અવઢવ: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી 12મી નવેમ્બરે જાહેર થશે

ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. આજે 13 જિલ્લાની બાકી રહેલી તમામ 77 બેઠકોના ઉમેદવારો અંગે લંબાણથી ચર્ચા થઈ રહીછે. ગૃહમંત્રી અમિત શાહની હાજરી વચ્ચે ચાલી રહેલી આ બેઠક બાદ આગામી મંગળવાર કે બુધવારથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ 182 બેઠકોના ઉમેદવારોના નામની પેનલ બનાવીને દીલ્હી મોકલાશે. ત્યાર બાદ નવી દીલ્હીથી 12મી નવેમ્બર પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરાશે. જો વડાપ્રધાન મોદી કહેશે તો યાદી 12મી પહેલા પણ જાહેર થઈ શકે છે.

કમલમ ખાતે મળેલી ત્રણ દિવસની ચૂંટણી સમિતિની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત હાજર હતા એ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમકે આ અગાઉની કોઈ ચૂંટણીમાં તેઓ આ રીતે સમિતિની બેઠકમાં હાજર રહેતા નહોતા. સૂત્રો જણાવે છે કે, આજના મનોમંથન બાદ દરેક બેઠક માટે જે પેનલ બનશે તે મોટેભાગે તેમાં ત્રણ નામો હશે. જો કે કેટલીક બેઠકોમાં 4-થી 6 નામો પણ હોઈ શકે છે. ઉમેદવારો નક્કી કરવાનો અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ લેશે.

દાવેદારોએ આપેલા બાયોડેટાના આધારે જે પેનલ બનશે તે પૈકીમાંથી જો વડાપ્રધાનને પસંદ નહી હોય તો  તેને કાઢી નાખશે. એટલુ જ નહી, પેનલમાં કોઈ કારણોથી નામ ન હોય અને જીતી શકે તેમ હોય તો તેવા ઉમેદવારનુ નામ રખાશે. કોંગ્રેસ અને આપ દ્રારા કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાતા ભાજપના મુરતીયાઓ પણ હવે તલપાપડ થઈ રહ્યા છે. જો કે અમુક ઉમેદવારોને ખાનગીમાં કહી દેવાયુ છે કે તમારી ટિકિટ પાક્કી છે. તમે તૈયારીમાં લાગી જાવ.