તમારા વ્યક્તિત્વમાં આ બધા નકારાત્મક પાસા રૂપે તમારે ઊંઘના દેવાની કિંમત ચૂકવવી પડશે.
આની તુલના કર્મની થિયરી સાથે સચોટ રીતે કરી શકાય. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં, ખાસ કરીને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કરેલું કોઇપણ કર્મ નિષ્ફળ જતું નથી, એ તમને સારો કે નરસો, તમારા કર્મ પ્રમાણે બદલો આપ્યા વિના તમારો પીછો છોડે નહીં. ઊંઘનું પણ એવું જ છે. ઊંઘનું દેવું તમે નહીં ચૂકવો ત્યાં સુધી તમે ચેનથી નહીં રહી શકો. વધુ પડતા ઉજાગરા ખેંચીને તમે ઊંઘમાં કાપ મુક્યા કરશો તો તમારે એના ખરાબ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે.
વર્ષ ૨૦૦૯ના અરસામાં કાચી ઉંમરે અચાનક હાર્ટ એટેકથી રંજનદાસના મૃત્યુની કરૂણ ઘટનાએ કોર્પોરેટ ક્ષેત્રના ટોચના એક્ઝિક્યુટિવ્સમાં ખાસ્સી ચર્ચા અને ચિંતા જગાવી હતી અને આ પ્રકારની ચર્ચા પાછળ ખાસ વજૂદ પણ હતું. રંજન દાસની ઉંમર માત્ર ૪૨ વર્ષની હતી. ભારતમાં તે સમયગાળામાં તેઓ સૌથી નાની વયના C.E.O. હતા. મલ્ટિનેશનલ કંપની ‘સેપ’ના ભારતીય ઉપખંડના તેઓ C.E.O. અને M.D. હતા.
મૂળ આસામના રંજન દાસ અમેરિકાની સિલિકોન વેલીમાં પણ બહુ જાણીતા હતા અને વધુ આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ ખૂબ તંદુરસ્ત હતા. નિયમિતપણે રોજ જિમમાં જવાનો તેમનો નિયમ હતો. તા.૨૧ ઓક્ટોબર ૨૦૦૯ના દિવસે તેઓ જિમમાંથી ઘેર પાછા આવ્યા અને થોડા વખતમાં જ હૃદયરોગના ભારે હુમલામાં તેઓ ઢળી પડયા. એ વર્ષના ફેબુ્રઆરી મહિનામાં તો રંજન દાસે ચેન્નાઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. તેમને દોડવાનો શોખ હતો. તેમની જીવનશૈલી શિસ્તબદ્ધ અને સંયમી હતી.
સંપૂર્ણપણે તંદુરસ્ત અને શિસ્તબદ્ધ જીવન જીવવાવાળા અતિ વિચક્ષણ C.E.O. એકાએક હાર્ટ એટેકનો ભોગ બન્યા તેથી કોર્પોરેટ જગતમાં એક સવાલ ઘુમરાયો હતો કે નિયમિત જીવનશૈલીની સાથોસાથ નિયમિત જિમમાં જવાની હેલ્ધી હેબિટવાળા રંજન દાસના અચાનક મૃત્યુનું કારણ શું ?
‘સેપ’ જેવી મલ્ટીનેશનલ કંપનીના ભારતીય ઉપખંડના સઘળા વહીવટની જવાબદારી રંજન દાસના શિરે હતી એટલે સ્વાભાવિક છે કે તેઓ સતત સ્ટ્રેસમાં તો રહેતા જ હશે. અન્ય તમામ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સનું જીવન સામાન્યરીતે તનાવ-યુક્ત હોય છે, પરંતુ એક વૈજ્ઞાાનિક સંશોધન છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને નિયમિત કસરતથી સ્ટ્રેસની નકારાત્મક અસરો ઘણાં અંશે ઓછી કરી શકાય છે, તેથી રંજન દાસનો જીવનદીપ સ્ટ્રેસના કારણે બુઝાયો હોય એવી શક્યતા ઘણી ઓછી છે.
તો પછી ૪૨ વર્ષની કાચી ઉંમરે તેમના નિધનનું કારણ શું હોઈ શકે ? ઘણાં બધા કોર્પોરેટ માંધાતાઓ રંજન દાસને ‘વિઝાર્ડ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ’ ગણતા હતા. રંજન દાસ ૩૪ વર્ષની વયે ‘સેપ’માં સિનિયર વી.પી. તરીકે જોડાયા હતા અને ગણત્રીના વર્ષોમાં તો તેઓ ‘સેપ’ના C.E.O. બની ગયા હતા. રંજન દાસની આ જવલંત સિદ્ધિ હતી.
