મોદકની સુગંધે મુનિ માર્ગ ખોજતા ચાલ્યા આવે છે !

રાજગૃહી નગરીમાં સર્વકલાકુશળ એવો સિંહરથ નામે રાજા રાજ્ય કરે છે. રાજા નાટયકલાનો ભારે રસિયો છે. આ કારણે એની નગરીમાં અનેક નટ, વિટ ને ગાયકો પોતાના કુટુંબકબીલા સાથે મોજથી રહે છે. આ બધા નટો ચોમાસાના ચાર મહિના નગરીમાં રહે છે, આઠ મહિના ઠેર ઠેર નાટક કરતા દેશવિદેશમાં ઘૂમે છે.

આ નાટકના અદાકારોમાં વિશ્વકર્મા નામનો પ્રખ્યાત કલાકાર છે. કેટલાય રાજાઓથી એ સન્માનિત છે અને કેટલીય રાજપદવીઓથી વિભૂષિત છે. આજે તો વૃદ્ધ થયો છે, પણ જુવાનીમાં એ એક અને અજોડ નાટયકલાકાર હતો. જિંદગીની ઉત્તરાવસ્થામાં એ રાજગૃહી નગરીમાં સ્થાયી થયો છે. સુંદર હવેલીમાં રહે છે. સંતાનમાં અને સંસારમાં એને ફક્ત બે પુત્રીઓ છે. પુત્રીઓ પણ કેવી ? નૃત્ય કરવામાં મોર જેવી, ગાયનમાં કોયલ જેવી, રૂપમાં જાણે બીજી રંભા. એકનું નામ રેણુ અને બીજી દીકરીનું નામ વેણુ છે.

આજે નાટકના ધુરંધર કલાકાર વિશ્વકર્માને ત્યાં જમણવાર યોજાયો છે. સગાંવહાલાંને સાગમટે નોતરાં છે. એ માટે મોદક બનાવ્યા છે. મોદક સુગંધીદાર ઘીથી તરબતર બન્યા છે; જાવંત્રી, એલાયચી  ને કેસરથી મહેક મહેક થાય છે. ભોજનનો સમય થયો છે. સહુ કોઈ અતિથિ-અભ્યાગતની રાહમાં છે. અતિથિને આપ્યા વિનાનું અન્ન તો ઓસડ જેવું ગણાય; રોગી જ એ આરોગે. ત્યાં તો મુનિ નજરે પડયા. મુનિ પણ, જેમ ગળપણ પર કીડી જાય તેમ, મોદકની સુગંધે માર્ગ ખોજતા ચાલ્યા આવે છે !

ચાલતા ચાલતા મુનિ ભિક્ષાર્થે દરવાજા પર આવ્યા. ખીલતી યુવાની છે. સાગના જેવી સીધી દેહયષ્ટિ છે. પાષાણમાંથી નાજુક શિલ્પીએ કંડારેલી હોય એવી મુખમુદ્રા છે. અણિયાળી આંખો નીલી-આસમાની છે. દેહ ચંપકવરણો છે. રૂપ ઝગારા મારે છે !

વેણુ અને રેણુએ મુનિને આદરમાન આપીને બોલાવ્યા. બોલાવીને એક લાડવો પાત્રમાં નાખ્યો. મુનિ આશીર્વાદ આપી બહાર નીકળ્યા !

શું સુંદર લાડુ છે ! કાષ્ઠના પાત્ર ઉપર કપડું ઢાંક્યું છે, તોય કપડું અને પાત્ર વીંધીને એની મનમોહક સુગંધ મગજને તરબતર કરે છે.

મુનિના મોંમાં પાણી છૂટે છે. અરે ! આ  ભુખાળવી ભિક્ષામાં કોઈક વાર જ આવી બાદશાહી ભિક્ષા મલે છે ! શું મનમોહક મોદક છે ! પણ મુનિને તરત જ બીજો વિચાર આવ્યો: અરે ! આ એક મોદક તો મારા ગુરુને જોઈશે. પછી મારા ભાગમાં શું રહેશે ? મારે ખાવો હોય તો બીજો લાવવો રહ્યો. મુનિએ વિચાર કર્યો કે લાવ જઇને બીજો લઇ આવું !

