સિનેમા એક્સપ્રેસ : કોણ ચડે – સ્પિલબર્ગ કે કેમરોન?
એક હાથમાં ડાઇનોસોરનું રમકડું ને બીજા હાથમાં ટર્મિનેટરનું રમકડું ઝાલીને બોલિવુડ બોય ઉર્ફ બોબો કૂદતો કૂદતો એન્ટ્રી મારે છે. એના અતિ પાતળા શરીર પર ઢીલુઢસ્સ ટીશર્ટ અને બ્લ્યુ જીન્સ હેન્ગરની જેમ લટકી રહ્યાં છે. આવતાંવેંત બોબો પૂછે છે, ‘તમને તમારી ડાબી આંખ વધારે ગમે કે જમણી આંખ?’ હેં? તમે બાઘ્ઘાની જેમ એની સામે જુઓ છો. ‘તમને તમારું ડાબું ફેંફસું વધારે વહાલું છે કે જમણું?’ બોબો પાછો પૂછે છે. તમે ચિડાઈને કશું કહેવા જાઓ તે પહેલાં એ ઓર સવાલ છુટ્ટો ફેંકે છે. ‘તમને સ્ટીવન સ્પિલબર્ગ વધારે ગમે કે જેમ્સ કેમરોન?’
બોબો, આ તું કેવા વિચિત્ર સવાલ પૂછી રહ્યો છે? આ સવાલના જવાબ આપવા શક્ય જ નથી. ‘એક્ઝેક્ટલી!’ બોબો મંદ મંદ મુસ્કુરાય છે, ‘જેમ ડાબા-જમણા ફેંફસામાંથી કોઈ એકની પસંદગી ન કરી શકાય એમ સ્પિલબર્ગ અને કેમરોનમાંથી પણ કોઈ એકની પસંદગી ન કરી શકાય. એક હોલિવુડનો શહેનશાહ છે, તો બીજો હોલિવુડનો સમ્રાટ છે! છતાંય ફિલ્મમેકર તરીકે બન્નેમાંથી કોણ વધારે મહાન? – એવી ચર્ચા કરવી જ હોય તો?’
તમે ચુપચાપ બિન-બેગ ખેંચીને બોબોની સામે ગોઠવાઈ જાઓ છો અને એ પોતાનું દરિયા જેટલું ઊંડું ફિલ્મી જ્ઞાાન ઊલેચવા માટે રેડી થઈ જાય છે. ઓવર ટુ બોબો…
કોઈ પણ ફિલ્મમેકરની મહાનતા કેવી રીતે નક્કી થાય? આપણે અત્યારે હોલિવુડના બે લેજન્ડ્સ સ્ટીવન સ્પિલબર્ગ (જન્મવર્ષઃ ૧૯૪૬) અને જેમ્સ કેમરોન (જન્મવર્ષઃ ૧૯૫૪)ના કરીઅરની તુલનાત્મક ચર્ચા કરવા માગીએ છીએ. સૌથી પહેલાં તો, કેટલાક સ્થૂળ માપદંડો ધ્યાનમાં રાખી શકાય. જેમ કે, બન્નેએ કુલ કેટલી ફિલ્મો ડિરેક્ટ કરી છે? (સ્પિલબર્ગે ૩૨, કેમરોને ૮.) બન્નેની ફિલ્મોએ બોક્સઓફિસ પર કુલ કેટલી કમાણી કરી છે? (સ્પિલબર્ગઃ વર્લ્ડવાઇડ ૧૫.૯ બિલિયન ડોલર, કેમરોનઃ વર્લ્ડવાઇડ ૬ બિલિયન ડોલર.) બન્નેએ વ્યક્તિગત સ્તરે કેટલા ઓસ્કર અવોર્ડ્ઝ જીત્યા છે? (સ્પિલબર્ગઃ ૩, કેમરોનઃ ૩.) આમ, આંકડાબાજીની દષ્ટિએ તો સ્પિલબર્ગ સ્પષ્ટપણે કેમરોન કરતાં આગળ છે… પણ જ્યાં કળા, કલ્પનાશક્તિ અને સંવેદનશીલતાની વાત આવે છે ત્યારે આંકડાનું શું કરવાનું?