રંજન દાસ રોજ પાંચેક માઈલ જેટલું દોડતા હતા અને રોજ સવારે જિમમાં જવાનો તેમનો અચૂક નિયમ હતો. ફિટનેસનો તેમને જબ્બર ક્રેઝ હતો પરંતુ વર્ષો સુધી ઓછી ઊંઘ લેવાના કારણે તેમના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થવાથી અચાનક આવું કરૂણ પરિણામ આવ્યું હોવાનું કેટલાક નિષ્ણાતોનું તે સમયનું તારણ હતું.
વૈજ્ઞાાનિક સંશોધનથી પુરવાર થયેલી હકીકત છે કે જે લોકો દિવસના સરેરાશ ૭ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે. બીપીઓ અને આઈ.ટી. કંપનીઓમાં ફરજ બજાવતા ઘણાં યુવાનો કે જેઓને રાત્રે પૂરતી ઊંઘ નથી મળતી તેવા યુવાનોને કાચી ઉંમરે હાર્ટ એટેકનું જોખમ વધી જતું હોવાનું ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં જણાવાયું છે.
અપૂરતી ઊંઘના લાંબા ગાળાના પરિણામો ગંભીર પ્રકારના છે. વર્ષો સુધી કામના વધુ પડતા બોજના કારણે પૂરતી ઊંઘ નહીં લઈ શક્તા કોર્પોરેટ ક્ષેત્રના એક્ઝિક્યુટિવ્સને હાઈ બી.પી. અને હાર્ટ એટેકનો ભોગ બનવાની સંભાવના ઘણી વધી જાય છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના (બર્કલી) ન્યુરોસાયન્સ અને સાઈકોલોજીના પ્રોફેસર મેથ્યુ વોકર સ્લીપ-Sleep વિષયના ખ્યાતનામ નિષ્ણાત છે. તેમણે Why we Sleep’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે ઊંઘ વિશે થયેલા વૈજ્ઞાાનિક સંશોધનોની વિગતે વાત લખી છે.
આ પુસ્તકમાં પ્રો. મેથ્યુ ઓછી ઊંઘથી ભોગવવા પડતા માઠા પરિણામો સામે વાંચકને ચેતવે છે. જીવનમાં નવું નવું શીખવાનું કૌશલ્ય વધારવા, આપણા મુડ અને એનર્જી લેવલમાં સુધારો લાવવા, હોર્મોન્સ રેગ્યુલેટ કરવા, અલ્ઝાઈમર્સ અને ડાયાબિટિસ નિવારવા તેમજ શારીરિક વયવૃદ્ધિની અસરો ઓછી કરવા માટે ઊંઘ અતિ આવશ્યક છે.
પૈસા કમાવાની લ્હાયમાં કે કારકિર્દીમાં ઝડપથી આગળ વધી જવાની મહત્વાકાંક્ષામાં તમે વર્ષો સુધી ઉજાગરા ખેંચો અને ઓછી ઊંઘ લઈ રાતોની રાતો કામ કર્યા કરો તો તમને હાઈ બી.પી., ડાયાબિટિસ થવાની સંભાવના ઘણી વધી જાય છે, એટલું જ નહીં હાર્ટ એટેક, કે સ્ટ્રોકના ભોગ બનવાનું જોખમ પણ સતત તમારા માથે ઘુમરાતું રહે છે.
‘સ્લીપ’ નિષ્ણાતોના મતે ઓછી ઊંઘના કારણે ઓબેસિટિ, ડિપ્રેશન, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડાની સંભાવના પણ ઊભી થાય છે.
રંજનદાસ વર્ષો સુધી રોજ લગભગ ૪ થી ૫ કલાકની જ ઊંઘ લેતા હતા અને મૃત્યુના કેટલાક વર્ષો અગાઉ તેમણે એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ હકીકતને પુષ્ટિ પણ આપી હતી.
એક વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટે કાચી ઉંમરે રંજનદાસના અચાનક મૃત્યુની ઘટનાની તપાસ કર્યા બાદ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે કાચી ઉંમરે રંજનદાસના અચાનક મૃત્યુનું કારણ તેમણે વર્ષો સુધી પુરતી ઊંઘ ન લીધી તે છે.
૨૫ થી ૪૯ વર્ષની વયના જે પ્રોફેશનલ્સ રોજ ૭ કલાકથી ઓછી ઊંઘ લે તેમને હાઇ બી.બી. થઇ જવાની સંભાવના વધી જાય છે. પણ આ વય જૂથના જે લોકો રોજ ૫ કલાકથી ઓછી ઊંઘ લે, તેમણે જાણી રાખવું જોઇએ કે તેમને હાર્ટ એટેકનું જોખમ ત્રણ ઘણું વધી જાય છે.
માટે ઘર અને ઓફિસ કે ધંધા-રોજગારના સંખ્યાબંધ કામોના વધુ પડતા ભારણ નીચે આપણે રોજની જરૂરિયાત મુજબની ઊંઘમાં કાપ મુકતા જઇશું તો કાચી ઉંમરે અચાનક અલવિંદા કહેવાની નોબત આવી પડવાની શક્યતા હકીકતમાં પલટાતા વાર નહીં લાગે.