પણ મુનિને થયું કે આ ને આ વેશે જઇશ તો ઓળખાઈ જઇશ ને ફજેતી થશે. કોઈ ઓળખી ન શકે ને ફરી ભિક્ષા મળે તેવો રસ્તો લેવો જોઇએ. તરત જ મુનિને પોતાની નટવિદ્યા યાદ આવી. વાંદરો ઘરડો થાય પણ કંઇ ઠેક ચૂકે ? મુનિ થયા તેથી શું ? સંસ્કાર તો નટજીવનના ને !

એક ક્ષણમાં તો એમણે રૂપ બદલી નાખ્યું. અત્યંત વૃદ્ધ બની ગયા. બુઢ્ઢાબાબા ! બાબા તે કેવા ! આંખે પૂરું દેખાતું નથી. હાથ-પગ ધ્રુજે છે. માથું તુંબ ફળની જેમ ડોલે છે. લાકડીના ટેકે માંડ ડગલું મંડાય છે. આમ ધ્રૂજતા-કંપતા ફરી એ વિશ્વકર્મા નટને દરવાજે આવીને ઊભા રહ્યા !

વેણુએ મુનિને જોયા ! એણે રેણુને કહ્યું: ‘જો ને બહેન ! બિચારા બૂઢા મુનિ કેવા ધ્રૂજે છે. હાય રે વૃદ્ધત્વ ! માણસને તું કેવો લાચાર બનાવે છે ! હાય રે પેટ ! તું માણસને કેવી દયનીયરીતે ઘેર ઘેર ભમાવે છે !’

આમ દયા ખાતાં રેણુએ આગળ વધીને, આદરમાન સાથે એક લાડવો વહોરાવ્યો. મોદક લઇને મુનિ બહાર નીકળ્યા. એમના પાત્રમાં એકને બદલે બે મોદક થયા. હાશ, હવે મોદક નિરાંતે આરોગાશે ! ત્યાં વળી મુનિને વિચાર આવ્યો: આ બીજો લાડુ તો ઉપાધ્યાય મહારાજને આપવો પડશે, પછી હું તો સાવ ખાલી રહીશ. ચાલ, જઇને ભેગા ભેગો ત્રીજો પણ લઇ આવું !

મુનિએ તરત પોતાનું રૂપ બદલ્યું. જાણે કૂબડાના અવતાર ! હાડે હાડે કુબ્જ રોગ લાગી ગયો છે. પગ અજબ રીતે વળી ગયો છે. હાથને જાણે લકવાનો રોગ થયો છે. આંખનોએક દીવો જાણે રાણો થઇ ગયો છે. એક પગ નહીં.એક હાથ નહીં ને એક આંખ નહીં. વિકલાંગ તે કેવા ! ઠબક ઠબક કરતા, લંગડી ઘોડી કરતા મુનિ ફરી વિશ્વકર્મા નટના ઘેર પહોંચ્યા, જઇને આશીર્વાદ આપ્યા.

રેણુએ મુનિને જોયા. એણે વેણુને કહ્યું: ‘અરેરે ! આ મુનિને તો જો ! બિચારા પૂરા ઊભાય રહી શક્તા નથી. લે, એક મોદક એમનેય આપ ! આજ તો આપણે ત્યાં સોનાનો સૂરજ ઊગ્યો: એક નહિ પણ ત્રણ ત્રણ અતિથિ ! ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી !’

મોદક લઇનેમુનિ બહાર નીકળ્યા. પાત્રમાં ત્રણ-ત્રણ લાડવા ઘીથી લચપચતા પડયા હતા. મુનિની જીભમાંથી પણ પાણી છૂટતું હતું. ત્યાં વળી એમને વિચાર આવ્યો: અરે ! એક લાડુ આચાર્ય મહારાજનો, બીજો ઉપાધ્યાય મહારાજનો, ને ત્રીજો સર્વ સાધુઓનો ! ને હું ? હું તોપાછો સાવ ખાલી ને ખાલી ! આ તો રાંધનારીને ધુમાડા જેવું થયું !

