દેશના અર્થતંત્રમાં એક મોટો બદલાવ આવ્યો હતો જયારે વડાપ્રધાને તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ એ સમયે ચલણમાં રહેલી રૂ.૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટો રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આ સમયે દેશમાં રોકડનું પ્રમાણ વધશે, રોકડ નાણાકીય વ્યવહાર વધશે એવી ધારણા રાખવામાં આવી હતી. જોકે, આ ધારણા ખોટી પડી છે.
નોટબંધી પહેલા દેશમાં રૂ.૧૭.૦૧ લાખ કરોડની રોકડ અર્થતંત્રમાં ફરી રહી હતી જે અત્યારે વધી રૂ.૩૦.૮૯ લાખ કરોડની થઇ ગઈ છે. આમ, છ જ વર્ષમાં રોકડનું પ્રમાણ ૮૨ ટકા કે રૂ.૧૩.૮૭ લાખ કરોડ વધ્યું છે.
ડીજીટલ પેમેન્ટ પણ નવા વિક્રમો સર કરી રહ્યું છે પણ હજુ પણ દેશની જનતા અને અર્થતંત્રમાં જો રોકડથી વ્યવહાર થતા હોય તો ગ્રાહક ચોક્કસ રીતે રોકડને પ્રાધાન્ય આપે છે તેમ ચોક્કસ કહી શકાય. રિઝર્વ બેંકનો ૨૦૧૯નો એક અભ્યાસ નોંધે છે કે ડીજીટલ પેમેન્ટની સંખ્યા અને તેમાં નાણાકીય વ્યવહાર બંને વધી રહ્યા છે પણ તેની સાથે અર્થતંત્રમાં રોકડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ (જયારે નોટબંધી આવી)માં દેશના અર્થતંત્રનું કદ રૂ.૧૫૨.૫૩ લાખ કરોડનું હતું અને એટલે ચલણનું પ્રમાણ દેશના જીડીપીના ૧૧.૧૬ ટકા જેટલું હતું. અત્યારે માર્ચ ૨૦૨૨ના અંતે પૂર્ણ થયેલા વર્ષે દેશના અર્થતંત્રનું કદ વધી રૂ.૨૩૬.૬૪ લાખ કરોડ થયું પણ તેની સાથે ચલણ કે રોકડનું પ્રમાણ પણ વધી ૧૩.૦૫ ટકા થઇ ગયું છે. રિઝર્વ બેંક નોંધે છે કે ડીજીટલ પેમેન્ટમાં નાણાકીય વ્યવહાર વધે તો તેના કારણે રોકડનું પ્રમાણ ઘટે એવો કોઈ પુરાવો મળી રહ્યો નથી!
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઇકોનોમિક રિસર્ચના એક અહેવાલમાં ગત સપ્તાહે જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન દેશમાં રોકડનું પ્રમાણ લગભગ રૂ.૭૬,૦૦૦ કરોડ જેટલું ઘટી ગયું હતું. છેલ્લા બે દાયકામાં આવી ઘટના પ્રથમ વખત જોવા મળી છે એવું એસબીઆઈ નોંધે છે. પણ સાથે એમ પણ જણાવે છે કે દેશમાં વધી રહેલા ડીજીટલ પેમેન્ટની અસરથી મની મલ્ટીપ્લાયર પણ ઘટી રહ્યો છે. સીધા શબ્દોમાં કહીએ તો અર્થતંત્રમાં જેટલું નાણાનું સર્જન થાય તેનાથી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન મળે અને વધારાના નાણા ઉભા થાય એનું પ્રમાણ ઘટી રહ્યું છે. એટલે રોકડ વ્યવહારથી વધારાના નાણા ઉભા થતા હતા જયારે ડીજીટલ વ્યવહારથી તે ઘટી ગયા છે.
બીજી તરફ, ક્રેડીટ કાર્ડ એટલે કે ડીજીટલ પેમેન્ટ પણ માત્ર અમુક લાયક વ્યક્તિને ધિરાણ મળતું હોય તેવી વ્વ્યસ્થાનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. વધુને વધુ ખરીદી ઉપર ક્રેડીટ કાર્ડમાં ઓફર, ડિસ્કાઉન્ટ વગેરે મળતા થયા છે એટલે તેનો ઉપયોગ વધી ગયો છે. દિવાળી ૨૦૨૨ના મહિનામાં લોકોએ રૂ.૧,૦૩,૦૨૯ કરોડના નાણાકીય વ્યવહાર ક્રેડીટ કાર્ડ થકી કર્યા છે જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આ દર્શાવે છે કે રોકડ કે પોતાના બેંકના ખાતામાંથી નાણા ઉપડયા વગર જ લોકોએ ખરીદી કરી છે. આ રકમ ચલણમાં ક્યાંય નોંઝાતી નથી એટલે એસબીઆઈના અહેવાલ અનુસાર ચલણમાં રોકડ ઘટી છે એ દાવો અર્ધસત્ય પણ હોય શકે છે!
સમય |
ચલણમાં રહેલી રોકડ રૂ. કરોડ |
ઓક્ટોબર૨૦૧૬ |
૧૭,૦૧,૩૮૦ |
ઓક્ટોબર૨૦૨૨ |
૩૦,૮૮,૯૩૨ |
વૃદ્ધિ |
૧૩,૮૭,૫૫૨ |
વૃદ્ધિ ટકામાં |
૮૧.૫૫ |
ઓક્ટોબર મહિના દરમિયાન એટીએમ ઉપરની રૂ.૧,૭૯,૬૬૨ કરોડનો રોકડ ઉપાડ જોવા મળ્યો છે જે ૨૦૨૧ના દિવાળીના મહિનામાં માત્ર રૂ.૬૧,૪૧૫ કરોડ જ હતી. આ પણ દર્શાવે છે કે આ વર્ષે લોકોએ રોકડ ઉપાડ પણ વધાર્યો છે અને તેના કારણે દેશમાં હજુ પણ રોકડ જ ચલણનો રાજા છે.