ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨, કેવી અને કોની બનશે સરકાર ? પ્રાથમિક તારણો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, એક અને પાંચ ડિસેમ્બરે બે તબક્કામા મતદાન યોજાનાર છે, ભાજપે ૧૬૦, આમ આદમી પાર્ટીએ ૧૧૮ અને કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે, બીટીપી ૧૨, એઆઈએમઆઈએમ ૦૫, આ સિવાય સમજવાદિ પાર્ટી, જેડીયુ, બહુજન સમાજવાદી પાર્ટી અને શિવસેના ઉપરાંત નાની મોટી પાર્ટીઓના ઉમેદવારો જાહેર થવાના બાકી છે ત્યારે શું કહે છે મતદારોનો મૂડ ? આવો જાણીએ તેના અનુમાનો.

કોરોના અવ્યવસ્થામાં સરકારની ભરપૂર ટીકા થયા બાદ સફાળી સરકાર બદલાવી નાખનારી ભારતીય જનતા પાર્ટી કોરોનાકાળ પહેલા સંગઠનમાં જીતુ વાઘાણીની જગ્યાએ ચંદ્રકાન્ત પાટીલ તેમજ ૧૫૦+ નું સૂત્ર અમલમાં લાવી હતી, પરંતુ કોરોનાએ ભાજપની કેટલીક મુરાદો પર પાણી ફેરવ્યું હોય તેમ હાલ ભાજપ ૧૫૦+ ની વાત દોહરાવતી નથી.

અમિત ચાવડા ઉપરાંત કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ ની આગેવાનીમાં ૨૦૧૭ માં સારું પ્રદર્શન કરનારી કોંગ્રેસ કોરોના બાદ ગુજરાતમાં જાગી હોય તેમ હાલ જગદીશ ઠાકોરની આગેવાનીમાં અંડરકરંટ પેદા કરી ચુકી છે જેની નોંધ ભાજપના વ્યુહકાર અને ચૂંટણી સ્પેશિયાલીસ્ટ તેમજ ભાજપ તરફથી હાલ દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી ખુદ લઈ ચુક્યા છે.

૨૦૧૭ માં ૩૦ ઉમેદવારો ઉતારનારી અને એકપણ ઉમેદવાર એક હજારથી વધુ મત ન લાવ્યા તે આમ આદમી પાર્ટી કોરોના બાદ કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં ૨૭ કોર્પોરેટરો એકસાથે જીતી લાવી હતી, તેથી આ વખતની ચૂંટણીમાં આપ ગેલમાં છે, જોકે ૨૭ માંથી ૨૧ આસપાસ કોર્પોરેટરો ભાજપમાં તેમજ અન્યત્ર ચાલ્યા જતાં, આપ આ વખતે ભાજપ કોંગ્રેસનો ખેલ બગાડે તેવી પુરી શક્યતા છે, આ જોતાં ભાજપને ૧૫૦+ કે કોંગ્રેસને સરકાર બનાવવા ૧૧૦+ ની આશા પર ઠંડુ પાણી જરૂર ફરી વળ્યું છે.

જોકે રાજકીય પંડિતો આગાહી કરી ચુક્યા છે કે ભાજપ ૧૧૫ થી ૧૨૫ સીટ જીતશે, સટ્ટા બજાર પણ ૧૩૧ થી ૧૩૯ સીટ ભાજપ જીતશે તેવી આગાહી કરી રહ્યું છે, આપ અને કોંગ્રેસ અલગ અલગ રીતે ગુજરાતમાં સત્તા પરિવર્તનની, તો ભાજપ પુનઃ સત્તામાં આવવાની આગાહી કરી રહ્યા છે.

