મુંબઈ એરપોર્ટ પર હેરોઈન સાથે 1 પ્રવાસીની ધરપકડ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ શુક્રવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૩૫ કરોડ રૃપિયાની કિંમતના ૪.૯૮ કિલો હેરોઈન સાથે પ્રવાસીની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ડીઆરઆઈને એક પેસેન્જર  દેશમાં ડ્રગના કન્સાઇનમેન્ટની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી, જેના પગલે અધિકારીઓએ એરપોર્ટ પર દેખરેખ વધારી દીધી હતી, અધિકારીએ જણાવ્યું હતું.

નૈરોબી (કેન્યા) થી મુંબઈ આવેલો   એક પ્રવાસી  જ્યારે એરપોર્ટ પર ગ્રીન ચેનલ પાર કરી રહ્યો હતો ત્યારે તેને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

તેની પુછપરછ બાદ  સામાનની તપાસણી કરવામાં આવી હતી .ત્યારે  અધિકારીઓએ ટ્રોલી બેગમાંથી ૪.૯૮ કિલો ઓફ-વ્હાઈટ કલર પાવડર જપ્ત કર્યો હતો.આ પાવડરને ટેસ્ટ કરાતા  હેરોઈન હોવાનું જાણવા મળ્યું હતું.એમ અધિકારીએ જણાવ્યું હતું.

ટ્રોલી બેગમાં વિશેષ જગ્યા બનાવીને  કાળી પોલીથીન બેગમાં પ્રતિબંધિત પદાર્થ રાખવામાં આવ્યો હતો, જેના કારણે ડ્રગને શોધવાનું મુશ્કેલ બની ગયું હતું.આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટમાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.