હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ, છોટુ વસાવા ચુંટણી નહી લડે તેવી અટકળોનો અંત

હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ : છોટુ વસાવા… છોટુ વસાવા ચુંટણી નહી લડે તેવી અટકળોનો અંત

  • આદિવાસીઓના હક આપી દે તો કાલથી લડવાનું બંધ..
  • આદિવાસીઓના હક માટે ચુંટણી લડી રહ્યા છે : છોટુ વસાવા
ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આજરોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે બીટીપીના મહેશ વસાવા અને છોટુ વસાવાના નામો આ યાદીમાં સામેલ નથી કરાયા. મહેશ વસાવા હાલમાં ડેડીયાપાડાના ધારાસભ્ય છે જયારે છોટુ વસાવા ઝગડીયા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. જો કે આ વખતે આ તમામ વચ્ચે એવી પણ અટકળો ચાલી રહી હતી કે છોટુ વસાવા આ વખતે ચૂંટણી જંગમાં નહિ ઝંપલાવે. તેઓની નાદુરસ્ત તબિયતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું અંતરંગ વર્તુળો તરફથી જાણવા મળ્યું હતું.

ધારાસભ્ય છોટુ વસાવાના નિવેદનથી આ અટકળોનો અંત આવી ગયો છે.

ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે કે ”હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ. અમને આદિવાસીઓના હક આપી દે તો કાલથી લડવાનું બંધ.. આદિવાસીઓના હક માટે ચુંટણી લડી રહ્યા છે” વિધાનસભાની ચૂંટણીમાં સહુ કોઈની નજર ઝગડીયા બેઠક ઉપર હોય છે કારણ કે આ બેઠક ઉપરથી છોટુ વસાવા છેલ્લી 7 ટર્મથી સતત જીતતા આવ્યા છે.