પૃથ્વીના વિરાટ ગોળાની આબોહવામાં ફેરફાર, માનવજાત પર કુદરતી આફતોનું જોખમ

પૃથ્વીના વિરાટ ગોળા પર થઇ રહેલા  આબોહવાના ફેરફારને કારણે સમગ્ર વિશ્વના ગગનચુંબી પહાડી  વિસ્તારોમાં  અને માનવીય પ્રવૃત્તિમાં ભારે વિપરીત અસર થશે. બરફનાં તોફાનો, નદીઓનાં ગાંડાંતૂર  પૂર, પર્વતોની ભેખડો તૂટી પડવી અને સરોવરો છલકાઇ જવાં વગેરે જેવી જીવલેણ ઘટનાઓનું જોખમ વધશે. પર્વતો તૂટશે, નદીઓ ગાંડીતૂર થશે, હિમ નદીઓ નાની થવાથી પીવાના પાણીનું સંકટ સર્જાશે,ખેતીવાડીને ભારે નુકસાન થશે

વિટ્વાટેર્સરાન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જાસ્પેર નાઇટે તેમના સંશોધનપત્રમાં એવો જોખમી સંકેત આપ્યો છે કે પૃથ્વીની આબોહવામાં થઇ રહેલા ભારે તોફાની અને જોખમી ફેરફારને કારણે સમગ્ર દુનિયાના પહાડી વિસ્તારોમાં વસતાં લોકો માટે અસલામતી સર્જાશે. સાથોસાથ પર્યાવરણને પણ ભારે મોટું નુકસાન થશે.

સંશોનપત્રમાં એવી ચેતવણી પણ છે કે પૃથ્વીનો વિશાળ પટ સતત ગરમ થઇ રહ્યો હોવાથી બરફીલા પહાડોની હિમનદીઓ પીગળી રહી છે. તેના મૂળ  સ્થાનેથી ખસી રહી હોવાથી બરફના પર્વતના કુદરતી માળખામાં ચિંતાજનક ફેરફાર થઇ રહ્યા છે. સાથોસાથ તેના પ્રાકૃતિક સૌંદર્યને ,પર્યાવરણને અને તે વિસ્તારમાં વસતી પ્રજાના જીવનમાં પણ ભારે વિપરીત અસર થશે. વળી, આ અસર પણ વિવિધ પ્રકારની હોઇ શકે છે. ઉદાહરણરૂપે પરંપરાગત ખેતીવાડી અને ઘાસચારાનાં વિશાળ ક્ષેત્રોને ભારે મોટું નુકસાન થશે.

સાથોસાથ પર્વાસ-પર્યટન, શહેરીકરણ,ખાણ ઉદ્યોગ અને વનીકરણ વગેરે ક્ષેત્રોમાં પણ ભારે વિપરીત અસર થવાની શક્યતા છે.

પૃથ્વીની આબોહવામાં થઇ રહેલા અકળ પરિવર્તનને કારણે નીચા અક્ષાંશ પરનાપર્વતો પરના બરફના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે તથા બરફની વિશાળ પાટ પણ તૂટી રહી છે.કહેવાનો અર્થ એ છે કે આબોહવાના આવા અકળ  છતાં તોફાની ફેરફારને કારણે આ બધા પહાડો પર કેવી ગતિવિધિ થશે તેનો અંદાજ આવશે.

સૌથી ચિંતાજનક બાબત તો એ હશે કે બરફીલા પહાડો જગતનાં લાખો-કરોડો લોકોને  પીવાનું જળ આપે છે. જોકે ઋતુ ચક્રમાં થઇ રહેલા પરિવર્તને કારણે આ જળ પુરવઠામાં પણ મોટો  ઘટાડો થશે. કારણ એ છે કે બરફના પર્વતો પરની હિમ નદીઓનું કદ વધુને વધુ નાનું થઇ રહ્યું છે.

આ સંશોનપત્રમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે એશિયા ,ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા અને યુરોપ જેવા પ્રમાણમાં સૂકા ખંડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા અતિ ગંભીર બને તેવી પૂરી સંભાવના છે.