ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે અને આગામી મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાં ભંગાણના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેજ ગતિથી પ્રચાર કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસનો આંતરિક કલેહ બહાર આવી રહ્યો છે. ગુજરાતના જૂનાગઢના કેશોદ કોંગ્રેસના કાર્યકરો, હોદેદારો અને ચૂંટાયેલા સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાતમાં આ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ માટે ટીકીટને લઈને ખુબ જ મુશ્કેલી ઉભી થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી દરેક પક્ષમાં ટીકીટને લઈને નારાજગી સામે આવી રહી છે. ગુજરાતમાં આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ થવાનો છે ત્યારે ક્યાં પક્ષમાંથી કોને ટીકીટ આપવામાં આવશે અને કોની ટીકીટ કપાશે તે તો સમય જ બતાવશે જો કે હાલ કોંગ્રેસમાં ટીકીટને લઈને રાજીનામાંની ચીમકી કેશોદના હોદેદારો અને ચૂંટાયેલા સભ્યોએ આપી છે.
શું છે વિવાદ ?
કેશોદ કોંગ્રેસના તમામ સભ્યો અને હોદેદારોએ પક્ષમાંથી રાજીનામાંની ચીમકી આપી છે. પાર્ટીમાં વિધાનસભાની ટીકીટનું વિતરણ પૈસાના જોરે થતું હોવાથી પક્ષની અંદર નારાજગી વ્યાપી ગઈ છે. કોંગ્રેસના હોદેદારો, સભ્યો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા અને બીજા પક્ષમાંથી કોંગ્રેસમાં આવેલા નેતાને ટીકીટ અપાશે તો રાજીનામુ આપવામાં આવશે આ સાથે સ્થાનિક ઉમેદવારોને ટીકીટ આપવાની માંગ કરી છે.