એમણે વિચાર્યું: એ તો મહેનત ભેગી મહેનત ! ચાલ, ભેગાભેગો ચોથો પણ લઇ આવું ! મુનિએ તરત રૂપ બદલ્યું.સાવ નાના બાળક બની ગયા. કૂદકો મારતા, રમતા પાછા એ વિશ્વકર્માના દરવાજે પહોંચ્યા. રૂપાળા નાના સાધુનેજોઈ નટની પુત્રીઓએ ખૂબ પ્યારથી એક લાડુ આપ્યો.

લાડુ લઇનેમુનિ બહાર નીકળ્યા. એમના પાત્રમાં હવે ચાર લાડુ હતા. હાશ ! હવે સહુનો સરખો ભાગ પડશે. મુનિએ ચારે તરફ નજર ફેરવી, કે રખેને પોતાને કોઈએ જોયો તો નથી ને ! પણ ત્યાંકોણ જોવા નવરું બેઠુંહતું ?

મુનિ લાડુ લઇને પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ગુરુએ ને ઉપાધ્યાય મહારાજે ઓછાવત્તા ખાધા, પણ તેમણે તો બાકી બચેલા બધાલાડુ ખૂબ લહેજતથી ઉડાવ્યા !

આ મુનિનું નામ અસાડાભૂતિ ! થોડા દિવસથી પોતાના ગુરુ ધર્મરુચિ આચાર્ય સાથે ફરતા ફરતા રાજગૃહી નગરીમાં એ આવ્યા છે.

ઘણે દિવસે મુનિને ભાવતું ભોજન મળ્યું. ભોજનતૃપ્ત થઇને મુનિરાજ પેટે હાથ ફેરવવા લાગ્યા. લાડુ તો પચી ગયા, પણ લાડુનો સ્વાદ એમની દાઢમાં રહી ગયો.

મુનિ અસાડાભૂતિ માનતા હતા કે પોતાનો આ વેશપલટો અને આ ચાતુરી કોઈએ જોયાં નથી, પણ એ વાત ખોટી હતી.

એ ચાતુરીને જોનાર બે આંખો ત્યાં હાજર હતી. મુનિ જ્યારે ઘરમાં આવ્યા, ત્યારે એ ઘરના ઉપલા માળે ઘરનો માલિક, વેણુ ને રેણુનો પિતા વિશ્વકર્મા નટ બેઠો હતો. એણે આ મુનિના રંગઢંગ બરાબર જોયા હતા. એક વાર નીકળીને, ફરી વાર વેશપલટો કરીને એમને આવતા જોયા હતા. એમ ત્રણે વખત વેશ અને રૂપ બદલી બદલીને આવતા એ મુનિને નટે નીરખ્યા હતા.

મુનિ ગયા એટલે નટ નીચે આવ્યો. પોતાની પુત્રીઓને એણે પૂછયું: ‘આજે કેટલા મુનિરાજ આવ્યા હતા ?’

‘ચાર !’ રેણુએ કહ્યું.

‘પિતાજી !’  વેણુએ કહ્યું, ‘એમાં એક તો સાવ ઘરડા હતા ! એક તો બિચારા અતિ વિકલાંગ હતા. એક તો વળી બાળમુનિ હતા. આજ તો ખરેખર સુપાત્રને દાન થયું ! આજનો આપણો દિવસ ધન્ય થયો.’

‘પુત્રીઓ ! ચાર મુનિ નહિ, પણ એક જ મુનિ આવ્યા હતા !’

– ગુજરાતી સાહિત્યના સર્જક ‘જયભિખ્ખુ’ લિખિત  ‘નાટકનું નાટક’ નામની કથાનો વિશેષ રસપ્રદ ભાગ હવે પછી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.