રોહિત શર્માને નેટ પ્રેક્ટિસમાં સામાન્ય ઈજા, સેમિ ફાઈનલની તૈયારી શરુ

રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ તારીખ ૯મી નવેમ્બરને ગુરુવારે એડિલેડમાં રમાનારી ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલની તૈયારીઓ શરૃ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્માને નેટ પ્રેક્ટિસ દરમિયાન હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. ઈજા થતાં તેણે પ્રેક્ટિસ છોડી દીધી હતી. જોકે થોડા સમય બાદે તે ફરી પ્રેક્ટિસમાં જોડાયો હતો.

પાકિસ્તાનના ફાસ્ટ બોલરોનો સામનો કરવા માટે રોહિતે થ્રોડાઉન સ્પેશિયાલીસ્ટ સામે બેટિંગ કરવાનું પસંદ કર્યું હતુ. જોકે આ દરમિયાન તેને જમણા હાથમાં કોણીના ભાગની નીચે ઈજા થઈ હતી. તે થોડા બ્રેક બાદ ફરી પ્રેક્ટિસમાં જોડાતા ભારતીય કેમ્પે અને ચાહકોએ રાહત અનુભવી હતી.

દરમિયાનમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એડિલેડ ઓવલની પીચનું નિરિક્ષણ પણ કર્યું હતુ અને ટીમના સપોર્ટ સ્ટાફની સાથે ચર્ચા-વિચારણા પણ કરી હતી. એડિલેડ ઓવલના મેદાન પર બંને તરફની બાઉન્ડ્રી ટૂંકી છે. જ્યારે સ્ટ્રેટ બાઉન્ડ્રી લાંબી છે.

અગાઉ ભારતીય ટીમના કોચ રોહિત શર્માએ સ્પષ્ટતા કરી હતી કે, અમે પીચ અને કન્ડિશન જોયા બાદ પ્લેઈંગ ઈલેવન નક્કી કરીશું. એડિલેડ પર રમાયેલી અગાઉની મેચ અમે જોઈએ અને અહીંની પીચ અન્યની સરખામણીમાં ધીમી છે. છતાં અમે પીચનો ક્યાસ કાઢ્યા બાદ અંતિમ નિર્ણય લઈશું.

એડિલેડમાં ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી અને ત્યાર બાદ ખેલાડીઓ તેમના પરિવારની સાથે ડિનર માટે ગયા હતા. આ અંગેના વિડિયો અને કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ બની હતી.