ગુજરાત ભાજપના મીડિયા સેલમાં બે નેતાઓ એવા છે જે આખો દિવસ ટ્વીટરમાં મચ્યા રહે છે. કામ એક જ કરવાનું… અરવિંદ કેજરીવાલની અને તેમની પાર્ટીની ખોદણી જ કર્યા કરવાની. ઈન, મીન ગમે તે મુદ્દો આવે, આવે એટલે આ લોકોનું ટ્વીટ આવે જ. એમાં રેવડી. રેવડીલાલ એવો શબ્દ ઠાંસી દેવાનો. પણ હવે એવું થયું છે કે ભાજપ ઉપર તૂટી પડનારી ટ્રોલ આર્મી બહુ મોટી થઈ ગઈ છે. એટલે આ બે જણ સમજ્યા વિના જેવું ટ્વીટ કરે કે યુઝર્સ તેમની પર જ તૂટી પડે છે. માથે ટાલ થઈ એટલી વાર અનેક મામલે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ ગયા છે, તોય આ બેઉની ઘેલછા ઘટી નથી. ટ્રોલ થયા પછીય તંગડી ઊંચી જ રાખવાની…
કૌભાંડી નેતાની ભલામણ કરતા ભાજપમાં જોવા જેવી થઈ: વડોદરા શહેરની પાંચ બેઠકોમાં સૌથી મોટો મતવિસ્તાર સયાજીગંજ છે. સયાજીગંજ બેઠકના વર્તમાન ધારાસભ્ય જિતુ સુખડીયાએ પોતે ચૂંટણી લડવાના નથી તેવું જાહેર કરી દીધું છે ત્યારે ભાજપમાં ઘણાને આશા જાગી છે કે પોતાને તક મળશે. કેટલાકે સીધી દાવેદારી કરી, કેટલાક બીજા મારફત નામ વહેતું કરવાની કોશિશ કરી. તેમાં ઊંધું વેતરાયું. તાજેતરમાં પાંચ બેઠકો માટે નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા હતા, તેમાં એક દાવેદાર એમ. એસ. યુનિવર્સિટીના જીગર ઇનામદારના કેટલાક કાર્યકરોએ વખાણો કર્યા. શહેરના વગદાર બ્રાહ્મણ મહિલા નેતાએ વખાણો કરનારા આ કાર્યકરોને પોતાની ઓફિસમાં બોલાવીને ખખડાવ્યા હોવાનું ભાજપામાં ચર્ચાઇ રહ્યું છે. કારણ શું હતું ખબર? આ મહિલા નેતા જાતે એક બે દાવેદારોની ભલામણો કરી રહ્યા હતા. જિલ્લા પંચાયતના એક કૌભાંડી સભ્ય માટે અને ભૂતપૂર્વ મેયર માટે પણ ભલામણો કરી છે. બીજા ભલામણ કરે તો બબાલ કરવાની અને પોતે ભલામણો કરી એનું કૈં નહીં?
ટ્રોલિંગથી આબરૂની ટાલ પડી ગઈ પછી હવે ભાજપી નેતાએ પ્રાઈવસી સેટ કરી: ગુજરાત ભાજપ મીડિયા સેલના એક નેતા પ્રસિદ્ધિના એટલા બધા ભૂખ્યા છે કે મીડિયા સેલના બીજા લોકોને પણ હવે પેટમાં દુખવા લાગ્યું છે. આ ભાઈને આમ આદમી પાર્ટીની એટલી બધી ઘેલછા છે કે ગમે તે મુદ્દો આવે તરત ટ્વીટ કરવા માટે કૂદી પડે છે. જોકે આ પ્રસિદ્ધિ ઘેલા નેતા એટલા બધા ટ્રોલ થવા લાગ્યા કે આબરૂની ટાલ થઈ ગઈ છે. ગમે તેટલી જાડી ચામડી હોય, પણ સોશ્યલ મીડિયામાં લોકો એવા એવા કટાક્ષ કરે છે કે ઘસરકા થઈ જાય. તેમના મોટા ભાગના ટ્વીટ પછી તેમની પર એટલી હદે ફિટકાર વરસ્યો છે કે હવે તેમણે કમેન્ટ અને રિપ્લાય બંધ કરી દેવા પડ્યા છે. પ્રાઈવસી સેટ કરી દેવી પડી છે, જેથી તેમના ઢંગધડા વિનાના ટ્વીટની મજાક ના ઊડે.
