‘મહાયુદ્ધની’ તૈયારીઓ શરૂ , જિનપિંગનો સેનાને ‘એકશન મોડ’માં રહેવા આદેશ

શી જિનપિંગ ફરી એકવાર ત્રીજી વખત સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાયનાના મહામંત્રી તથા કેન્દ્રીય સૈન્ય આયોગ (સીએમસી)ના પ્રમુખ તરીકે પાંચ વર્ષ માટે નિયુક્ત થઈ ચૂક્યા છે. સીએમસીના પ્રમુખ તરીકેના ત્રીજા કાર્યકાળનું પદગ્રહણ કરવા સાથે તેણે દુનિયાનાં સૌથી મોટા સૈન્ય (૨૦ લાખ)ને સંબોધિત કરતાં કહ્યું કે દુનિયા ગત એક સદીમાં ઘણાં પરિવર્તનોમાંથી પસાર થઈ ગઈ છે. તેને લીધે ચીનનું રાષ્ટ્રીય સંરક્ષણ વધતી જતી અનિશ્ચિતતા અને અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. તેથી દેશના સાર્વભૌમત્વ રક્ષણ અને વિકાસ માટે પાર્ટી, સેના, અને નાગરિકોએ કમર કસીને કામ કરવું પડશે. આ સાથે તેણે સેનાને યુદ્ધ મહાયુદ્ધ માટે પણ તૈયાર રહેવા પોતાની તમામ શક્તિ કામે લગાડવા જણાવી દીધું હતું અને સેનાને ‘એકશન મોડ’માં આવવા જણાવી દીધું હતું.

ચીનની વાયુસેનાના નિવૃત્ત અધિકારી અને સીએમસીના પૂર્વ નાયબ વડા, ઝૂ કવીલીયાંગે કહ્યું હતું કે ચીનની સેનાએ શાંતિના સમયમાંથી યુદ્ધ સમયમાં તત્કાળ ફરવાની તૈયારી રાખવી પડશે. સાઉથ ચાયના મોર્નિંગ પોસ્ટ જણાવે છે કે, ચીની સેનાએ હંમેશાં ધનુષ પર ચઢાવેલાં તીરની જેમ જ તૈયાર રહેવું પડે. ગમે ત્યારે સૈનિક લડવા માટે તૈયાર રહે.

નિરીક્ષકો કહે છે કે, તાઈવાનમાં વધતી રાજકીય (આંતરરાષ્ટ્રીય) દખલ ભારત સાથેના સીમા વિવાદ અને અમેરિકા સાથે વિભિન્ન મુદ્દાઓ ઉપર ચાલી રહેલી મડાગાંઠને લીધે શીએ આ નિર્ણય લીધો હશે.

ઓગસ્ટમાં અમેરિકી સંસદનાં નીચલાં ગૃહનાં નેતા (અધ્યક્ષ) નૈન્સી પોલિસીની તાઈવાન યાત્રા પછી ચીન ધૂંધવાયું છે. તેણે અમેરિકાને કહી દીધું હતું કે, ‘આગ સાથે રમવું સારૂં નથી.’

આ પછી ચીને તાઈવાનની સમુદ્ર ધુનિમાં સૈન્ય અભ્યાસ પણ શરૂ કરી દીધો હતો.

બીજી તરફ પોલીસીએ તાઇવાનની મુલાકાત સમયે કહ્યું કે, ‘અમે તાઈવાન સાથે ૪૩ વર્ષથી ઉભા છીએ.’ આ નિવેદન તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિના સાથમાં આપ્યું હતું. તે પછી ચીને તાઇવાનની ઘેરાબંધી કરવા માટે તાઇવાન આસપાસ પ્રબળ નૌસેના અભ્યાસ શરૂ કર્યો.

દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકે પોતાનું પદ સંભાળ્યા પછી તુર્તજ પોતાના વ્યવસાય મંત્રી ગ્રેગ-હેન્ડઝને તાઇવાન મોકલ્યા હતા. તે અંગે નારાજગી વ્યક્ત કરતાં ચીને જણાવ્યું હતું કે, તે ‘વન-ચાયના-પોલીસી’ની વિરૂદ્ધમાં છે.

ઉલ્લેખનીય છે કે બાહ્ય દ્રષ્ટિએ તો હેન્ડઝની તાઇવાનની મુલાકાત ‘વ્યાપારી’ કરારો માટે જ છે તેમ કહેવાય છે. પરંતુ તેના સૂચિતાર્થો ઘણાં ઊંડા પણ હોઈ શકે તેમ નિરીક્ષકોનું સ્પષ્ટ માનવું છે.