સાયન્સ ફિક્શન બન્નેએ બનાવી છે. જેમ્સ કેમરોનના બાયોડેટામાં ‘ધ ટર્મિનેટર’ સિરીઝ, ‘એલિયન’, ‘ધ એબીઝ’ અને ‘અવતાર’ જેવી સાયન્સ ફિક્શન બોલે છે. આ ફિલ્મો બોક્સઓફિસ પર સોલિડ ચાલી અને ચાંપલા ફિલ્મ રિવ્યુઅર્સે પણ વખાણી. ટેકનિકલ માપદંડોની વાત આવે છે ત્યાં જેમ્સ કેમરોનની ડિક્શનરીમાં ‘કોમ્પ્રોમાઇઝ’ જેવો શબ્દ હોતો નથી. પોતે કલ્પના કરી હોય બરાબર એવી જ ફિલ્મને પડદા પર ઉતારવા માટે ટેકનોલોજી વિકસી ન હોય તો કેમરોન હાથ જોડીને બેસી રહેતા નથી, તેઓ ખુદ ટેકનોલોજિકલ ઇન્વેન્શન કરે છે. વાત કાલ્પનિક હોય તોય વિગતો વૈજ્ઞાાનિક રીતે એક્યુરેટ હોવી જ જોઈએ. દરિયા સાથેની એમની લવસ્ટોરીનો આરંભ ‘ધ એબીઝ’થી થયો હતો અને ‘અવતાર’ની સિક્વલોમાં તો તે પરાકાષ્ઠાએ પહોંચ્યો.
સ્ટિવન સ્પિલબર્ગે કઈ સાયન્સ ફિક્શન્સ બનાવી છે? ઓહ, ઘણી બધી. ‘ઇટી’, ‘જુરાસિક પાર્ક’ સિરીઝ, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’, ‘માઇનોરિટી રિપોર્ટ’ અને ‘વોર ઓફ ધ વર્લ્ડ્ઝ.’ પરગ્રહવાસીની ફિલ્મો તો અગાઉ પણ આવી હતી, પરંતુ ગમી જાય એવા, વહાલ જન્મે એવા એકસ્ટ્રા-ટેરિસ્ટ્રીઅલની ઓળખાણ આપણને સ્પિલબર્ગે કરાવી, ‘ઇટી’માં. આ ફિલ્મનાં એલિમેન્ટ્સની પછી તો દુનિયાભરની ભાષાઓમાં સીધી કે આડકતરી નકલો થઈ છે. ડાયનોસોર જેવા નામશેેષ થઈ ચુકેલા જનાવરને પુનઃ જીવતદાન આપનાર પણ સ્પિલબર્ગ જ. આહા, ‘જુરાસિક પાર્ક’નો પહેલો ભાગ રિલીઝ થયો હતો ત્યારે દુનિયા સ્ક્રીન પર હાલી-ચાલી રહેલા અને ઉધામા મચાવી રહેલા ડાયનોસોરને જોઈને ચકિત થઈ ગઈ હતી. ડાયનોસોરનાં શરીર, એની ચામડી, એની આંખો, એના અવાજ, બોડી મુવમેન્ટ્સ… આપણને થાય કે આ આટલી આબેહૂબ રીતે આ માણસે કેવી રીતે સ્ક્રીન પર ઉપસાવ્યું હશે?
એક્શન ફિલ્મોમાં તો આ બન્ને મહાનુભાવો – સ્પિલબર્ગ અને કેમરોન – એકબીજાના માથા ભાંગે એવા છે. કેમરોને ‘ટર્મિનેટર’ સિરીઝ, ‘અવતાર’ અને ‘એલિયન’ ઉપરાંત ‘ટ્રુ લાઇઝ’માં અજબગજબની એક્શન સિકવન્સીસ શૂટ કરી, તો સ્પિલબર્ગે ‘જૉઝ’ ઉપરાંત ‘ઇન્ડિયાના જોન્સ’, ‘એમ્પાયર ઓફ ધ સન’, ‘મ્યુનિક’, ‘હૂક’ અને ‘માઇનોરિટી રિપોર્ટ’માં એક્શન સીન્સની રમઝટ બોલાવી.