૨૦૧૭ માં પટેલ ફેક્ટર થકી સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે નુકશાન થયું હતું અને ૨૦૧૨ માં ભાજપના ૧૧૫ સામે ૨૦૧૭ માં માત્ર ૯૯ ધારાસભ્ય ચૂંટાયા હતાં, કોંગ્રેસના ૩૦ થી વધુ ધારાસભ્યો આ ટર્મમાં માત્ર ૨૦૦૦ મતોની ખાધ થી હાર્યા હતાં. ગુજરાતમાં ભાજપની સરકારને સળંગ ૨૭ વર્ષ પુરા થયા છે, જોકે હજુ એન્ટી ઇન્કમબન્સી નથી, પરંતુ જ્ઞાતિ ફેક્ટરો જોતાં ભાજપને પાટીદારો પાસે પગમાં પડ્યા સિવાય કોઈ આરો ઓવારો નથી તેમ પાટીદારોથી ભાજપનો સાથ છોડાય તેમ નથી આ જોતાં કોળી મતદારો, ઓબીસી મતદારો અને અન્ય નાની મોટી જાતિના મતદારો ભાજપ અને પાટીદારોની જુગલબંદીથી થાક્યા છે.

જુગલબંદીની આ ધોરી નસ પર આમ આદમી પાર્ટીની નજર પડતા અને મતદારોને પણ લાગે છે કે અન્ય મતો એકત્ર કરીને આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી શકશે તેથી આપની સભાઓ ભરચકક જાય છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યા મુજબ કોંગ્રેસ ક્યાય દેખાતી નથી પરંતુ તે અંડરગ્રાઉન્ડ કામ કરી રહી છે, મોદીજીનો આ ડર સાચો છે, કોંગ્રેસ ઘણું કાંતી ચુકી છે અને મતદારોને રિઝવવાના દરેક પ્રયાસો પર બારીકાઈથી કામ કરી રહી છે, કોંગ્રેસની અત્યાર સુધીની યાદી જોતાં પાર્ટીએ જ્ઞાતિ ફેક્ટરને બરાબર સાધ્યું છે, કોંગ્રેસની આ તાકાતને પહોંચી વળવા ભાજપે જડમુળથી ફેરફારો કરવા પડ્યા છે, જેમાં ભાજપાએ એના ૨૧ દિગ્ગજોને બેસીજાવનો આદેશ આપવો પડ્યો છે.

ચૂંટણી જાહેર થયા પહેલાના એબીટુના પ્રાથમિક તારણોમાં કોંગ્રેસ ૧૦૦ થી ૧૧૦ સીટો મેળવશે તેવું તારણ સામે આવ્યું હતું, બાદમાં આપના કુદકાથી કોંગ્રેસને નુકશાન જવાની દહેશત સામે આવી હતી, જો તેમ થાય તો કોંગ્રેસને ૩૦ થી ૪૦ સીટો પર નુકશાન થાય તે મુજબ કોંગ્રેસ ૬૦ થી ૧૧૦ વચ્ચે પ્રવાસમાં છે. ભાજપને નુકશાન જાય એ હકીકત સામે મતદારોમાં મોદીજીની લોકપ્રિયતા બરકરાર છે પરંતુ મોંઘવારી અને બેરોજગારીમાં મોદી સરકાર નિષ્ફળ જતી હોવાની સૂઝ મતદારોને અને મોદીજીના ચાહકોને પણ પડી રહી છે. તેથી ડબલ એન્જીન, પાટીદાર વર્ચસ્વ અને કોંગ્રેસને ભાંડવાથી કાંઈ નહી થાય એ મોદીજી સુપેરે સમજી રહ્યા છે, સાથે સાથે ગુજરાતમાં ભાજપને જનારા સંભવિત નુકશાનને તે જોઈ રહ્યા છે પરંતુ આગામી લોકસભા ૨૦૨૪ અને ભાજપનું ઋણાનુબંધ તેને પ્રચારમાં શક્તિ ઝોકવા વિવશ કરે છે અને એટલે જ તેઓ પુરી તાકાતથી ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં જંગ ત્રિપાંખિયો નહીં બેપાંખિયો જ છે, આપ કોઈ એક પાર્ટીને નહીં બંને પાર્ટીઓને વધતું ઓછું નુકશાન કરી રહ્યું છે. આ જોતાં ભાજપને ૨૦૧૭ ના પરિણામોથી નીચે અને કોંગ્રેસને ૨૦૧૭ ના પરિણામોથી ઉપર જવાના આસાર દેખાઈ રહ્યા છે, વધુ તો પાંચ ડિસેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ અને એ સાચું છે કે ખોટું એ આઠ ડિસેમ્બરે પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.