આર્સેનલેે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં પ્રભાવશાળી આગેકૂચને જારી રાખતાં ચેલ્સીને ૧–૦થી હરાવ્યું હતુ. આર્સેનલ તરફથી એકમાત્ર ગોલ ગેબ્રિયલ મેગેલહાસે ફટકાર્યો હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો. આ સાથે આર્સેનલે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ.
ઈપીએલમાં આર્સેનલે ૧૩ મેચમાં ૩૪ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન જાળવ્યું હતુ. જ્યારે માંચેસ્ટર સિટી ૧૩ મેચમાં ૩૨ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આર્સેનલની ટીમ ૧૯૫૦–૫૧ પછી પહેલીવાર સ્ટામફોર્ડ બ્રિજ ખાતે સતત ત્રણ મેચ જીતી હતી.
લેસ્ટર સિટીએ ૨-૦થી એવર્ટનને હરાવ્યું હતુ. ટેઈલેમેન અને બાર્નેસે ગોલ નોંધાવ્યા હતા. જ્યારે એસ્ટન વિલાએ ૩-૧થી માંચેસ્ટર યુનાઈટેડને હરાવ્યું હતુ. એસ્ટન વિલા તરફથી લેઓન બેઈલી, લુકાસ ડિગ્ને અને જેકોબ રામ્સેએ ગોલ કર્યા હતા. રામ્સેના ઓન ગોલનો ફાયદો માંચેસ્ટરને મળ્યો હતો, પણ તેઓ ગોલ કરી શક્યા નહતા.
ક્રિસ્ટલ પેલેસે ૨-૧થી વેસ્ટહામને અને ન્યૂકાસલે ૪-૧થી સાઉથમ્પ્ટનને હરાવીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિમાં સુધારો કર્યો હતો.