હારેલા અને આયાતી ઉમેદવારને હવે કેમ સાચવશો ? ભાજપને વિસામણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો પાસે પ્રચાર કરવાનો સમય ખૂબ જ ઓછો છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી ટૂંકા ગાળામાં 150 બેઠક પર પ્રચાર કરે એવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની પણ તૈયારીઓ કરી દેવાઈ છે. ટિકિટ જાહેર થતાં જ બંને પક્ષમાં ભડકો થયો છે. ત્યારે અલ્પેશ ઠાકોરને ક્યાં ઊભા રાખવા એ અંગે ભાજપમાં 6 બેઠક પર કોકડું ગૂંચવાયું છે. એવી જ રીતે કોંગ્રેસમાં પણ 15 બેઠક પર ઉમેદવારો જાહેર કરવા બાબતે મૂંઝવણ ઊભી થઈ છે.

ભાજપમાં કોંગ્રેસમાંથી આયાતીઓને સેટ કરવા અને કેટલાક સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપવાની માથાપચ્ચીમાં 22 બેઠકના ઉમેદવારો જાહેર થયા નથી. રાધનપુર મતક્ષેત્રમાં અલ્પેશ ઠાકોર સામે પહેલેથી જ વિરોધ છે. એવામાં ગાંધીનગર દક્ષિણ બેઠકમાં પણ ભાજપમાં આંતરિક વિરોધ સપાટીએ પર પહોંચ્યો છે, જેથી ઠાકોર મતદારોનું વર્ચસ્વ ધરાવતા રાધનપુર, પાટણ, ગાંધીનગર દક્ષિણ, કલોલ અને માણસા એમ પાંચ અને આ પાંચેયનાં સમીકરણોને આધારે ગાંધીનગર ઉત્તર એમ છ બેઠકો માટે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા વધુ ગૂંચવાયાનું ચિત્ર ઊપસ્યુ છે.

કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરતાં સુરતની 16 બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. સુરતની 16 પૈકી 15 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો બદલવા પડ્યા છે. માત્ર માંડવી બેઠક પર સીટિંગ ધારાસભ્ય આનંદ ચૌધરીને રિપીટ કરાયા છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ એકમાત્ર માંડવી બેઠક જ જીતી શક્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ચૂંટણી નહિં લડે એવી સંભાવના છે. પાર્ટીએ મહુવાથી હેમાંગી ગરાસિયાને ટિકિટ આપી છે, જ્યારે 2014 અને 2019માં બારડોલી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે હારી ગયા હતા. કોંગ્રેસે સુરત શહેરની 12 બેઠક પૈકી 4 બેઠક પર પૂર્વ નગરસેવકને ટિકિટ આપી છે. પૂર્વ નગરસેવક અસલમ સાઇકલવાલાને સુરત-પૂર્વ, નિલેશ કુંભાણીને કામરેજ, પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા પપન તોગડીયાને વરાછા, ધનસુખ રાજપૂતને ઉધના બેઠક પર ટિકિટ આપી છે.