુના પગ ધૂ્રજવા લાગ્યા! ગળું સૂકાવા લાગ્યું! એણે ગીત ગાવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ અવાજ ન નીકળ્યો તે ન જ નીકળ્યો!
ફરી આડિયન્સમાંથી સસલાભાઇ બોલ્યા- ‘કયાં ગયો તમારો જાદુઇ કંઠ? ‘
‘હા,હા, કયાં ગયો તમારો જાદુઇ અવાજ? હમણાં તો હજી બહુ બડાઇ મારતા હતા, બિલ્લુરાજા!’ વાંદરો પણ ટીખળ કરતા બોલ્યો.
બિલ્લુ ચૂપ થઇ ગયો. હવે કશું ગાઇ તો શું તે બોલી શકે તેમ પણ નહોતો! શરમથી પાણી-પાણી થતો હતો!
ત્યાં તો આડિયન્સમાંથી કોઇએ એક પથ્થર ફેંક્યો. તરત જ બીજો પથ્થર પણ ફેંકાયો! ને પછી તો બિલ્લુ પર પથ્થર અને જૂતાંનો વરસાદ વરસવા લાગ્યો! બધાં મોટેથી ‘બિલ્લુરાજા… હાય હાય…’ એમ નારા લગાવવા માંડયાં!
બિલ્લુ હવે રીતસરનો ગભરાયો! જીવ અને રહીસહી ઇજ્જત બચાવીને તે ચૂપચાપ સ્ટેજના પાછલા ભાગમાંથી ભાગ્યો! એવો ભાગ્યો કે પછી પાછું વાળીને જોયું જ નહીં!
આ તરફ સ્ટેજ પરથી જાહેરાત થઈ- ‘તો આજની આ સંગીત-સ્પર્ધાના વિજેતા છે, ગિટારવાળા ઉંદરભાઇ!’
ઉંદરે સ્ટેજ પર આવી અને નમ્રતાથી હાથીદાદાના હસ્તે ટ્રોફી સ્વીકારી અને સૌનો આભાર માન્યો.
આડિયન્સમાંથી અવાજ આવ્યો- ‘ઉંદરભાઇ… વન્સ મોર! વન્સ મોર!’
‘ઓકે… ઓકે…’ કહીને ઉંદરભાઇએ ગિટાર ફરીથી હાથમાં લીધું અને ટુન ટુન ટુન… જેવા સૂર છેડયા કે તરત જ આખું આડિયન્સ ઝૂમી ઉઠયું!
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button