પૂર્વ મંત્રીને રિપિટ કર્યા સિવાય છૂટકો નથી? અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પછી વરાછા બેઠક પરથી ચૂંટણી લડશે એવું મનાઈ રહ્યું છે. ગયા વખતે પાટીદાર આંદોલન છતાં વરાછામાં ભાજપના કુમાર કાનાણી જીતી ગયા હતા. દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા કુમાર કાનાણીના કારણે વચ્ચે કેટલાક વિવાદો પણ થયેલા. એથી લાગતું હતું કે તેમની ટિકિટ કપાશે, પણ અલ્પેશ જેવા આક્રમક નેતા સામે બેઠક બચાવવી હોય તો કાનાણી જેવા કસાયેલા નેતા જ જોઈએ. વરાછામાં કાર્યકરોનું નેટવર્ક તેમણે ઊભું કરેલું છે એટલે પક્ષના સંગઠન સાથે જોડાઈને તેઓ ટક્કર આપી શકે. ગત વખતે પરિસ્થિતિ વધારે ગરમ હતી, જ્યારે હવે આંદોલનના પડઘા શમી ગયા છે. પરંતુ અલ્પેશ જેવા નેતાને આપ અહીં ઉતારે ત્યારે ભાજપે વરાછામાં આબરૂ જાળવવા બેઠક જાળવી રાખવી જરૂરી બની જાય.
AAPને આર્થિક ફટકો પડ્યો, હવે ઉમેદવારોને ફદિયાના ફાંફા? વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને આગળ જતા કૉંગ્રેસમાં આંતરિક ડખા નડી ગયા. કુંવરજી બાવળિયા સાથે તેમને ઊભે બને નહીં. કૉંગ્રેસ છોડી જ દીધી હતી, પણ બાવળિયા ગયા એટલે પાછા ફર્યા. પણ આ વખતે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. પણ 220 દિવસમાં અચાનક કૉંગ્રેસમાં ઘરવાપસી કરી. ઈસુદાન ગઢવીનું નામ જાહેર થયું ત્યારે તેઓ ગેરહાજર હતા. તેમણે વિદાય લીધી, પણ હવે તેમની સાથે આપમાં જોડાયેલા સાથીઓનું શું? ખાનગી ચર્ચા અનુસાર ફન્ડિંગના ફાયદા જોઈને રાજ્યગુરુને લેવામાં આવેલા. તેમના કેટલાક સાથીઓને ટિકિટ પણ અપાઈ હતી, પણ હવે વશરામ સાગઠિયા જેવા સાથીઓ પણ પાછા ફરશે કે કેમ તે જોવાનું રહ્યું. આપને મોકાના સમયે ફટકો પડ્યો એ કરતાંય આર્થિક ફટકો પડ્યો તેની વધારે ચર્ચા છે. ધનાઢ્ય રાજ્યગુરુ રાજકોટ જિલ્લાનું ફન્ડિંગ કરવાના હતા એટલે હવે આપના ઉમેદવારનો ફદિયાંના ફાંફા પડવાના છે.
સૌરાષ્ટ્રની બેઠકોની ચર્ચામાં વજુભાઈ અને રૂપાણી રખાયા હાજર: તારીખો જાહેર થયા પછી ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ હવે દાવેદારમાંથી પાંચ પાંચ નામો શોર્ટલિસ્ટ કરી રહ્યા છે. પ્રથમ બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લાનો વારો હતો. આ બેઠકમાં વિજય રૂપાણી અને વજુભાઈ વાળાને ખાસ હાજર રખાયા હતા અને તેમના અભિપ્રાયને વજન અપાયાનું મનાય છે. પાંચ પાંચ નામો નક્કી થયા છે તે હવે દિલ્હી મોકલાશે અને ત્યાંથી અંતિમ મહોર નરેન્દ્ર મોદી મારશે. ગોંડલમાં મામલો ગૂંચવાયો છે, તેમાં પણ પાંચ નામ નક્કી કરાયા છે, પણ તેમાં મોદી સરપ્રાઈઝ આપે તો પણ કહેવાય નહીં.