રખે એવંુ માની ન લેતા કે સ્પિલબર્ગ અને કેમરોન માત્ર અતરંગી જનાવરો, વીએફએક્સ અને એક્શનના જોરે જ રાજ કરે છે. સાહેબ, તમે અસલી ઘટનાઓ પરથી બનેલી એમની ઇમોશનલ ફિલ્મો જોઈ લ્યો. ‘ટાઇટેનિક’, ફોર એક્ઝામ્પલ. કેમરોનની આ ફિલ્મ જોતી વખતે કયો માઇનો લાલ રડયો નહીં હોય? સ્પિલબર્ગની ‘શિંડલર્સ લિસ્ટ’, ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’ અને ‘વોર હોર્સ’ જેવી હૃદય પિગળાવી દે તેવી યુદ્ધ-ફિલ્મો લઈ લો. આપણને થાય કે જે માણસ વ્હેલ માછલીની અને ડાયનોસોરની ફિલ્મો આટલા પરફેક્શન સાથે બનાવી શકે છે એ જ માણસ યુદ્ધની ફિલ્મો પણ આટલી તીવ્રતાપૂર્વક શી રીતે બનાવી શકતો હશે? ‘ધ ટર્મિનલ’, ‘કેચ મી ઇફ યુ કેન’ અને બાયોપિક ‘લિંકન’માં સ્પિલબર્ગની અલગ જ છટા દેખાય છે. સ્પિલબર્ગે ‘ધ એડવન્ચર ઓફ ટિનટિન’ અને ‘બીજીએફ’ જેવી મસ્તમજાની એનિમેશન ફિલ્મો પણ બનાવી છે, જ્યારે કેમરોને એક પણ એનિમેશન કે બચ્ચાંઓ માટે ફિલ્મ બનાવી નથી. આ ઉપરાંત, કેમરોને નથી એકેય બાયોપિક બનાવી કે નથી એકેય રિયલ લાઇફ ઇન્સિડન્ટ પરથી ફિલ્મ બનાવી. અંગ્રેજીમાં જેને ડ્રામા મૂવી કહે છે એવી પણ કોઈ ફિલ્મ કેમરોનના બાયોડેટામાં બોલતી નથી. હા, એક ‘ટાઇટેનિક’માં એમણે કદી ન ભૂલી શકાય એવી લવસ્ટોરી દેખાડી ખરી.
સ્પિલબર્ગે શું નથી બનાવ્યું એની વાત કરીએ તો એમણે બસ એક લવસ્ટોરી પર ટિકમાર્ક કર્યું નથી. એમણે એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકે પણ સરસ કામ કર્યું છે. સ્લિપબર્ગ ઘણા વધારે વર્સેટાઇલ છે. એમના કામની માત્ર ક્વોલિટી જ નહીં, ક્વોન્ટિટી પણ ઘણી છે. એમના કામમાં ભરપૂર સાતત્ય છે. કેમરોન પ્રમાણમાં લહેરથી કામ કરનારા મેકર છે. સો વાતની એક વાત. સ્પિલબર્ગ-કેમરોન બન્નેએ સિનેમાના ક્ષેત્રમાં પુષ્કળ યોગદાન આપ્યું છે.
‘તો?’ બોબો મંદ મંદ મુસ્કુરાય છે, ‘તમારા હિસાબે હવે કોણ જીત્યું – સ્પિલબર્ગ કે કેમરોન?’
યાર, હું તો વધારે કન્ફ્યુઝ થઈ ગયો, તમે કહો છો. જો આંકડા અને વર્સેટાલિટીને ધ્યાનમાં રાખીએ તો સ્પિલબર્ગ આગળ છે, પણ સ્ટોરીટેલર તરીકે તો બન્ને અદભુત છે. ‘એક્ચ્યુઅલી, બન્નેમાંથી કોણ ચઢિયાતું એ સવાલ જ કેન્સલ કરી નાખવા જેવો છે,’ બોબો કહે છે, ‘બન્ને ગ્રેટ છે. બન્નેએ બેનમૂન કામ કર્યું છે.’
… અને પછી ‘જય સ્પિલબર્ગ… જય કેમરોન… જય સિનમાદેવી…’ના પોકારો કરતો બોલિવુડ બોય ઉર્ફ બોબો કૂદતો કૂદતો એક્ઝિટ લે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button