ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 5મી ડિસેમ્બર 2022ના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલાં વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ગત રોજ જ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા, તેમણે મળવા માટે મને બોલાવ્યો પણ નથી અને હું ગયો પણ નથી. હું ભાજપનો સેવક છું અને રહેવાનો છું. જોકે ત્યાર બાદ નિવેદન ફેરવી તોળ્યું હતું. છતાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે.
ગુજરાત બાજપના દબંગ ધારાસભ્યોમાંથી માત્ર મધુ શ્રીવાસ્તવની ટિકિક કપાઈ છે. જ્યારે બાબુ બોખિરીયા, પરસોતમ સોલંકી, હીરા સોલંકી, કાંતિ અમૃતિયા સહિતાના દબંગોને ભાજપે રિપિટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનાં હોય એના ચાર કે પાંચ દિવસ પહેલાં જ ઉમેદવારો જાહેર કરે છે. એનું કારણ એ છે કે ભાજપના જે ઉમેદવારો જાહેર થાય એને કારણે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને પક્ષને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રખાય છે. ખાસ તો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને જો ટિકિટ અપાય છે તો પક્ષના જ આગેવાનો અને કાર્યકરોમાં કચવાટ ફેલાય છે. આ ભાજપને નુકસાન કરી શકે છે.
ધમકીની ભાષા વાપરવા માટે જાણીતા વડોદરાની વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. તેઓ પોતાના પુત્ર દીપકને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ વાત પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ભાજપે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી હતી કે વર્તમાન ધારાસભ્યો કે સાંસદોના સગાઓને ટિકિટ નહીં મળે. મધુ શ્રીવાસ્તવ એક દબંગ નેતાની છાપ ધરાવે છે અને ઘણી વખત તેમના કારણે પક્ષને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. તેઓ વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી છ વખતથી ચુંટાયા છે.
ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યની ટિકિટ કપાઈ છે. નિમાબેન અત્યારે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર છે. તેવી જ રીતે અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરની ટિકિટ પણ કપાઈ છે. તાજેતરના વર્ષોમાં વાસણભાઈની કેટલીક ઓડિયો ક્લિપ ફરતી થઈ હતી જેમાં તેઓ એક મહિલા સાથે જે રીતે વાત કરે છે તેના કારણે ભાજપે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.
કથાકાર મોરારીએ થોડા સમય પહેલા દેવભૂમિ દ્વારકામાં ધર્મ સ્થાપના અને કૃષ્ણ પરિવાર પર નિવેદનને લઇને ભારે વિવાદમાં આવ્યા હતા. જે બાદ યદુવંશીઓ વિરોધ અને આક્રોષ જોતા બાપુએ બે વખત માફી માંગીને સાક્ષાત દ્વારકા ભગવાન કૃષ્ણના દર્શન ગયા હતા. પરંતુ દ્વારકામાં કૃષ્ણ ભક્ત અને ભાજપના નેતા પબુભા માણેકના રોષનો સામનો કરવો પડ્યો હતો. પબુભા મારવા દોડ્યા તો સાંસદ પુનમ માડમે બાપુને રોકી લીધા હતા. આ ઘટના બાદ હવે માહોલ ગરમાયો હતો, પરંતુ પબુભાને બીજેપીએ ટીકીટ આપતા કથાકાર મોરારીબાપુનો દબદબો ભાજપમાં ન હોવાની વાતને સમર્થન મળે છે. જોકે પબુભાની ટીકીટ કાપવામાં મોરારીબાપુનો કોઈ હાથ હતો કે નતો એ અમે નથી જાણતા પરંતુ બાપુની ભાજપ ભક્તિ મુજબ પબુભાની ટીકીટ કપાશે તેવી ચર્ચા ખુબ વાયરલ થઇ હતી.
પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી રૂ. 130 કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ. 1,200થી 1,500 કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ. 55 કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. 2006મા પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરીયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની 11 કંપની સામે રૂ. 250 કરોડની ખનીજ ચોરીની રિકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝ વાળી જમીનમાંથી રૂ. 55 કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ. 250 કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રિકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે 6 મહિના જેલમાં જવું પડ્યું હતું.