આ કેવું, ભાજપના ધારાસભ્યને સાલ મુબારક માટે પણ લોકોને નહીં મળવાનું? દિવાળી પછી નેતાઓ સૌ કોઈને સાલ મુબારક કરવા માટે ઉમળકાથી નીકળ્યા હતા, પણ તેમાં રાજકોટ ગ્રામ્ય બેઠકના વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા માટે સોખમણ જેવી સ્થિતિ થઈ. તેઓ સાલ મુબારક માટે પોતાના વિસ્તારમાં ફર્યા, પણ એવું લાગ્યું કે જાણે પ્રચારે નીકળ્યા છે. મોકો જોઈને આ બેઠક પરના અન્ય દાવેદારો ભાનુબહેન બાબરિયા અને અન્યોએ હાઈ કમાન્ડ સુધી પૂછપૂછ કરી – શું લાખાભાઈને ટિકિટ આપવાનું નક્કી થઈ ગયું છે? મોવડીઓએ લાખાભાઈની પૃચ્છા કરી ત્યારે તેમણે કહ્યું કે આ ખરું, નવા વર્ષે સાલ મુબારક કરવા લોકોને મળવું કે નહીં. ને મારો જન્મદિન પણ હતો એટલે સૌને મળવા નીકળ્યો હતો એવા ખુલાસા કર્યા. આવી મુલાકાતોની તસવીરો અને વીડિયો તરત સોશ્યલ મીડિયામાં આવી જાય એટલે હરિફોને લાગ્યું કે આમણે તો પ્રચાર શરૂ કરી દીધો કે શું…
રાહુલ ગાંધી અને પ્રિયંકામાંથી કોંગ્રેસ કોને લાવશે? કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની ગેરહાજરી હજી સુધી ગુજરાતની ચૂંટણીમાં વર્તાઈ રહી છે, પણ હવે તારીખો જાહેર થયા પછી પ્રિયંકા અથવા રાહુલ ગાંધીના રોડ શૉનું આયોજન વડોદરામાં થઈ રહ્યું છે. રાહુલ ગાંધી હાલમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણી અને વરણી વખતે તેમણે બ્રેક લીધો હતો અને દિલ્હીમાં હાજર રહ્યા હતા. જરૂર પડ્યે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કેટલીક સભા કરવા યાત્રામાંથી વધારે બ્રેક લેશે તેવી ચર્ચા પણ થતી રહી છે. નિર્ણય લેવાયો નથી, પણ ગુજરાત કૉંગ્રેસ વડોદરામાં રોડ શૉ અને નવલખી અથવા આજવા રોડ પરના લેપ્રસી ગ્રાઉન્ડમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરી લીધું છે. રાહુલ ગાંધી ના આવે તો પ્રિયંકાને બોલાવવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં મહામંત્રી તરીકે હવાલો સંભાળ્યો હતો અને ઘણી સભાઓ તેમણે કરી છે, પણ ગુજરાતમાં હજી સુધી તેમણે પ્રચાર કર્યો નથી. વડોદરા શહેર કૉંગ્રેસના અગ્રણીઓ કહે છે શહેરમાં બેમાંથી કોઈ એક નેતાનો પ્રચાર થાય તો વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને દાહોદની આદિવાસી બેઠકોમાં પણ ફાયદો થઈ શકે છે. ખાસ કરીને કાર્યકરોને ઉત્સાહ પ્રેરવાની જરૂર છે, જેથી છેલ્લો એક મહિનો છે ત્યારે પ્રચારમાં લાગી જાય.
બોર્ડની બેઠક વખતે કમલમમાં મીડિયા સેલને પણ પ્રવેશ નહીં: કેન્દ્ર સરકારમાં ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં કમલમ ખાતે અગત્યની ત્રણ દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ચાલી. તારીખો જાહેર થવા સાથે હવે બેઠક દીઠ પાંચ પાંચની સૂચિ તૈયાર કરવાની હતી. આ બેઠકોમાં માત્ર બોર્ડના સભ્યોને જ હાજર રહેવાનો હુકમ હતો. કયા પાંચ નામ શોર્ટલિસ્ટ થયા તેની પણ માહિતી લીક ના થવી જોઈએ. તેથી માહિતીનું કામ સંભાળતા મીડિયા સેલના હોદ્દેદારોને પણ આ દિવસોમાં કમલમ કાર્યાલયમાં અંદર આવવા મનાઈ કરી દેવાઈ હતી. ઇમારતની પાછળ બગીચામાં મીડિયા માટે ટેન્ટ નાખીને વ્યવસ્થા કરાઈ હતી, ત્યાં જ મીડિયા સેલના લોકોએ પણ પત્રકારો સાથે ગપગોળા કરીને ટાઇમ પાસ કરવો પડ્યો હતો.
બોર્ડની બેઠક શરૂ થઈ અને નાસ્તાની વ્યવસ્થા બંધ થઈ: ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત માટે પોલીસ કર્મચારીઓની ડ્યુટી હોય છે. રાબેતા મુજબના દિવસોમાં કાર્યાલયના રસોડામાં હોદ્દેદારોની સાથે પોલીસવાળાને પણ નાસ્તો મળી જતો હતો. પણ ટિકિટો નક્કી કરવાની બેઠકો હોય ત્યારે મીડિયા સેલને પણ અંદર પ્રવેશ નહોતો એટલે અંદર જઈને નાસ્તો કરવો પણ મુશ્કેલ હતો. પોલીસ કર્મચારીઓએ કહ્યું ઠીક ત્યારે બહાર જઈને સ્વ ખર્ચે નાસ્તો કરી આવીશું. પેટપૂજા કર્યા વિના થોડું ચાલવાનું છે.