જુના હાલાર અને નવા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલું અને ભગવાન ઇન્દ્રેશ્વર દાદા, વીર માંગળાવાળો અને ભક્ત દવારામ બાપાનાં નામ સાથે વણાયેલા ભાણવડ શહેરના રણજીતપરામાં ભાણવડી નદી પર આવેલા અને શહેરના કોટ વિસ્તાર અને રણજીત પરાને જોડતા પુલ સાથે ચમત્કારિક શક્તિઓ જોડાયેલી હોય તેમ પુલ પર ટ્રાફિક હોય કે ભીડ તેનાથી કોઈને અગવડ પડતી હોય કે સગવડ પરંતુ દરેકે મસ્તક ઝુકાવીને ચાલવું પડે.
પસાર થતા વટેમાર્ગુમાં તાલુકા મેજીસ્ટ્રેટ હોય કે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ હોય કે ચીફ ઓફિસર, એમ્બ્યુલન્સ વેન હોય કે પોલીસની લાલ લાઈટ વાળી ગાડી, પસાર જે થાય તે એને આ છેડેથી પેલા છેડે પસાર થયા બાદ પુલનો ટ્રાફિક યાદ રહેતો નથી અને યાદ ન રહે એજ આ પુલનો ચમત્કાર છે. પોલીસે પણ ટ્રાફિકમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા હેતુ પુલના બંને છેડે ટ્રાફિક જવાનો ગોઠવેલા છે પરંતુ ચમત્કારીક શક્તિ પાસે પોલીસ વિવશ હોય તેમ પુલ પરનો ટ્રાફિક કે અવ્યવસ્થાનું નિરાકરણ આવતું નથી.
પુલના ચમત્કાર વિષે એબીટુએ પડતાલ કરી તો જાણવા મળ્યું કે આ પુલના કામે કોઈ સારો કે ખરાબ વિચાર કરે તો કાંતો એની બદલી થાય અને કાંતો એની ખુરશી જાય, પુલ પર રાહદારીઓને તકલીફ ન થાય, પસાર થતા વાહનોને તકલીફ ન થાય તેથી તેને વનવે કરી શકાય અથવા તો વાહનવ્યવહારમાં આવતી અડચણો દુર કરી શકાય પરંતુ કહેવાય છે કે ચમત્કારને કારણે આવું કશું થઇ શકે તેમ નથી, જુના અને અતિ સીનીયર કેટલાંક લોકો તો જણાવે છે કે આ પુલના કારણે જ શહેરની તમામ ઓફીસો બહાર ધકેલાઈ ગઈ છે.
મામલતદાર અને તાલુકા મેજીસ્ટ્રેટની ઓફીસ અને આવાસના બંને માર્ગો પર આ પ્રસિદ્ધ પુલ ક્યાંય આડે આવતો નથી. અને જયારે આડે આવવાનો હોય ત્યારે ટ્રાફીક જવાનો સુવિધા કરી આપે છે તેથી તેને પુલ પરની અવ્યવસ્થા કે ચમત્કાર અંગે કોઈ જાણકારી કે અડચણ ઉદ્ભવતી નથી. સૌથી વધુ હાલાકી ભોગવે છે મૂંગા પશુઓ કેમકે આ પુલના એક છેડે ગાયોનો ગોન્દરો હતો જે આ તથાકથિત ચમત્કારમાં ક્યાંય ગાયબ થઇ ગયો છે. એબીટુના પત્રકારો જયારે પડતાલ કરતા હતા ત્યારે ત્યાં કોઈએ જણાવ્યું હતું કે તમે પણ અહી મસ્તક નમાવી લો, ખુબ પ્રગતી થાશે. જોકે અમારા પત્રકારો આવી અંધશ્રદ્ધામાં માનતા ન હોય આ ચમત્કારનો પર્દાફાશ કરવા મક્કમ છે.