મિથિલાની તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં બોલકી એન્ટ્રી
સારા અને સનિષ્ઠ એક્ટરને કદી ભાષાના સીમાડા નથી નડતા. એ કોઈ પણ ભાષાની ફિલ્મમાં પોતાના પાત્રને પૂરેપૂરો ન્યાય આપી શકે છે. અભિનેત્રી મિથિલા પાલ્કરે એનો તાજો દાખલો પૂરો પાડયો છે. મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાની ટેલેન્ટનો પરચો બતાવી ચુકેલી મિથિલાએ હવે સાઉથની વાટ પકડી છે. વિશ્વાક સેન સાથે એણે ‘ઓરિ દેવુડા’ નામની તેલુગુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ડેબ્યુ કર્યું છે. ૨૧ ઓક્ટોબરે રિલિઝ થેલી આ ફિલ્મ તમિળ રોમાંટિક-કોમેડી ‘ઓહ માય કડાવુલે’ની રિમેક છે. તમિળ અને તેલુગુ બંને ફિલ્મના દિગ્દર્શક છે- અશ્વાત મરિમુતુ.
પોતાની પહેલી તેલુગુ ફિલ્મની રિલિઝ ટાંકણે મિથિલા પાલ્કરે મીડિયા સાથે સંવાદ કર્યો હતો. પાલ્કરને મીડિયામાંથી સૌપ્રથમ એવો સ્વાભાવિક સવાલ કરાયો હતો કે ‘ઓરિ દેવુડા’નું ડબિંગ તે પોતે તેલુગુમાં કર્યું છે? એનો નિખાલસતાથી પ્રસન્ન વદને જવાબ આપતા અભિનેત્રી કહે છે, ‘ના, સર મેં તેલુગુમાં ફિલ્મનું ડબિંગ નથી કર્યું. અલબત્ત, કેમેરા સામે યોગ્ય ભાવ લાવવા મારે તેલુગુમાં મારી લાઇનો જરૂર યાદ રાખવી પડી હતી. એ મારા માટે સૌથી ચેલેન્જિંગ કામ હતું કારણ કે હું એ પહેલી વાર કરી રહી હતી. જે ભાષા આવડતી ન હોય એની ફિલ્મમાં અભિનય કરવો મારા માટે એક જુદો જ અનુભવ બની રહ્યો, પરંતુ એકંદરે મને એમાં મજા પડી અને હવે હું ઘણી બધી તેલુગુ ફિલ્મો કરવા તૈયાર છું. મારે તમિળ અને મલયાલમ જેવી સાઉથની બીજી ભાષાઓની ફિલ્મો પણ કરવી છે.’ બીજો પ્રશ્ન એવો થયો કે મિથિલા ક્યા કારણસર તેલુગુ ફિલ્મ કરવા પ્રેરાઈ? એનો જવાબ આપતા મરાઠી મુલગી કહે છે, ‘સાચુ કહું તો હું સારી તકની વાટ જોતી હતી. મને ભાષાનો કોઈ બાધ નહોતો. મને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી એ બદલ હું મારી જાતને નસીબદાર માનું છું. તમે સૌ જાણો છો એમ મારા ડિરેક્ટર અશ્વાત મરિમુતુએ જ ‘ઓહ માય કડાવુલે’ નામની તમિળ ફિલ્મ બનાવી હતી. આ એ ફિલ્મની તેલુગુ રિમેક છે. અશ્વાતે મને શરૂઆતમાં જ કહી દીધું હતું કે તું પહેલા મારી તમિળ ફિલ્મ જોઈ લે, પછી આપણે આગળ વાત કરીશું. મેં ફિલ્મ જોઈ અને મને એમાં બહુ મજા આવી. ફિલ્મમાં નાયિકાની ભૂમિકા બહુ દમદાર છે. મને પહેલેથી એવી ફિલ્મ સાથે જોડાવું ગમે છે, જેની સ્ટોરી સારી હોય અને જેમાં મારું પાત્ર ઇન્ટરેસ્ટિંગ હોય એટલે મેં ફિલ્મ કરવાની તરત હા પાડી દીધી.’
ત્યાર પછી મિસ પાલ્કરને રુટીન ગણી શકાય એવી પૃચ્છા મીડિયામાંથી થઈ, ‘એક્ટર વિશ્વાક સેન અને દિગ્દર્શક અશ્વાત સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?’ એનો મિથિલાએ એકદમ સુષ્ટુસુષ્ટુ જવાબ આપ્યો, ‘ઇટ વોઝ અ લોટ ઓફ ફન. મારી પ્રત્યે આત્મીયતા દાખવવા બદલ હું બંનેની આભારી છું. મારા માટે એ સાવ જુદી દુનિયા હતી. ડર્યા કરતા હું નર્વસ વધુ હતી કારણ કે એ મારી પહેલી તેલુગુ ફિલ્મ હતી. મેં સજાગપણે એવું પાત્ર પસંદ કર્યું હતું, જેને પડદા પર સાકાર કરવા મારે ઘણું બધું કરવાનું હતું. એ મારા માટે જવાબદારી લઈને આવ્યું હતું. એથી વારંવાર મનમાં એવો પ્રશ્ન થયા કરતો કે હું કેમેરા સામે મારી લાઈનો બોલી શકીશ કે નહિ?’
પછી એક પત્રકારે મિથિલા તરફ ગુગલી ફેંકતા પૂછ્યું કે ‘મેડમ, તમે પહેલા સપોર્ટિંગ રોલ કરતા અને હવે લીડ રોલમાં આવો છો. શું હવે તમારો રોલ પસંદ કરવા માટેનો દ્રષ્ટિકોણ અને માપદંડ બદલાયા છે?’ એક્ટરનો ઉત્તર સાંભળવા જેવો હતો, ‘મારો માપદંડ કાયમ એક જ રહ્યો છે કે મારો રોલ મહત્ત્વનો હોય, પછી ભલેને હું સ્ક્રીન પર પાંચ મિનિટ માટે જ કેમ ન આવું. મારા પાત્રની હાજરી સ્ટોરી માટે અગત્યની હોવી ઘટે. મારા માટે કન્ટેન્ટ પહેલેથી મહત્ત્વનું ફેક્ટર રહ્યું છે. મેં ઇન્ડસ્ટ્રીમાં એવી ઘોષણા કરીને એન્ટ્રી નથી લીધી કે મારે સુપરસ્ટાર બનવું છે. હું અહીં એક એક્ટર બનવા આવી છું અન ેએક્ટર તરીકે જ વિકસવાનો મારો સતત પ્રયાસ હોય છે.’
સંવાદના સમાપનમાં મિથિલાને પૂછાયું કે તારો ભાવિ પ્લાન શું છે? શું તું સાઉથમાં શિફ્ટ થવા ધારે છે? મિસ પાલ્કરે બે વાક્યમાં વાતને પૂર્ણવિરામ આપ્યો, ‘મેં સાઉથમાં હજુ કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકાર્યા નથી. હું ઇચ્છું છું કે લોકો મારી ડેબ્યુ તેુગુ ફિલ્મ જુએ અને એના આધારે મને સારું કામ આપે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button