શિવસેનામાં ભંગાણ પડતાં મહારાષ્ટ્રની સત્તામાં પરિવર્તન

તાજેતરમાં શિવસેનામાં ભંગાણ પડતાં મહારાષ્ટ્રની સત્તામાં પરિવર્તન આવ્યું હતું અને શિંદે- ફડણવીસની સરકાર સત્તા પર છે. ભંગાણ બાદ પ્રથમ યોજાયેલી અંધેરીની પેટા ચૂંટણીમાં ઉધ્ધવ ગુ્રપની શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે અપેક્ષા મુજબ પહેલી જીત હાંસલ કરતાં ઉધ્ધવ ઠાકરે હરખાયા હતા. હવે મુંબઈ મહાનગરપાલિકા સર કરીને ઝંપીશું એવો ઉદગાર સુધ્ધા કર્યો હતો.

શિંદે- ભાજપ ગઠબંધને અંધેરી પેટા ચૂંટણીમાંથી પોતાના ઉમેદવાર મુરજી પટેલનું ઉમેદવારીપત્રક પાછું ખેંચાવીને પોતાની હાર થશે એવું પહેલાથી માની લીધું હતું. ભલે એકનાથ શિંદે ભાજપના સહયોગી બન્યા પણ તેમનો ગજ વાગે તેમ ન હતો. ભાજપે ત્યાં સમીક્ષા કરાવતા ખબર પડી કે શિંદે ગુ્રપ જોડાવાથી પણ ભાજપ ત્યાં ચૂંટણી જીતી શકે તેમ નથી. આથી નામોશી લેવા સેના કરતાં ઉમેદવારી પાછી ખેંચી લેવી એવું યોગ્ય ભાજપના વરિષ્ઠોએ સમજી લીધું હોવાની ચર્ચા છે.

અંધેરી (પૂર્વ) વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉધ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે વિજયી થતાં સ્પષ્ટ થઈ ગયું છે કે જનતા અમારી (શિવસેના) સાથે જ છે. આ શરૂઆત થઈ છે. લડાઈ જીત સાથે શરૂ થઈ છે. અમે તમામ ચૂંટણીમાં જીત મેળવીને રહીશું. અમારું નામ અને પ્રતીક લોકોમાં જામી ગયું છે. વિપક્ષે ચૂંટણી લડી નથી. ગમે તે પ્રતીક હોય, ગમે તે હોય, જનતા અમારી સાથે છે. હારની આગાહી થતાં ભાજપે પીછેહટ કરી છે. વિપક્ષને નોટા જેટલા જ મત મળ્યા હતા. એમ કહીને ઉધ્ધવ ઠાકરેએ શિંદે જૂથ પર આકરા પ્રહાર ઋતુજાની જીત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં કર્યા હતા. બીજું શિવસેનાએ નોટામાં મોટી સંખ્યામાં વોટ પડયા એ માટે ભાજપના અપપ્રચારને જવાબદાર ગણાવ્યો હતો.